Homeતાપણુંકોંગ્રેસે હરીશ રાવતને લાલકુંઆમાં ઉતારી તેમની કારકિર્દીનો પાતાળ પ્રવેશ કરાવી નાખ્યો, હરીશને...

કોંગ્રેસે હરીશ રાવતને લાલકુંઆમાં ઉતારી તેમની કારકિર્દીનો પાતાળ પ્રવેશ કરાવી નાખ્યો, હરીશને હરાવનારો ઉમેદવાર ફક્ત જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો હતો

Team Chabuk-Political Desk: વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની હાર સાથે તેમના રાજનીતિક ભવિષ્યની અટકળોને લઈ અત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હરીશની ગેરહાજરીથી ઉત્તરાખંડની કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો મળશે. તેમના રાજનીતિક ભવિષ્યની સાથે એ મુદ્દાઓ પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે જેને તેઓ હંમેશ ઉઠાવતા આવ્યા છે.

લાલકુંઆ વિધાનસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે હાર બાદ સોશિયલ મીડિયા પર ભાવુક થઈ સંદેશ જાહેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, હું લાલકુંઆ ક્ષેત્રના લોકો પાસેથી ક્ષમા માગુ છું. હું તેમનો વિશ્વાસ મેળવી ન શક્યો અને જે ચૂંટણીના વાયદા મેં તેમને કર્યાં હતા, તેમને પૂર્ણ કરવાનો મેં અવસર ગુમાવી દીધો.

રાવતે વધુમાં કહ્યું હતું કે, ખૂબ ઓછા સમયમાં તમે મારી તરફ સ્નેહનો હાથ વધારવાનો પ્રયાસ કર્યો અને હું ખૂદને વધારેલા હાથની નજીક ન લઈ જઈ શક્યો. કોંગ્રેસજનોએ અથાગ પરિશ્રમ કરીને મારી ક્ષતિઓ ઢાંકવાનો અને જનતાના વિશ્વાસને મારી સાથે જોડવાનો પ્રયાસ કર્યો. એ માટે હું મારા તમામ કાર્યકર્તાઓ અને સાથીઓનો ધન્યવાદ માનું છું. એક વખત રાજનીતિક સ્થિતિમાં સ્થાયિત્વ આવી જાય, લોકોનું ધ્યાન પોતાના દૈનિક કાર્યોમાં લાગી જાય, તો હું લાલકુંઆ વિસ્તારના લોકોને ધન્યવાદ આપવા માટે તેમની વચ્ચે પહોંચીશ. આ સાથે જ હરીશ રાવતે વિજેતા ઉમેદવારને શુભકામનાઓ પાઠવી હતી.

જણાવી દઈએ કે વર્ષ 2017માં બે-બે સીટ પરથી પરાજીત થયા તેનો બદલો રાવત લેવા ઈચ્છતા હતા. જોકે સફળ ન થઈ શક્યા. હરીશ રાવતનું માનવું છે કે આ તમામ વાતો પર હવે મંથન કરવાનો ઉચિત સમય આવી ગયો છે કે જે મુદ્દાને ઉઠાવતા રહ્યા છે, શું એ ઉત્તરાખંડની જનતાના વાસ્તવિક સવાલ છે પણ કે નહીં. હરીશે કહ્યું હતું કે તેમણે રોજગાર, ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવ્યા હતા.

હરીશ રાવત મનોજ બિષ્ટ સામે હાર્યા. તેમની હારનું એક મોટું કારણ એ પણ છે કે મનોજ બિષ્ટ છેલ્લા કેટલાય સમયથી લાલકુંઆમાં રહેતા અને લોકોની વચ્ચે રહેતા હતા. જેથી લોકોની ઈચ્છા તેઓ જાણી ચૂક્યા હતા. દરેક ઘર સાથે મનોજ સંપર્કમાં હતા. આ પૂર્વે હરીશ રાવત રામનગરથી ચૂંટણી લડવાના હતા પણ પાર્ટી હાઈકમાન્ડે અંતિમ સમય પર તેમને લાલકુંઆમાં ઉતારી તેમની કારકિર્દીનો પાતાળ પ્રવેશ કરાવી નાખ્યો તે કહેવામાં જરાં પણ અતિશ્યોક્તિ નથી. ખૂદ હરીશ રાવત પણ આ વાતથી નારાજ હતા. 2017માં રાવત હરિદ્વાર ગ્રામીણ અને કિચ્છાથી ચૂંટણી લડ્યા હતા. બંને સીટ પરથી તેમને ધોબીપછાડ મળી હતી.

આશ્ચર્યની વાત એ પણ છે કે મનોજ બિષ્ટ જેમણે હરીશ રાવતને હરાવ્યા તેઓ આ પૂર્વે કોઈ દિવસ વિધાનસભાની ચૂંટણી નહોતા લડ્યા. 2019માં તેઓ ફક્ત જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. મનોજને જ્યારે હરીશની સામે ઉતર્યા ત્યારે પાર્ટીની અંદર ગણગણાટ થવા લાગ્યો હતો કે હાઈકમાન્ડે મનોજમાં એવું શું જોઈ લીધું? જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજને ટિકિટ આપી ગઢ જીતી લીધો છે.


તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments