MDHની જાહેરાત સાથે ધર્મપાલ ગુલાટી પણ લોકપ્રિય થઈ ગયા હતા. કોઈ કંપનીનો માલિક આ રીતે પોતાની પ્રોડક્ટનો પ્રચાર કરે તે ભારતમાં પહેલી વખત જ હતું! અગાઊ ઘણાએ કર્યું હશે પણ તેમના નામ યાદ નથી આવતા, ધર્મપાલ દાદાનું નામ યાદ આવી જાય છે. ઊંચાઈમાં ખૂબ ઊંચા. પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા એટલે શરીરની ઊંચાઈ તેમને વારસાગત અને વાતાવરણ બંનેના કારણે મળી હશે. આ દાદા આજે નથી રહ્યા.
સુષ્મા સ્વરાજના નિધન પર દાદા રડતા હતા. તેમના મૃતદેહ પાસે આવીને. બધા આવ્યા અને ગયા પણ હાઈલાઈટ દાદા થયા. પ્રધાનમંત્રીએ પણ સુષ્મા સ્વરાજને કેવી રીતે વિદાય આપી આજે નથી ખબર. દાદાએ કેવી રીતે આપી તે યાદ છે. આ જ તો એમની લોકપ્રિયતા હતી. એ આવતા તો આજુબાજુ ગમે એટલી મોટી હસ્તી હોય ધૂંધળી થઈ જતી. ધર્મપાલજી માટે તો એક જ શબ્દ કહેવાય કે તમે જીવી ગયા. પથારીવશ પણ ન થયા. તંદુરસ્તી ટકાવી રાખી અને છેલ્લે સુધી હાથમાં લાકડી લઈ સભાગૃહમાં મિત્રોની ચિચિયારીઓ સાંભળતા રહ્યા.
27 માર્ચ 1923ના રોજ દાદાનો જન્મ થયો. પાકિસ્તાનના સિયાલકોટનું એક સામાન્ય પરિવાર હતું. પિતાનું નામ ચુનીલાલ અને માતા ચનન દેવી. બંને ધાર્મિક પ્રવૃતિના હતા. આર્ય સમાજના અનુયાયી હતા. નાના ધર્મપાલનું બાળપણ પણ ત્યાં જ વિત્યું. પિતાની મસાલાની દુકાન હતી. તેમના પિતા દ્વારા બનાવાતા મસાલા કોઈ એક વખત શાકમાં નાખે તો પછી થઈ રહ્યું. એને પાછો ધક્કો મારી મચડીને ખાવો પડે. પિતાનું નામ આ કારણે જ વિસ્તારમાં પોપ્યુલર થઈ ગયું હતું. દિગ્ગી મિર્ચ વાલે.
ધર્મપાલનું ભણવામાં મન નહીં. પાંચમાં ધોરણમાં પહોંચ્યો અને ભણવાનું છોડી દીધું. ભણવાનું છોડી દીધા પાછળનું કારણ ફેલ થઈ ગયા હતા. પાંચમાં ધોરણમાં જ દાંડી લાગી ગઈ હતી. પિતાને દુ:ખ થયું કે દીકરાએ તો નાની ઉંમરમાં જ ભણવાનું છોડી દીધું. એ ભવિષ્યમાં શું કરશે ? હું નહીં હોઉં ત્યારે? ધર્મપાલને તેમણે પોતાના ધંધામાં લાવવાનું નક્કી કર્યું અને જે ખૂદને આવડતું હતું એ શીખવાડવાનું મન બનાવી લીધું. પિતા તેને આમ જલદી જલદી પોતાના ધંધામાં લાવવા નહોતા માગતા. તેમને પોતાનો ધંધો વ્હાલો નહોતો. કોઈને પોતાનું કામ વ્હાલું નથી લાગતું. એ બધાને બીજા ધંધા કે નોકરી પસંદ કરવાનું જ કહે છે. પિતાએ પણ ધર્મપાલને એમ જ કહ્યું.
લાકડી બનાવવાનું શીખવવા માટે એક કારીગર પાસે મોકલ્યો. 8 મહિના સુધી ધર્મપાલે ત્યાં કામ કર્યું અને પછી ત્યાંથી નીકળી ગયો. તેનું મન એ ધંધામાં નહોતું લાગતું. પિતાએ તેને બીજા ધંધામાં જોતર્યો. આ ધંધો હતો ચોખાનો. ચોખાની ફેક્ટરીમાં લાગી ગયો. 15 વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા કિશોર ધર્મપાલ વિસ્તારની એક એક દુકાન અને ફેક્ટરીઓમાં કામ કરી ચૂક્યો હતો. કાપડની દુકાનમાં કામ કર્યું. હાર્ડવેરમાં કામ કર્યું.
પણ કામમાં મન નહોતું લાગતું. હવે દીકરો ક્યાંય સીધો દોર થઈ નહીં ચાલે આમ માની પિતાએ તેને પોતાના ધંધામાં જ બેસાડી દીધો. પોતાના ધંધામાંથી છટકવાની કોઈ બારી નહોતી. અહીં તો ફરજીયાત બેસવું પડે અને કહે એટલી કલાક કામ કરવું પડે. ધંધાને પોતે જ ઉપર લાવવાનો હોય. એલન મસ્કનું એક ક્વોટેશન છે, ‘‘તમારા કર્મચારીઓ તમારા એટલે કે માલિક જેટલું કામ બિલકુલ નહીં કરે.’’
આમ કિશોરમાંથી યુવા થયો. પિતાએ લગ્ન કરી નાખ્યા. એમણે એમના તરફથી બધું કરી નાખ્યું. દીકરાને હવે ઉડવું હોય તો ઉડી શકે. બીજી બાજુ ધર્મપાલ હવે 15 વર્ષની ઉંમર સુધી જે કરતો હતો તે નહોતો કરતો. કામમાં તેનું મન લાગી ગયું. એ ધંધાને ઉપર ઉઠાવવા લાગ્યો. તેના બાપ કરતાં પણ વધારે.
બરાબર ચાલતું હતું અને એવામાં 1947ની સાલમાં દેશ આઝાદ થયો. દેશ આઝાદ થતાં જ વિભાજનનો ખતરો તૂટી પડ્યો. હવે એ જ્યાં હતો તે પાકિસ્તાનનો હિસ્સો હતો. પાકિસ્તાનમાં હુલ્લડો ફાટી નીકળ્યા. કત્લે આમ થવા લાગી. હિંદુઓને મારી કાપી નાખવામાં આવ્યા. દુકાનો સળગાવી નાખવામાં આવી.
હિંદુઓમાં અસુરક્ષાની ભાવના ઘર કરી ગઈ. રાતે જ કેટલાક હિંદુઓએ ઘર છોડી દીધું. એ જે ટ્રેનમાં પાકિસ્તાનથી ભારત આવ્યા એ લાશથી ભરેલી હતી. લોહી ટ્રેનના ડબ્બામાંથી નીતરતું હતું. કોઈ વાર કોઈ મુસ્લિમોનું ટોળું અંદર આવી ચડે તો પોતે પણ લાશ બની જવાનો અભિનય કરતા હતા. ટ્રેન અમૃતસર ઊભી રહી. અમૃતસરમાં તેઓ ન રોકાયા. બીજા દિવસે જ ટ્રેન પકડી દિલ્હી પોતાની બહેન પાસે કરોલબાગ ચાલ્યા ગયા.
હવે તેમની પાસે કંઈ ન હતું. વિભાજનમાં બધુ ગુમાવી ચૂક્યા હતા. આવો માણસ તો નવો ધંધો શરૂ કરે. ધર્મપાલે પણ નવો ધંધો શરૂ કર્યો. પાકિસ્તાનના સિયાલકોટથી જ્યારે આવ્યા ત્યારે ખિસ્સામાં 1500 રૂપિયા હતા. તેમાંથી 650 રૂપિયામાં એક ઘોડાગાડી ખરીદી લીધી. ન્યૂ દિલ્હી સ્ટેશનથી કુતુબ રોડ અને ત્યાંથી કરોલ બાગથી લઈને હિંદુરાવ સુધી ઘોડા ગાડી ચલાવતા હતા. જોકે વધારે સમય તે આ ન કરી શક્યા. વારસાગત વેપારીનું લોહી શરીરમાં દોડતું હતું. એ ઘોડાગાડી બે મહિનામાં એમણે વેચી નાખી.
જે રૂપિયા મળ્યા તેનાથી એક લાકડાનું બોક્સ ખરીદી લીધું. અજમલ રોડ-કરોલ બાગમાં એક નાનકડી દુકાન કરી લીધી. એ દુકાનમાં જ તેમણે પિતાના ધંધાને આગળ વધાર્યો. દુકાન પર નામ લખેલું હતું ‘‘મહાશિઆન ધ હટ્ટી સિયાલકોટ વાળા’’
સિયાલકોટમાં મોટી દુકાન હતી. આ નાની દુકાન હતી છતાં તેઓ મહેનત કરતા રહ્યા. દિવસે મસાલા વેંચતા રાતે મસાલો બનાવતા હતા. વિભાજનમાં સિયાલકોટથી કેટલાક લોકો દિલ્હી પણ આવી ગયા હતા. એમના કાને વાત પડી કે પેલા દિગ્ગી મસાલાવાળા પણ અહીં જ છે. એ દોડ્યા તેને ત્યાં લેવા અને પ્રોડક્ટ કેવી શાનદાર છે તેના વિશે બીજા દિલ્હીવાસીઓને પણ કહ્યું. લોકોને તો ભરોસો હતો જ પણ હવે ધર્મપાલજીએ છાપાઓમાં જાહેરાત આપી જેથી મોટો એરિયા કવર કરી શકાય.
1968ની સાલ આવતા આવતા તો તેમણે પોતાની કમાણી એકઠી કરી મસાલાની ફેક્ટરી ખોલી નાખી. હવે ફેક્ટરીનો મસાલો ભારતની બહાર પણ એક્સપોર્ટ થતો હતો. પાકિસ્તાનમાં કોઈ રહી ગયું હોય તો તેને પણ મળી જતો હતો. બસ પછી જે છે તે ઈતિહાસ છે. MDH એટલે કે મહાશિઆન ધ હટ્ટી.
98 વર્ષની ઉંમર સુધી આ મસાલાના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા. વિશ્વના 100 કરતાં વધારે દેશોમાં તેમની 60 પ્રોડક્ટ આજની તારીખે જાય છે. વિશ્વભરમાં ચડીયાતી તેમની ત્રણ બ્રાન્ડ છે. દિગ્ગી મિર્ચ મસાલા, ચાટ મસાલા અને ચણા મસાલા. 2016માં તેમની કંપનીની રેવન્યુ 924 કરોડ હતી.
એક ઉદ્યોગપતિ સિવાય તેઓ સમાજસેવક પણ હતા. હોસ્પિટલો બનાવી અને શાળાઓ પણ ખોલી. પોતે ન ભણી શક્યા પણ બાળકોને ભણાવવા શાળાઓ ખોલી. વેપારમાં સફળ થવા તેઓ શું કહેતા, વિશ્વને પોતાનું સર્વશ્રેષ્ઠ આપો તો સર્વશ્રેષ્ઠ સામેથી તમારી પાસે ચાલીને આવશે. અલવિદા ધર્મપાલ ગુલાટીજી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત