Team Chabuk-Literature Desk : સાહિત્ય એ વિશાળ દરિયો છે. આ દરિયામાં ડુબકી મારો એટલે જાત જાતના મોતી મળી આવે. સાહિત્ય ક્ષેત્રે ઘણું ખેડાણ થઈ રહ્યું છે. અનેક પુસ્તકો લખાય રહ્યા છે. લખાતા રહેવાના છે. ગુજરાતી લોકસાહિત્યમાં એવા ક્ષેત્રો કે વિષયો આજે પણ છે, જેના પર લખાયું ઓછું છે અથવા લેખકો-સાહિત્યના અભ્યાસુઓનું ધ્યાન ઓછું પડ્યું છે. આવા વિષયો પર લખવું અને પુસ્તક બનાવવું પડકારજનક કામ છે. કેમ કે લેખકને ડર હોય છે કે તેમનું આ પુસ્તક વંચાશે કેટલું ?
ઘણા લેખકોને વંચાશે કેટલું કરતાં વેચાશે કેટલું એવો પણ પ્રશ્ન સતાવતો હોય છે. પરંતુ આ પડકારને ઝીલવાનું કામ કર્યું છે રાજકોટના બુહમુખી પ્રતિભા ધરાવતા નીલેશભાઈ પંડ્યાએ. ગુજરાતમાં લોકગીતો ડાયરાઓમાં ગવાય છે. પરંતુ વાત પુસ્તકની આવે તો વિચારવું પડે કે લોકગીતો વિશે લખાયેલા પુસ્તકો કેટલા ? ખૂબ જ ઓછા. 2011થી 2020ના દાયકામાં પણ માંડ આંગળીના વેઢે ગણો એટલા પ્રકાશિત થયા હશે.

લોકગીતમાં આજેય એક સમસ્યા છે. આપણને ગીત ગમે છે. ગીત ગાનારો ગાયક પણ ખૂબ જ ગમે છે, પણ એ જ ગીતનો અર્થ શું? એવું કોઈ પૂછે તો આપણું ડાચું બંધ થઈ જાય છે. લોકસાહિત્યમાં લોકગીતો માણવા અને તેનો અર્થ જાણવો તેની વચ્ચે આકાશ અને જમીન જેટલો ભેદ રહેલો છે. એ દરેક વ્યક્તિ નથી કરી શકતી. સાહિત્યના બીજા કોઈ પ્રકાર વિશે ઘણું ઘણું કહેવાનો અવકાશ રહેલો છે, પણ લોકગીત વિશે બિલકુલ નહિ. એ ખૂબ ઓછા લોકો કરી શકે છે અને તે ઓછા લોકોમાં નીલેશભાઈ પંડ્યાનો સમાવેશ થાય છે.
લોકસાહિત્ય એટલે સંશોધનનો વિષય. લેખકો વધી ગયા છે સંશોધકો નથી મળતા. સંશોધનનું કામ ફક્ત અધ્યાપકો કે પીએચડી ઈચ્છુકોનું જ થોડું છે. સંશોધન કરવા માટે રસ હોવો અનિવાર્ય છે. સંશોધન પણ બે પ્રકારના છે. એક આપણે કંઈક બનવા માટે કરીએ છીએ અને બીજું આપણે બીજાઓને આપવા માટે કરીએ છીએ. નીલેશભાઈ પંડ્યા એ બીજી શ્રેણીમાં આવે છે. તેમના સંશોધનો લોકોને માહિતી આપવા અને તેમની લોકગીતો પ્રત્યે સમજ ઉઘાડવા માટે થઈ રહ્યા છે.

અહીં વાત કરવી છે તાજેતરમાં પ્રકાશિત થયેલા લેખક, પત્રકાર, સંગીતના સાધક એવા નીલેશભાઈ પંડ્યા લિખિત ધોળ પર આધારિત પુસ્તક ‘છેલડા હો છેલડા’ની. 104 પેઈજનું આ પુસ્તક ધોળનું રસદર્શન કરાવતું પુસ્તક છે. પહેલા તો ઘણાને ‘ધોળ’ એટલે શું એ જણાવવું પડે. ધોળ આપણે બધાએ સાંભળેલા અને ગાયેલા છે પરંતુ આને ધોળ કહેવાય એ ખબર ન હતી.
પુસ્તકમાં ધોળ વિશે નીલેશભાઈ પંડ્યા લખે છે કે, ‘‘ડોશીમાનો સમૂહ મંદિરે, કોઈને શેરીએ, ફળીએ એકત્ર થઈને ગાય તે ધોળ.’’ ધોળ એટલે પ્રભુ ભક્તિ માટે ગવાતા ગીતો. જે મીરાં અને નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ માટે ગાતા, બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામીનારાયણ માટે ગાતા. અને અત્યારે પુરુષોત્તમ માસમાં, બહેનોના સત્સંગ મંડળોમાં, ભજન મંડળીઓમાં માતા-બહેનો દ્વારા પ્રભુ ભક્તિ માટે ગવાતા ગીતોમાં અનેક ધોળ છે.
પુસ્તકમાં કુલ 51 ધોળ અને તેનું રસદર્શન
‘છેલડા હો છેલડા’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2021માં જ પ્રકાશિત થઈ છે. પુસ્તકમાં કૂલ 51 ધોળ અને તેનું રસદર્શન લેખક નીલેશભાઈ પંડ્યાએ સુંદર રીતે કર્યું છે. ધોળ માત્ર ભજન મંડળીઓ કે મંદિરોમાં ગવાતા નથી પરંતુ શાળાઓની પ્રાર્થના સભામાં પણ ગવાઈ છે. તમે પણ ગાયું હશે. શાળાઓમાં ગવાતું ધોળ વળી કયું એવો પ્રશ્ન તમને થશે. તો છેલડા હો છેલડા પુસ્તકમાં રહેલા એક ધોળ પર જ નજર કરીએ.
‘હરિ તારાં નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી;
રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી.
મથુરામાં મોહનલાલ, ગોકુળમાં ગોવિંદલાલ;
દ્વારિકામાં રાય રણછોડ, ક્યા નામે લખવી કંકોતરી.’
‘હરિ તારા નામ છે હજાર’ એ ધોળ છે. પ્રાથમિક શાળામાં દરેકે ગાયું હશે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી ગવાતું આ લોકપ્રિય ધોળ છે.
‘હરિ તારા નામ છે હજાર’ ધોળના રસદર્શનમાં લેખક નીલેશ પંડ્યા લખે છે કે, ‘‘ગુજરાતી ભાષામાં લગભગ કેટલા ધોળ હશે એવું કોઈ પુછે તો એનો જવાબ એ છે કે નર્મદા, સાબરમતી, ભાદર, શેત્રુંજી, હિરણ જેવી અનેક નદીઓ ભરાય એટલા.’’
આવું જ બીજું એક ધોળ આ પુસ્તકમાં છે, જે ખૂબ ગવાય છે. આ ધોળ એટલે ‘તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,’ લેખક આ ધોળના રસ દર્શનમાં લખે છે કે, ‘આ ધોળ જીવનની સંધ્યાએ પહોંચેલાનો આર્તનાદ છે. હમણાં જિંદગીરૂપી સૂરજ આથમી જશે એ પહેલાં આત્મકલ્યાણ કરી લો એવી શીખ આ ધોળમાં છે.’
‘તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે દીનાનાથની’ આ પણ ધોળ છે.
‘જેના મુખમાં રામનું નામ નથી, એવા દુરિજનનું અહીં કામ નથી’ આ ધોળમાં રામનામનું મૂલ્ય સમજાવાયું છે.
‘છેલડા હો છેલડા, માખણના ઘેલડા
રાધાના જીવનપ્રાણ, છેલડા’
આ ધોળમાં ગોપી કાનુડાને પોતાના ઘરે આવવા આમંત્રણ આપે છે. મહિલાઓનો સમૂહ આ ધોળ તાળીઓ પાડીને ગાય ત્યારે અલગ પ્રકારનો માહોલ બને છે.
‘નહીં જાઉં રે માત, ગાવલડી ચરાવાને જશોદા માવડી’
આ ધોળમાં બાળ કૃષ્ણની વેદના છે. માતા જશોદાને કાન ગાયો ચરાવવા જવાની ના પાડી રહ્યો છે.
‘શિવજી તમે ભોળા રે ભોળા
ભક્તોના દુઃખ હરનાર રે
શિવજી તમે ભોળા રે ભોળા’
આ ધોળ ખાસ કરીને શ્રાવણ માસમાં શિવમંદિરોમાં ગવોતા પ્રચલિત ધોળ છે.
લેખક ધોળ અંગે ચિંતા વ્યક્ત કરતાં એક ધોળના રસદર્શનમાં લખે છે કે, ‘‘ગામડાંમાં રામમંદિરો, શિવમંદિરોએ શનિવાર, સોમવાર,બીજ, અગિયારસ, પૂનમ, અમાસ જેવા દિવસોએ પુરુષવર્ગ રાત્રે ધૂન ભજન વખતે પણ આવા ધોળ ગાઈ છે. શાળાઓની પ્રાર્થનાસભામાં પણ પ્રાર્થના પૂર્ણ થયા બાદ નિયમિત રીતે ધોળ ગાતા, પણ સમય બદલાતાં આ પરંપરાને પણ લૂણો લાગ્યો છે છતાં ક્યાંક હજુ ગવાઈ છે.’’ નીલેશભાઈ પંડ્યા આગળ કહે છે કે, ‘‘બાળકને ધર્મના સિદ્ધાંતો સાથે જીવન જીવવાની ટેવ પાડી, ભવિષ્યના નીમિત્તવાળા સજ્જનો તૈયાર કરવાની દિશાનું આ પ્રથમ પગથિયું છે. કુમળી વયે ધર્માચરણ શીખવવાનું કામ ધોળ કરે છે.’’

છેલડા હો છેલડા પુસ્તકમાં એકથી ચઢીયાતા એક એવા કુલ 51 ધોળ અને તેનું રસદર્શન છે. પુસ્તકનું કલરફૂલ કવર પેઈજ પણ પહેલી નજરે નયનને ગમી જાય તેવું છે. આ પુસ્તક ખરીદીને વાંચવા જેવું અને બીજાને વંચાવવા જેવું ખરું. સાહિત્યના ઓછા ખેડાયેલા લોકગીત અને ધોળ જેવા વિષયો પર સંશોધન કરીને લખવું અઘરું છે. આ અઘરા કામને નીલેશભાઈ પંડ્યાએ ઝીલીને સમાજને અને નવી પેઢીને લોકગીતો અને ધોળ વિશે વધુ રુચિ પેદા થાય અને આ જ્ઞાનવર્ધક સાહિત્ય સમાજ સુધી પહોંચે તેવો પ્રયાસ કર્યો છે.
ઘણા ચાબુકને પૂછે છે કે તમે પુસ્તક વિશે તો લખો છો, પણ તે મળે ક્યાં એ નથી લખતા, કારણ કે મોટાભાગના પુસ્તકો તો ઓનલાઈન પણ આઉટ ઓફ સ્ટોક હોય છે. છેલડા હો છેલડા માટે નીચે રહ્યું પ્રાપ્તિસ્થાન.
પુસ્તક- છેલડા હો છેલડા
લેખક- નીલેશ પંડ્યા
પ્રકાશક- સાહિત્ય દ્વારા પરિવર્તન (મથુરદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત)
પ્રાપ્તિ સ્થાન- વાસુદેવ ડિઝાઈનર એન્ટ પ્રિન્ટર, 118, સ્ટાર પ્લાઝા, ફૂલછાબ ચોક, રાજકોટ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત