Homeવિશેષતસવીર-એ-બયાં : પાણીમાં એક વખત જાવ તો બહાર નીકળવાનું મન ન થાય...

તસવીર-એ-બયાં : પાણીમાં એક વખત જાવ તો બહાર નીકળવાનું મન ન થાય તેવા ઓસ્ટ્રેલિયાના દરિયા

ફેસબુક પર લટાર મારતા મારતા અમને શું મળ્યું ? Australia.com નામનું ફેસબુક પેજ મળી ગયું. આંતરાષ્ટ્રીય ફ્લાઈટ તો ચાલતી નથી. ચાલે ત્યારે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેતા પહેલા આ પેજની મુલાકાત લઈ લેજો. ભવ્યાતિભવ્ય તસવીરોનો અહીં સંગ્રહ છે. આ પેજને 8.5 મિલિયન તો આ લખાઈ છે ત્યારે લાઈક છે. ભારત ઓસ્ટ્રેલિયાના ઘર આંગણે ક્રિકેટ રમવા માટે ગયું છે. આવા સમયે એમને કેવું થતું હશે કે નિયમનો ભંગ કરી બહાર નહીં નીકળવાનું. શું કામે ? નફ્ફટ કોરોનાના કારણે. બાકી આજે અમે તમને બતાવીએ કે ઓસ્ટ્રેલિયામાં કેવા જાત જાતના અને ભાતભાતના, ઉપરથી એક વખત પાણીમાં ધુબાકો મારો તો બહાર નીકળવાનું મન ન થાય તેવા દરિયા કિનારા છે. આ દરિયા કિનારા જોતા આપણને લાગશે કે ગોવા અને દીવની તો વાત જ જવા દો. કુદરતનું અખૂટ સૌંદર્ય તો અહીં જ ભરેલું પડ્યું છે.

Picture Courtesy Facebook Page : Australia.com

ઓસ્ટ્રેલિયાનો ઓરફસ આઈસલેન્ડ જેને ઓસ્ટ્રેલિયા ડોટકોમ પેજ વિટામીન ડી મેળવવા માટેની પરફેક્ટ જગ્યા ગણાવે છે. વિટામીન ડી એટલે કે જ્યાં સૂર્ય પ્રકાશ સરસ રીતે પડતો હોય. આમેય કોરોનામાં ઈમ્યુનિટીની તો જરૂર પડે જ. સમુદ્રની નીચે સુધી આરપાર ચાલ્યા જતા કિરણો અને એકલો અટૂલો માનવી. આજુબાજુ કોઈ નહીં. નજીકમાં પહાડોની સુંદરતા. જ્યાંથી કોઈ જંગલી જાનવર તો ન આવે, પણ કાર્ટુનમાં જોઈએ છીએ એવી રીતે કોઈ કાંગારુ આવી પોતાના બે ટાંટીયા પેટમાં જડી દે તો પછી ઓસ્ટ્રેલિયાના આ દ્રીપ પર જવાનું જ માંડી વાળવું પડે.

Picture Courtesy Facebook Page : Australia.com

ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનથી 90 કિલોમીટરના અંતરે આ આઈસલેન્ડ આવેલું છે. ઓસ્ટ્રેલિયાનો દરેક સમુદ્ર કિનારો આટલો મનમોહક લાગે છે. ઉપરથી ત્યાંની વસતિ ખૂબ જ ઓછી હોવાના કારણે કોઈ બીચ પર માનવઝૂંડ ઉમટી પડ્યું હોય તેવા દૃશ્યો પણ દેખાતા નથી. એકલતાના કિનારા કે પછી કિનારાની એકલતા.

Picture Courtesy Facebook Page : Australia.com

ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ સીટીનો કેપ હિલ્સબર્ગ બીચ છે. આ દૃશ્ય સવારનું છે. જ્યારે દરિયા કિનારે પિતા અને પુત્ર મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા છે. ઘડીભર માટે કાંગારુઓને હટાવી દેવામાં આવે તો સ્પષ્ટ છે કે કચ્છનો દરિયા કિનારો જ હશે તેવું અનુમાન પણ સેવી શકાય.

Picture Courtesy Facebook Page : Australia.com

સેમ લોરેન્સ નામના ફોટોગ્રાફર ભાઈ દ્વારા આ તસવીર ખેંચવામાં આવી છે. વ્હેલ માછલીઓ સમુદ્રમાં લટાર મારવા માટે નીકળી છે. અહીં દૂર દૂર સુધી માનવ સભ્યતાને કોઈ લેવા દેવા નથી. હા, એકાદ બે ફોટોગ્રાફર સમુદ્રી જીવોની તસવીર ખેંચવા માટે આવી જાય છે.

Picture Courtesy Facebook Page : Australia.com

ઓસ્ટ્રેલિયાના સાઉથ વેસ્ટમાં આવેલો આ દરિયા કિનારો છે. તરતા શીખવું હોય તો મસ્ત મજાની જગ્યા છે. પાણી પણ ચોખ્ખુ જ રહે છે. કોઈ પણ વ્યક્તિ માટે સ્વપ્ન સમાન જગ્યા કહેવાય. આજ સુધી આવી જગ્યા સપનામાં પણ આવી છે ? હવે કદાચ મગજમાં કલ્પના થશે!

Picture Courtesy Facebook Page : Australia.com

જેવી રીતે ઓસ્ટ્રેલિયાના સાઉથના દરિયા કિનારાની વાત કરી એવી રીતે જ નોર્થ ઓસ્ટ્રેલિયાનો દરિયા કિનારો પણ તેની સુંદરતા માટે ઓળખાય છે. દરિયા પર બોટ ચલાવીને કરવામાં આવેલું પ્રશ્નાર્થ ચિન્હ. કોઈ હોલિવુડ ફિલ્મના શૂટિંગ માટે ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારા દિગ્દર્શકો અને પ્રોડ્યુસર્સની પ્રાથમિકતા રહે છે. આ માટેનાં બે કારણ જવાબદાર છે. એક કે ત્યાં ભીડ ઓછી હોય છે. ઉપરથી બીજું કે સરકાર પોતાને ત્યાં શૂટિંગ કરો તો પરમીશન તાત્કાલિક આપી દે છે. વાત જ્યારે હોલિવુડની હોય તો છોડે કોણ ?

Picture Courtesy Facebook Page : Australia.com

ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે આ સમસ્યા તો રહેવાની જ છે. જરા અમથો સમય મળી જાય કે ઢગલાબંધ કરચલા રસ્તા પર આંદોલન કરવા માટે ઉમટી પડે. ઓસ્ટ્રલિયામાં કરચલાઓની આયાત-નિકાસમાં મોટી માગ રહેલી છે. માગ પાછળનું કારણ ત્યાંનો ભરપૂર દરિયા કિનારો છે. બિઝનેસ પણ છે.

Picture Courtesy Facebook Page : Australia.com

આ છે બોસ્ટન આઈસલેન્ડનું ચોખ્ખુ ચણાક પાણી. હવે તો ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારા માટે કેટલીક વખત આ શબ્દનો પ્રયોગ કરવો. હાથ થાકી ગયા મારા ટાઈપ કરી કરીને…

Picture Courtesy Facebook Page : Australia.com

માર્ક ફિઝ દ્વારા આ તસવીર લેવામાં આવી છે. તસવીરની ખાસિયત તો તમને ખ્યાલ જ છે કે બ્લુ વહેલ… તેણે પૂરતું ફોકસ પાણીની અંદર રહેલા તેના વિશાળકાય શરીર પર કર્યું છે. આ તેનો કૂદકો મારવાનો સમય છે. આખી બહાર નીકળી અને પછી ફરી સમુદ્રમાં ધુબાકો માર્યો તો ફોટોગ્રાફરની શું સ્થિતિ થઈ હશે?

Picture Courtesy Facebook Page : Australia.com

ઓસ્ટ્રેલિયામાં ઈટીબે નામનો દરિયા કિનારો આવેલો છે. આ દરિયાનો કિનારો 700 મીટર લાંબો છે. દરિયાની નજીકમાંથી પસાર થાવ તો રોડ આવે અને એ રોડની સાથે દરિયો 15 કિલોમીટર લાંબો છે. ગાડીમાં જાવ તો સુહાના સફર થઈ જાય વિથ ઓસ્ટ્રેલિયા. નોર્થ ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં આ દરિયા કિનારો આવેલો છે. ઈટીબેની સુંદરતા આ પક્ષી પણ છે. શાહમૃગ જેવું આ પ્રાણી આપણે ત્યાં જેમ કૂતરાઓ રખડે તેમ દરિયાના કિનારે રખડતું હોય છે. એમના માટે નવાઈની વાત નથી આપણા માટે નવાઈની વાત છે. જોકે એમના માટે આપણે ત્યાં રસ્તામાં રખડતા કૂતરા નવાઈની વાત છે.

Picture Courtesy Facebook Page : Australia.com

આ માછલીનું નામ મેજેસ્ટીક ફિશ છે. આખુ નામ મેજેસ્ટીક વ્હેલ શાર્ક. અહીં જનારને તેની સાથે તરવાનું સૌભાગ્ય મળે છે. બે વસ્તુ જોઈએ. એક મેજેસ્ટીક ફિશની માણસની તુલનાએ લંબાઈ જુઓ. તમને ડર ન લાગવો જોઈએ. બીજું કે તરતા તો આવડવું જોઈએ ને શ્રીમાન!! ઓસ્ટ્રેલિયાના વેસ્ટ કોસ્ટમાં આવેલી આ દુનિયાની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વિશાળકાય જળચર પ્રાણીઓનો વસવાટ છે અને તેઓ માણસને કશું નથી કરતા. તમે મનફાવે ત્યાં ડાફોળીયા મારી શકો છો.

Picture Courtesy Facebook Page : Australia.com

ક્વિન્સલેન્ડમાં આવેલો ફિટઝોરી આઈસલેન્ડ રિસોર્ટ. આ સ્વર્ગ સમાન દૃશ્ય છે. અહીં મફતની મુલાકાત લેનારને પણ સ્વપ્ન આવી જાય કે બસ ઘર હોય તો અહીં જ. પગ પલાળો તો આખેઆખા પગ ચોખ્ખા આંખ સામે દેખાય જાય. રિસોર્ટની નજીક જ ડોલ્ફીન અને કોઈ વખત વ્હેલ માછલી પણ આવી ચડે. એક વાતનું ધ્યાન રાખવું કે દરિયો એ કુદરતની સંપત્તિ છે આપણી નથી. ખતરનાક વ્હેલ શાર્ક આવી જાય તો પછી આવતા જન્મે જ મળીએ. હા આ જ દરિયા કિનારે શાર્ક કે વ્હેલ થઈ જન્મ લેવો તો કોને ન ગમે?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments