Team Chabuk-Literature Desk : ‘આગન્તુક’ પહેલી વાર પ્રસિદ્ધ થઈ 1996માં. એણે ઘણા મુકામ સિદ્ધ કર્યા. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મેળવ્યો. એને પ્રસિદ્ધ થયાંને 25 વર્ષ વીતી ગયાં છતાં એના મુખ્ય પાત્ર ઈશાને લેખકનો કેડો ન મૂક્યો. ધીરુબહેને 95 વર્ષની ઉંમરે અઢી દાયકા પછી ઈશાનની આ પ્રખ્યાત નવલકથામાં બીજાં 6 પ્રકરણ ઉમેર્યાં. જેમણે ‘આગન્તુક’ નવલકથા અગાઉ વાંચી છે તેમને માટે ‘આગન્તુક’ની વાર્તાને આ પુસ્તક વધુ સમૃદ્ધ બનાવશે અને જેમણે હજુ સુધી ‘આગન્તુક’ નથી વાંચી એમને માટે તો આટલાં વર્ષોની ધીરજ ધર્યાનું અતિમીઠું ફળ.
ગઈકાલે આ આનંદના સમાચાર ફેસબુક પર Zen Opus શેર કર્યા. આનંદની વાત છે. આપણે ત્યાં નવલકથા લખવાની કળાનો ‘આળસ’માં સમાવેશ કરી શકાય. કેટલાક સર્જકોના મતે ટૂંકી વાર્તા લખવી એ નવલકથા કરતા પણ અઘરી છે, જોકે તેનો કેટલાક દિવસમાં કેડો તો છૂટે. અહીં તો આરંભ થાય તો અંત ક્યારે થશે એ પાત્ર અને લેખક પર આધાર રાખે. અધવચ્ચે જ લખવામાં મજા ન આવે તેવી કિડીઓ ચટકા ભરવા માંડે.
હવે તો લખવામાં પણ લઘુ અને વાંચવામાં પણ લઘુ થતા જઈ રહ્યા છીએ. લાંબી નવલકથાઓ ધીમે ધીમે લખાતી બંધ થઈ ગઈ છે. લાંબા ચેપ્ટર લખવા. તેને વારંવાર વાંચવા. મઠારવા. પ્રકરણ ને પાત્રો અને ઘટનાઓના સમન્વય વચ્ચે ક્ષતિ ન રહી જાય તેની ચિંતા થયા કરે. નવલકથા છપાયા પછી પ્રતિભાવની પણ ચિંતા રહ્યા કરે. એમાં 25 વર્ષ પછી ઉત્તરાર્ધ.
ધીરૂબહેને નવલકથા ક્ષેત્રે એક અલગ ચીલો ચાતર્યો છે. એમણે લઘુ નવલકથાઓ આપી. જે સમયે ગુજરાતી સાહિત્યમાં લઘુવાર્તાઓ લખવાનો ટ્રેન્ડ નહોતો ત્યારે લઘુ નવલકથાઓ લખાય. એમાંની જ એક વાંસનો અંકૂર, અનુસંધાન અને કાદમ્બરીની માને પણ લઈ શકાય. ગુર્જર પ્રકાશન દ્વારા આગન્તુક છપાઈ ત્યારે 156 પાનાંની હતી. એમાં છ પ્રકરણ હતા અને હવે 6 પ્રકરણ નવા ઉમેરાયા છે. ધીરૂ બહેનને અભિનંદન. આ ઉંમરે તેમણે ઉત્તરાર્ધ લખ્યો.
જ્યારે ચાબુકને સમાચાર મળ્યા ત્યારે એક એન્ગલ એવો મગજમાં ક્લિક થયો કે નવલકથામાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ લખનારા લેખકો અને તેનું એક લિસ્ટ બનાવીએ. પણ એ શોધવામાં ખાસ્સી મથામણ રહેત. યાદ છે ત્યાં સુધી તો લાભશંકર ઠાકરે કોણ? લખેલી. જેની વાત પણ ચાબુકના મંચ પર કરી હતી. અસ્તિત્વવાદી નવલકથા કોણ? નો પૂર્વાર્ધ 1968ની સાલમાં લખાયો હતો અને ઉત્તરાર્ધ 1993ની સાલમાં. નવલકથામાં પૂર્વાર્ધ બાદ તેને જ જોડીને રાખનારો ઉત્તરાર્ધ લખવો એ આકરું થઈ પડે છે. પાત્ર સાથે તમારો લગાવ પણ વાછરડુ ગાયના આંચળને છોડે નહીં તેવો હોવો જોઈએ. એમાં લેખકને પણ મહાલવાની મજા આવવી જોઈએ.
ઘણા લોકોએ નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા ચોથા કેટલાક તો બીજા પ્રકરણે જ હાંફી જાય છે. ત્યાં ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધની વાતો તો ક્યાં માંડવી. પચ્ચીસ વર્ષ પછી આગન્તુક નવલકથાનો ઉત્તરાર્ધ લખાયો છે. આગન્તુક નવલકથાના એક પાનાં પર લખેલું છે.
રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી
મહેફિલમાં બહારના અંધકારમાંથી
ઊડીને આવેલું પક્ષી એક બારીએથી
પ્રવેશી બીજી બારીએથી નીકળી
જાય એટલા સમયની આ વાત…
એ પક્ષી તો નીકળી ગયું હતું પણ ઉત્તરાર્ધમાં હવે એ ફરી પેલી બારીએ આવીને બેઠું હોય તેવું લાગે છે. ફરી એટલું જ ઝડપથી પસાર થવા માટે. નવલકથાનો ઉત્તરાર્ધ તો વાંચ્યો નથી. પૂર્વાર્ધના પાનાં ફંફોસ્યાને વર્ષો વીતી ગયા છે.
આગન્તુકથી યાદ આવે છે કે સત્યજીર રેની છેલ્લી ફિલ્મનું શીર્ષક પણ આ જ હતું. અતિથી નામની તેમની જ ટૂંકી વાર્તા પરથી એ ફિલ્મ બની હતી. એ વાર્તામાં એવું છે કે કલકત્તામાં અનિલ બોઝ રહે છે. તેને એક વખત એક નનામો પત્ર મળે છે. પત્રમાં લખેલું છે કે હું તારો કાકો થાઉં છું. વિદેશથી આવ્યો છું. મારા સંબંધીમાં તું જ છો બીજું કોઈ નથી. એ એન્થ્રોપોલોજીસ્ટ હોય છે. વિદેશમાં ભમતો રહેતો હોય છે. અનિલના ઘરમાં શરણ લે છે. ઘરમાં રહેતા સત્યકિનનું હ્રદય જીતી લે છે. ને પછી શું થાય છે ? આ ફિલ્મમાં ઉત્પલ દત્ત પણ છે. આગન્તુક ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ધીરુબહેનની આગન્તુક નવલકથા કેન્દ્રિય સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ છે રે અને પટેલનું કનેક્શન. એકની ફિલ્મનું નામ આગન્તુક બીજાની નવલકથાનું નામ આગન્તુક. બંને એવોર્ડ વિજેતા.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા