Team Chabuk-Political Desk: વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. રાજકોટ કોંગ્રેસના બે મોટા દિગ્ગજ નેતા પક્ષમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી લીધી છે. વશરામ સાગઠીયા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે રાજકોટના વોર્ડ નંબર-15 કોર્પોરેટર કોમલ ભારાઈ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્રણેય નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા હતા અને વિધિવત રીતે આપમાં જોડાયા હતા.
ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના બે મોટા નેતા આમ આદમી પાર્ટીમાં જોડાતા સૌરાષ્ટ્ર પંથકમાં અને ખાસ કરીને રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસે કુલ ચાર જ કોર્પોરેટર હતા જેમાંથી વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં હવે માત્ર બે જ કોર્પોરેટર બચ્યા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં ભારતની જનતા માટે કામ કરે છે. આમ આદમીનો જ પક્ષ બને તેવી તેમની માન્યતા છે. તેમની આ વાતથી હું પ્રભાવિત થયો હતો. મારું સ્ટેન્ડ હંમેશા લોકો માટે રહ્યું છે. કોંગ્રેસ વિકલ્પ બનાવની ક્ષમતા ખોઈ બેઠો છે. પક્ષ માટે નહીં લોકો માટે મારો સમય આપવો છે. અને લોકો માટે સમય આપવો હોય તો તેનો શ્રેષ્ઠ વિકલ્પ મને આમ આદમી પાર્ટી લાગે છે તેથી હું જોડાયો છું. આવતા દિવસો આમ આદમીના છે. ગુજરાતના આમ આદમીના છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આગળ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં ભાજપને ફેંકી દેવાની તાકાત હોવાથી અમે આ પાર્ટીમાં જોડાયા છે.

પુષ્કળ મહેનત કરવા છતાં પણ લોકો મન મનાવીને બેઠા છે કે કોંગ્રેસને મત આપવો નથી. ગઈકાલે અરવિંદ કેજરીવાલ સાહેબને મળીને તેમના વિચારો જાણ્યા. અને એમના વિચારો જાણીને તેમની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ જોઈ. દિલ્હી અને ગુજરાતના શિક્ષણમાં ઘણો ફેર છે. કેજરીવાલના વિચારો રાષ્ટ્રવાદી છે. તેમની નીતિ સૌને સાથે લઈને ચાલવાની છે. તેમનાથી પ્રેરાઈને અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
