Homeતાપણુંમાધવસિંહ સોંલકીએ સવારનું છાપુ ખોલ્યું તો ઉમેદવાર તરીકે તેમનું પણ નામ

માધવસિંહ સોંલકીએ સવારનું છાપુ ખોલ્યું તો ઉમેદવાર તરીકે તેમનું પણ નામ

Team Chabuk-Political Desk : બી.એનો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો. માધવસિંહ સોલંકી એક સાથે બે બે કામ કરતા હતા. એક કામ હતું પત્રકારત્વનું જે એમને ગમતું હતું. લોકનાથ અખબારમાં નોકરી ચાલી રહી હતી. એક બાજુ નોકરી ચાલી રહી હતી બીજી બાજુ વકિલાતનો અભ્યાસ ચાલી રહ્યો હતો. તેમના ક્લાસમેટનું નામ હતું હામિદ કુરૈશી. હામિદ કુરૈશી બાળપણથી જ અમદાવાદના સાબરમતી આશ્રમમાં રહેતો હતો. હામિદે માધવને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાનું પોરસ ચડાવ્યું તો માધવસિંહે ના પાડી દીધી.

હામિદે કહેલી આ વાતની ખબર બોમ્બે પ્રેસિડેન્સીના ઉપ પ્રમુખ બાબુભાઈ જશભાઈ પટેલને લાગી ગઈ. બાબુ જશભાઈ પટેલ માધવસિંહ સોલંકીના સસરા ઈશ્વરભાઈ પટેલના પાક્કા મિત્ર હતા. તેમણે બોમ્બેથી એક પત્ર રવાના કર્યો. આ પત્રમાં લખેલું હતું કે, તમારા જમાઈને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઊભું રહેવું છે ? હું તો ઈચ્છું છું. એમને પૂછી જુઓ.

એ પોસ્ટકાર્ડ લઈ માધવસિંહના સસરા તેમની પાસે સાબરમતી આશ્રમમાં પહોંચ્યા. જે જવાબ હામિદને આપેલો હતો એ જ જવાબ માધવસિંહે પોતાના સસરાને આપ્યો. ચૂંટણી લડવાની ના પાડી દીધી. બી.એ કર્યા પછી અને પત્રકારત્વમાં નોકરી કરતા માધવસિંહની પહેલી ફરજ હતી ગરીબ પરિવારને મદદ કરવી. અમદાવાદમાં અને એ પણ ઈન્દુલાલ યાજ્ઞિકને ત્યાં દસ રૂપિયા મળે અને આગળનો અભ્યાસ થાય એ માટે જ તો તે આવ્યા હતા. એવામાં રાજકારણમાં ઉતરી તેમને ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નહોતી.

બીજી બાજુ બાબુ જશભાઈ લીલીઝંડી મળવાની રાહ જોતા હતા. કોઈ જવાબ ન આવ્યો એટલે બાબુભાઈએ સમજી લીધું કે ચાલો ચૂંટણી લડે છે. તેમણે માધવસિંહ સોલંકીનું નામ લખી નાખ્યું. બીજી સવારનું અખબાર જ્યારે માધવસિંહે ખોલ્યું. જોકે એ તો પત્રકાર જ હતા. તો તેમાં પોતાનું નામ લખેલું જોઈ અચંબિત થઈ ગયા.

આ રીતે એક પોસ્ટકાર્ડથી માધવસિંહ સોલંકીની અચાનકથી ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ. જો પ્રવેશ ન થયો હોત તો શક્ય છે માધવસિંહ છેલ્લે સુધી પત્રકારત્વની નોકરી કરતા રહ્યા હોત અથવા તો વકિલાતનું ભણતા હતાં તો વકિલાતની પ્રેક્ટિસ કરી હોત. 1957માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે બોરસડની સાઉથ વિધાનસભાથી તેઓ લડ્યા. તેમની સામે અપક્ષ ઉમેદવાર ખોડાભાઈ પરમાર હતા. ચૂંટણી પૂર્ણ થઈ. માધવસિંહને 16740 વોટ મળ્યા જ્યારે ખોડાભાઈને 13432 વોટ પ્રાપ્ત થયા.

થોડા વર્ષો પછી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય થઈ ગયા. સ્વતંત્ર ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય જીવરાજ મહેતાને મળ્યું. પહેલી વખત તેઓ મહેસૂલ મંત્રી બન્યા. એ પછી 1975 સુધી તેઓ કોંગ્રેસની સરકારમાં મંત્રી રહ્યા.

કટોકટી સમયે માધવસિંહ સોલંકીની ઈન્દિરા ગાંધીના કહેવા પર 24 ડિસેમ્બરનાં રોજ અલ્પજીવી સરકાર બની હતી. જેમાં તેઓ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં નામ લખાવવા પૂરતા જ મુખ્યમંત્રી રહ્યા. કોંગ્રેસમાં સત્તા માટેની ખેંચતાણ 1980 પછી શરૂ થઈ. મુખ્યમંત્રી બનવા માટે અસંખ્ય દાવેદારો હતા. માધવસિંહ સોલંકી સિવાય કોંગ્રેસના જ કદાવર નેતા રત્તુભાઈ અદાણી પ્રમુખ દાવેદાર હતા. યોગેન્દ્ર મકવાણા, આદિવાસીઓમાં લોકપ્રિય નેતા જીણાભાઈ દરજી, વડોદરાના રાજકુમાર ફતેહ સિંહ ગાયકવાડ. કોંગ્રેસમાં તો અંદર જ બઘટાડી બોલવાની હતી.

જોકે માધવસિંહ સોલંકીને સંજય ગાંધી અને ઈન્દિરા ગાંધીનો ટેકો મળ્યો. યોગેન્દ્ર મકવાણાને એટલે પાછળ હટવું પડ્યું કારણ કે તે હજુ યુવાન હતા. જોકે ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ માધવસિંહ સોલંકીના હાથમાં ટિકિટની વહેંચણી હતી. એટલે તેમની જ ચાલવાની હતી. માધવસિંહે પોતાના 80 સમર્થકોને ટિકિટ આપી. ચૂંટણી જીતી અને 80માંથી તેના મોટાભાગના સમર્થકો જીતી ગયા. માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બની ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments