ઝાલાવાડી જલજીરા : હું એક રીતે સલમાન ખાનનો આભારી છું. તેણે તેની કરિયરમાં તેના પ્રોડક્શન હાઉસમાંથી બે સારી ફિલ્મો આપી. એકનું નામ છે ચિલ્લર પાર્ટી અને બીજીનું નામ છે (Kagaz) કાગઝ. સલમાનની આ બંને ફિલ્મો વચ્ચે તુલના કરવામાં આવે તો કાગઝ ચિલ્લર પાર્ટી સામે નબળી પૂરવાર થાય છે. ચિલ્લર પાર્ટીની ખાસિયત કોઈ શીર્ષ અભિનેતા વિના ફિલ્મને નાના બાળકો અને ભીડુ નામના કૂતરાએ ખભે ઉઠાવી અને હિટ કરી. તેના પાયામાં પણ સિસ્ટમ હતી. એક નેતાજીનો અહંકાર હતો. જે નાના બાળકોએ ભાંગી નાખ્યો. અને હવે સલમાનના જ પ્રોડક્શનની ફિલ્મ કાગઝમાં પંકજ ત્રિપાઠી સિસ્ટમના ભ્રષ્ટાચારને ભાંગે છે. આશા રાખીએ સલમાન ખાન આવનારા સમયમાં પોતાના પ્રોડક્શનમાંથી જ સારી કથાઓ અને સારા અભિનેતાઓને લઈ આવી જ ફિલ્મો આપે. રેસ-3 ન કરે બસ.
ફિલ્મની શરૂઆત સારી નથી. શરૂઆતમાં અને અંતમાં સલમાન ખાનનો વોઈસ ઓવર છે. એ નહોત તો વધારે ગમેત. ફિલ્મના પરિવેશ અને કલાકારોને જોતા સલમાન ખાનનો અવાજ જરા પણ ઉચિત નથી લાગી રહ્યો. ફિલ્મમાં સતીષ કૌશિકનો વોઈસ ઓવર પણ છે. એ દિગ્દર્શક હોય એટલે રાખવાનો ? દિગ્દર્શકની ઈચ્છા. કથા મજબૂત છે તો વોઈસ ઓવરની જરૂર જ શું કામ છે? કથાને જ ભાગવા દો. જે વકિલનું પાત્ર અધવચ્ચે આવે છે તેનાથી ફિલ્મને રત્તીભાર પણ ફર્ક નથી પડતો. બાયોપિક ફિલ્મ છે. શક્ય છે વકિલના પાત્રે બિહારી લાલની અંત સુધી મદદ કરી હોય. જોકે આ ફિલ્મ તો દરેક સરકારી ઓફિસરને કરપ્ટ ચિત્રે છે.
એક મોટી ભૂલ એ પણ છે કે ધારાસભ્ય અશરફી દેવીએ સવારમાં જ છાપુ વાંચી લીધું છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભરતલાલની લીડ સ્ટોરી છપાઈ છે. તો પછી એ પોતાના પીએને એમ શા માટે પૂછી રહી છે કે, આ ભાઈ કોણ છે ? તેનું નામ પૂછો ? ક્યાં રહે છે એ જણાવો ? અશરફી દેવી બનતી મીતા વશિષ્ઠના હિસ્સામાં એક સંવાદ સરસ આવ્યો છે. રાજનીતિમાં બકરાને એટલે જ મોટો કરવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં તેને હલાલ કરી શકાય. ભરતલાલ પણ મહેસુલી ખાતા અને રાજકારણીઓથી પીડિત એક બકરો જ છે. એ એક તાપણું છે. જેના પર બધા પોતાના હાથ ગરમ કરી રહ્યા છે. વકિલ પૈસાથી, રાજકારણીઓ લાગણીથી, પત્રકારો સ્ટોરીથી, ગામનાં લોકો મનોરંજનથી.
ફિલ્મ તેની પંદર મિનિટમાં પાનસિંહ તોમરના દર્શન કરાવે છે. બે-બે વખત માટે. એક વૃદ્ધ ડાકુ આવે છે ત્યારે અને બીજું ભરતલાલને તેના પરિવારના જ લોકો દ્વારા કનડગત કરવામાં આવે છે ત્યારે. દિગીશ મહેતા નવલકથા આપણો ઘડીક સંગમાં લખે છે, ‘અમદાવાદ અજબ નગરી છે. તેની રગેરગમાં ડામર વ્યાપી ગયો છે. જાણે આકાશને અકળાવી નાખતા મિલોના ધુમાડાનો પડઘો ન હોય! શહેરના આ ડામરવર્ણા રક્તનું પૃથ્થકરણ કરતાં તેમાં બે પ્રકારના કણો નજરે પડે છે – શ્વેતકણ અને પ્રેતકણ. અલંકાર ઉતારી નાખીને જોઈએ તો પૈસાદારો અને નાદારો.’ ફિલ્મની આ વાર્તા પણ શ્વેતકણ અને પ્રેતકણ વચ્ચેની જ છે. શ્વેતકણોએ પૈસાના બળે જીવતા લોકોને પ્રેત બનાવી દીધા છે. એમની સંખ્યા અસંખ્યમાં છે.
ઈમરજન્સી ઉપર હમણાં હમણાં ઘણી ફિલ્મો આવવા લાગી છે. મોટો નહીં તો નાનો ભાગ તો ઈમરજન્સી ઉપર હોય જ છે. અહીં પણ કટોકટીની વાત છે.
ફિલ્મને લઈ મગજમાંથી એક વાત છૂટતી નથી. એક સલમાન ખાન છે. જે ગમે ત્યારે ગમે તેને સ્ટાર બનાવી શકે છે. તેણે એક્ટિગનો ‘અ’ ન આવડતા પોતાના સાળાને લીડ રોલ અપાવી દીધો અને બીજી બાજુ પંકજ ત્રિપાઠી જેવા કલાકારોને વર્ષોની તપશ્ચર્યા બાદ કોઈ ફિલ્મમાં લીડ રોલ મળે છે. પંકજની સરાહના થવી જોઈએ. એ સતત મહેનત કરી રહ્યો છે. સખત મહેનત કરી રહ્યો છે. નાના મોટા કોઈ પણ રોલને તે હિટ કરાવી રહ્યો છે. ફિલ્મની કથા નબળી હોય કે અન્ય કલાકારોમાં દમ ન હોય, પણ પંકજનો રોલ અને તેનું પાત્ર પ્રવેશ કરવું એ ફિલ્મ જોવા મજબૂર કરે જ છે. આજે લોકોની માગ છે પંકજ.
એક વ્યક્તિ વર્ષોથી યુદ્ધ લડી રહ્યો છે. તેની સાથે મીડિયાના લોકો પણ છે. તેની ખબરો અખબારના પ્રથમ પાને છપાયા રાખે છે. છતાં પ્રશાસનના પેટનું પાણી નથી હલતું. ટાઈમ મેગેઝિનમાં છપાય છે તો પણ. જે લોકો પત્રકારો પાસે મોટી મોટી આશાએ જાય છે કે અમારી ખબર છપાશે તો આમનું આમ થઈ જશે, એમણે શીખવાની જરૂર છે કે કોઈના પેટનું પાણી નથી હલવાનું. 1980માં નહોતું હલ્યું તો અત્યારે તો શું ? છાપામાં ખબર છપાવાથી કંઈ ઊંઘુનું ચત્તુ નથી થઈ જતું. ખૂદ ભરતલાલની રોજ છપાતી હતી. ફિલ્મ જેના પરથી પ્રેરિત છે એ લાલબિહારી વિશે પણ મીડિયા રોજ છાપતું હતું.
ફિલ્મ જરૂર જોજો. કોમનમેન માટેની ફિલ્મ છે. કચેરીએ ધક્કો ખાનારાઓ માટેની ફિલ્મ છે. ફિલ્મ શીખવાડે છે કે એક લાંબો સફર કરવાનો હોય છે. એમાં નિષ્ફળતા જ હાથ લાગે છે અને પછી જઈને સફળતા સુધી પહોંચીએ છીએ. છેલ્લે તો જજ સાહેબ બનતા બિજેન્દ્ર કાલાનો સંવાદને ટાંકીએ, ‘આપણી સિસ્ટમ સામાન્ય માણસ માટે ઉત્પીડનનું હથિયાર બની ગઈ છે. તેમાં બદલાવ ત્યારે આવશે જ્યારે ભરતલાલ જેવા ગાંડા પાગલપનની હદ સુધી ચાલ્યા જશે. હું તેની વિરૂદ્ધ એક્શન નહિ લઈશ અને તું જોજે કોર્ટ પણ તેનું કંઈ બગાડી નહીં લે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત