Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. રાજકીય નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જેમાં મોટે ભાગે કોંગ્રેસ પક્ષને એકબાદ એક ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે અરવલ્લીના ભિલોડામાં આજે મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં સૌથી મોટું નામ છે કેવલ જોશિયારા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સ્વર્ગસ્થ અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારાએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કેવલ જોશિયારા ભિલોડા ખાતે ભાજપમાં જોડાયા છે.
કેવલ જોશિયારા સહિત 1,500 કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી કેવલ જોશિયારાના ભાજપમાં જોડાવાના સમાચાર મળી રહ્યા હતા. પિતાના નિધન બાદ કેવલ જોશિયારા ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી ત્યારે આજે કેવલ જોશિયારાએ ભાજપમાં જોડાઈને તમામ અટકળોનો અંત લાવી દીધો છે.
કેવલ જોશીયારાએ ભાજપમાં જોડાયા બાદ કહ્યું હતું કે, આદિજાતિ સમાજમાંથી આવતા મારા પિતા સર્જન હતા. લોકોની સેવા કરી અને ધારાસભ્ય બન્યા હતા. મંત્રી બનીને પણ લોકોની સેવા કરી. હું મારા પિતાના માર્ગે ચાલીને લોકોની સેવા કરીશ. ભાજપમાં જોડાઈને મેઘરજ, ભિલોડાની જનતાની સેવા કરીશ. મારા પિતાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરીશ. પક્ષના આગેવાનો, વડીલોને અપીલ છે કે દુધમાં સાકાર ભળે તે રીતે પક્ષમાં ભળી જઈશ.
આ પ્રસંગે કેવલ જોશિયારાએ કહ્યું કે, તેઓ કોંગ્રેસથી નારાજ થઈને નહીં પરંતુ ભાજપનો વિકાસ જોઈને જોડાયા છે અને ભાજપ જો ટિકીટ આપશે તો તેઓ ચૂંટણી પણ લડશે. તેમણે કહ્યું કે, તેમને આદિવાસી બેઠક પર જનતાનું સમર્થન છે.
મહત્વનું છે કે, અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. અનિલ જોશિયારા સતત પાંચ ટર્મથી કોંગ્રેસમાંથી ચૂંટાતા આવ્યા છે. પરંતુ અનિલ જોશિયારાના નિધન બાદ કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવા માટે ભાજપે ચૂંટણી પહેલા તેમના પુત્રને પક્ષમાં જોડીને મોટો દાવ ખેલ્યો છે. આજે કેવલ જોશિયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો પણ કેસરિયો ધારણ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
