લેખક-ખલીલ જિબ્રાન
અનુવાદની ભાષા – અંગ્રેજી
અનુવાદક –Team Chabuk
મોતી
એક વખત એક શંખે પોતાની નજીક રહેલા બીજા શંખને કહ્યું, ‘મને અંદર ખૂબ જ પીડા થઈ રહી છે. આ પીડાએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે. હું ખૂબ જ મુસીબતમાં છું.’
બીજા શંખે અહંકાર ભર્યા સ્વરમાં કહ્યું, ‘આભાર માનું છું, ભગવાનનો અને આ સમુદ્રનો કે મારી અંદર આવી કોઈ પીડા નથી થઈ રહી. હું અંદર અને બહાર તમામ તરફથી સંપૂર્ણ સ્વસ્થ છું.’
એ સમયે જ ત્યાંથી એક કરચલો પસાર થાય છે. તેણે આ બંને શંખની વાત સાંભળીને અંદર અને બહાર બંને જગ્યાએથી સ્વસ્થ એવા શંખને કહ્યું, ‘હા, તું સ્વસ્થ અને સંપૂર્ણ છો; પણ તારો પાડોશી શંખ જે પીડા સહન કરી રહ્યો છે એ એક કિંમતી મોતી છે.’
ત્રણ કીડીઓ
એક માણસ તડકામાં ગાઢ નિંદ્રામાં હતો. ત્રણ કીડીઓ તેના નાક પાસે આવીને એકઠી થઈ ગઈ. ત્રણે પોત પોતાના વિસ્તાર તરફથી હતી. પરંપરા અનુસાર એકબીજાનું અભિવાદન કર્યું અને ઊભી થઈને વાતચીત કરવા લાગી.
પહેલી કીડીએ કહ્યું, ‘મેં આ પહાડો અને મેદાનોથી વધારે ઉજ્જડ જમીન કોઈ જગ્યાએ નથી જોઈ. હું આખો દિવસ અહીં અનાજ શોધતી રહી, પણ મને એક દાણો સુદ્ધા મળ્યો નહીં.’
બીજી કીડીએ કહ્યું, ‘મને પણ કંઈ ન મળ્યું. મેં તો અહીં એક એક જગ્યા જોઈ લીધી. મને લાગે છે કે આ જ એ જગ્યા છે, જેના વિશે લોકો કહે છે કે, એક કોમળ, સરકતી જમીન છે જ્યાં કંઈ પેદા જ નથી થતું.’
ત્રીજી કીડીએ પોતાનું માથું ઊંચું કર્યું અને કહ્યું, ‘મારા મિત્રો. આ સમયે આપણે સૌથી મોટી કીડીના નાક પર બેઠા છીએ. જેનું શરીર એટલું મોટું છે કે આપણે તેને પૂરું જોઈ પણ નથી શકતા. તેનું કદ એટલું વિસ્તૃત છે કે, આપણે તેનું અનુમાન પણ ન લગાવી શકીએ. તેનો અવાજ એટલો ઊંચો છે કે આપણા કાનના પડદા ફાટી જાય. એ સર્વવ્યાપી છે.’
જ્યારે ત્રીજી કીડીએ આ વાત કહી તો બાકીની બે કીડીઓ એકબીજાને જોઈને ખડખડાટ હસવા લાગી. ત્યાં જ પેલો માણસ ઉંઘમાંથી ઉઠ્યો. તેણે હાથ ઉઠાવીને નાકને ખંજવાળ્યું અને ત્રણે કીડીઓનો બુકડો બોલી ગયો.
વિજળીનો થાંભલો
એક તોફાની રાતે. એક ઈસાઈ પાદરી પોતાના ચર્ચમાં હતો. એટલામાં એક સ્ત્રી જે ઈસાઈ નહોતી તે તેની પાસે આવી અને કહેવા લાગી, ‘હું ઈસાઈ નથી. શું મને નર્કની અગ્નિમાંથી મુક્તિ મળી શકે છે?’
પાદરીએ એ સ્ત્રીને ધ્યાનથી જોઈ અને ઉત્તર આપ્યો કે, ‘ના, ઈસાઈ ધર્મના અનુસાર મુક્તિ માત્ર એ લોકોને જ પ્રાપ્ત થાય છે જે અનુસાર શરીર અને આત્માનું શુદ્ધિકરણ કરીને દીક્ષા દેવામાં આવી હોય.’
પાદરી એ આ શબ્દ કહ્યા, એ સમયે જ ચર્ચ પર આકાશમાંથી ગર્જના થઈ અને વીજળી પડી. એ ચર્ચને આગ લાગી ગઈ. શહેરના લોકો ભાગતા ભાગતા આવ્યા અને પેલી સ્ત્રીને બચાવી લીધી. પણ પાદરી આગની લપેટમાં આવી ગયો. ગુજરી ગયો.
પડછાયો
જૂન મહિનાની એક સવાર હતી. ઘાસ પોતાના પાડોશી ઓક વૃક્ષના પડછાયાને જોઈ બોલ્યું, ‘તું છે ને ડાબી બાજુ-જમણી બાજુ નમીને અમારું સુખ જ નષ્ટ કરી નાખે છે.’
પડછાયાએ કહ્યું, ‘અરે ભાઈ હું નહીં. જરા આકાશ બાજુ પણ જોઈ લે. એક ખૂબ જ મોટું વૃક્ષ છે જે પવનના કારણે પૂર્વ અને પશ્ચિમની બાજુ સૂર્ય અને જમીનની વચ્ચે ગોથા ખાતું રહે છે.’
ઘાસે ઉપર જોયું તો પહેલી વખત તેણે એ વૃક્ષને જોયું. તેણે પોતાના હ્રદયને કહ્યું, ‘ઘાસ!!! આ તો મારાથી પણ લાંબી અને ઊંચી ઊંચી ઘાસ છે.’ અને ઘાસ ચૂપ થઈ ગયું.
બાજ અને કાગડો
પહાડની એક ઊંચી ટોચ પર કાગડો અને બાજ એકબીજાને મળ્યા. કાગડાએ તેનું અભિવાદન કર્યું. બાજે અભિમાનથી ધીમે ધીમે તેની સામે જોયું અને તેનું અભિવાદન કર્યું.
કાગડાએ પૂછ્યું, ‘આશા છે શ્રીમાનજી કે આપ સર્વકુશળ હશો?’
‘હા.’ બાજે કહ્યું, ‘હું સર્વકુશળ છું. પણ શું તું નથી જાણતો કે અમે બધા પક્ષીઓના રાજા છીએ. અને રાજા સાથે વાતચીત કરવાનું સાહસ ત્યાં સુધી ન કરવું જોઈએ જ્યાં સુધી અમે ખૂદ પસંદ ન કરીએ?’
કાગડો બોલ્યો, ‘મારો તો વિચાર છે કે આપણે બધા એક કુટુંબ છીએ.’
બાજે તેની તરફ ઘૃણાપૂર્વક જોયું અને કહ્યું, ‘આ તને કોણે કહ્યું કે તું અને હું એક જ કુટુંબ છીએ?’
કાગડો બોલ્યો, ‘તો પછી મારે શ્રીમાનને એ વાત કહેવી જ પડશે કે, મારી ઉડાન શ્રીમાનની ઉડાનથી પણ ઊંચી છે અને મારો અવાજ તમારા અવાજ કરતા પણ સુમધુર છે. હું ગીતો ગાઈને બીજા જીવોને આનંદ આપું છું. અને શ્રીમાન આપ તો કોઈને આનંદિત પણ નથી કરી શકતા.’
વેશ
એક દિવસ સુંદરતાની દેવીની મુલાકાત કદરૂપી દેવી સાથે થઈ. એકે બીજીને કહ્યું, ‘આવ સમુદ્રમાં સ્નાન કરીએ.’
એ પછી તેમણે પોત પોતાના વસ્ત્રો ઉતારી નાખ્યા અને સમુદ્રમાં સ્નાન કરવા લાગી. થોડી ક્ષણો પછી કદરૂપી દેવી સમુદ્રની બહાર નીકળી તો એ ચાલાકીથી સુંદરતાની દેવીના વસ્ત્રો પહેરી નીકળી ગઈ.
અને જ્યારે સૌંદર્યની દેવી સમુદ્રની બહાર નીકળી તો તેણે જોયું કે તેના કપડાં ત્યાં નહોતા. નગ્ન રહેવું એ તેને પસંદ ન હતું. હવે તેની પાસે કદરૂપી દેવીના વસ્ત્રો પહેરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. લાચાર થઈને તેણે એ જ વસ્ત્રો પહેરી લીધા અને પોતાના માર્ગે ચાલવા લાગી.
આજ સુધી તમામ સ્ત્રી-પુરુષ તેમને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. જોકે કેટલાક વ્યક્તિઓ એવા અવશ્ય છે. જેમણે સૌંદર્યની દેવીને જોઈ છે અને તેણે કપડાં કદરૂપીના પહેર્યા હોવા છતાં તેને ઓળખી લે છે. અને એ પણ વિશ્વાસની સાથે કહેવામાં આવે છે કે, કેટલાક લોકો એવા પણ જરૂર હશે જેમણે કદરૂપતાની દેવીને પણ જોઈ હશે અને તેના વસ્ત્રો તેને તેની દૃષ્ટીથી છૂપાવી નહીં શક્યા હોય.
આવારા
હું એને ચાર રસ્તા પર મળ્યો. એ એક અજાણ્યો માણસ હતો. જેના હાથમાં લાકડી, શરીર પર એક ચાદર અને ચહેરા પર દર્દનો પડદો હતો.
અમારા આ મિલનમાં ઉષ્માભર્યો પ્રેમ હતો. મેં તેને કહ્યું, ‘મારા ઘરે આવો અને મારી મહેમાનગતિ સ્વીકારો.’ અને તે મારી સાથે આવી ગયો.
મારી પત્ની અને મારા બાળકો દરવાજા પર જ મળી ગયા. એ સૌ તેને મળીને ખૂશ થયા અને તેના આગમનથી આનંદિત થયા. એ પછી અમે બધા એક સાથે ભોજન કરવા માટે બેઠા. અમે ખૂબ જ પ્રસન્ન હતા અને તે પણ ખુશ દેખાતો હતો. પણ મૌન. તેનું મૌન રહસ્યપૂર્ણ હતું.
ભોજન લીધા પછી અમે અગ્નિ પાસે આવી બેસી ગયા. હું તેને તેની મુસાફરી વિશે પૂછતો રહ્યો.
આ રાત અને બીજા દિવસ સુધી તેણે અમને અગણિત વાર્તાઓ સંભળાવી. પણ આ જે હું લખી રહ્યો છું, આ પુસ્તક તેના ખરાબ દિવસોનો અનુભવ છે. એ પોતે તો દયાળુ અને કૃપાળુ હતો, પણ તેની વાર્તાઓ! એ તો ધીરજની વાર્તાઓ હતી.
અને ત્રણ દિવસ પછી અમે તેને વિદાય કર્યો તો અમને એવો અનુભવ બિલકુલ નહોતો થઈ રહ્યો કે અમે કોઈ મહેમાનને વિદાય આપી છે. એવું લાગતું હતું કે જ્યારે અમારામાંથી જ કોઈ બહાર ગયું છે અને હમણાં પાછું આવતું રહેશે.
બાળકો
તારા બાળકો તારા સંતાન નથી. એ તો જીવનની પોતાના જ પ્રત્યે જીજીવિષાના ફળસ્વરૂપ ઉપજ્યા છે. એ તારી અંદરથી આવ્યા છે, પણ તારા માટે નથી આવ્યા. એ તારી સાથે જરૂર છે પણ તારા નથી. તું તેને પોતાનો પ્રેમ આપી શકે છે, પોતાના વિચાર નહીં, કારણ કે તેના વિચારો તેના પોતાના છે. તે તેના શરીરનું નિર્માણ કર્યું છે. આત્માનું નહીં, કારણ કે તેમની આત્મા ભવિષ્યના ઘરમાં રહે છે. જ્યાં તું જઈ નથી શકતો. સપનામાં પણ નહીં. તેના જેવા બનવાનો પ્રયત્ન ન કર. તેને પોતાના જેવો કોઈ દિવસ ન બનાવ, કારણ કે જીવન પાછળ નથી જતું, ન તો ભૂતકાળમાં લડે છે. ઉપર બેઠેલો બાણાવીર રસ્તામાં ક્યાંય પણ જોયા વિના નિશાનો લગાવે છે. એ બાણની પણછને જોરથી ખેંચે છે. જેથી તીર ચપળતાપૂર્વક દૂર સુધી જાય. તેના હાથમાં પકડેલું તારું તીર શુભદાયક થાય, કારણ કે તેને દૂર સુધી જનારા તીર પસંદ છે. અને મજબૂત ધનુષ જ તેને પ્રિય લાગે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત