Homeસિનેમાવાદમિત્રો... દિલીપ કુમાર ચપટી વગાડતા આ બધા રોલ પ્લે કરી લે

મિત્રો… દિલીપ કુમાર ચપટી વગાડતા આ બધા રોલ પ્લે કરી લે

ઝાલાવાડી જલજીરા : દિલીપ કુમારની આત્મકથાની વાત કરી. હવે કેટલીક એવી વાત જે સિનેમારસિક, દિલીપ કુમારના અઠંગ ચાહક અને જૂની ફિલ્મોના શોખીન લોકોને તો ખૂબ જ ગમશે. આજની ફિલ્મોમાં જેટલા પણ રોલ કલાકારો ભજવે છે. તે સારી કહી શકાય તેવી તમામ ફિલ્મોના રોલ ભજવવા માટે દિલીપ સાહેબ પણ તૈયાર છે. જો આજે દિલીપ કુમાર યુવાન હોત અથવા તો તેમને એ સમયે આ તમામ રોલ ઓફર થયા હોત, તો સો આના સત્ય વાત છે કે દિલીપ કુમારે એ રોલ આરામથી પ્લે કરી લીધા હોત. માત્ર આરામની વાત નથી. દિલીપ કુમારે એ તમામ રોલ આજના કલાકારો કરતાં પણ સારી રીતે પ્લે કર્યા હોત. એ તમામ રોલ પર એક નજર કરો. જેથી ખ્યાલ આવશે કે દિલીપ સાહેબની પર્સનાલિટી આ બધા રોલ પ્લે કરવા માટે જ બની છે.

સ્કેમ 1992

ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીને હવે કોણ નથી ઓળખતું ? આ સ્કેમ સિરીઝ જો દિલીપ કુમારના સમયે બની હોત જે શક્ય નહોતું, પણ દિલીપ કુમાર જો આજે યુવાન હોત તો તેમના કપડાં પહેરવાની સ્ટાઈલ પરથી બિલકુલ લાગે કે પ્રતીક ગાંધીએ ભજવેલો રોલ તેઓ બખૂબી નિભાવી શકે અને વાહવાહી પણ ઉઘરાવી જાય. દિલીપ કુમાર રિસ્ક હૈ તો ઈસ્ક હૈ બોલે તો કેવું લાગે ?

લગાન-ભૂવન

ઓસ્કરના આંગણે પહોંચેલી આમિર ખાનની ફિલ્મ લગાનથી તો એક એક વ્યક્તિ માહિતગાર છે. દિલીપ કુમારની શરૂઆતની ઘણી ફિલ્મો આઝાદી પર હતી. લગાનમાં પણ અંગ્રેજોથી છૂટકારો મેળવવાની વાત છે. ગ્રામીણ વ્યક્તિના રોલ પણ દિલીપ સાહેબે ખૂબ પ્લે કર્યા છે. જેથી આ દિલીપ સાહેબ માટે ડાબા હાથનો ખેલ કહેવાત.

દિલ ચાહતા હૈ – આકાશ મલ્હોત્રા

દિલીપ સાહેબ નટખટ પણ છે. જે વાતનો તાગ રાજ કપૂરનું મોઢું ખેંચતી તસવીરથી લગાવી શકીએ. ફરહાન અખ્તરની દિલ ચાહતા હૈમાં ત્રણ મિત્રોની વાત છે. તો દિલીપ સાહેબ ફરી આમિર ખાને પ્લે કરેલું આકાશ મલ્હોત્રાનું કેરેક્ટર આરામથી ભજવી શકે. બાજુમાં ઊભેલા રાજ કપૂર સૈફ અલી ખાન અને અક્ષય ખન્નાનો રોલ ભજવવા માટે દેવ આનંદ પણ તૈયાર જ છે.

પીકે

એ વાતમાં શંકાને સ્થાન નથી કે આમિર ખાને હિન્દી ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચડીયાતા રોલ ભજવ્યા છે. પોતાના પરફેક્શનના કારણે તેણે એ તમામ રોલમાં દર્શકો સમક્ષ અમીટ છાપ પણ છોડી છે. રાજુ કુમાર હિરાણીની પીકેનો રોલ પણ દિલીપ સાહેબ પ્લે કરી જ શકે. એ પણ કંઈક અલગ લેવલ પર.

અંધાધુન

માંડ માંડ આ તસવીર મળી જેમાં દિલીપ કુમાર યંગ પણ લાગતા હોય અને આંખ પર કાળા ચશ્મા પણ પહેર્યા હોય. આયુષ્માન ખુરાનાની અંધાધુન વિશે કોણ નથી જાણતું ? કેટલો બ્રિલિયન્ટ રોલ પ્લે કર્યો છે. જો કોઈ અજાણ્યાને પૂછો કે આ બંનેમાંથી અંધાધૂન ફિલ્મમાં રોલ કયા અભિનેતાએ ભજવ્યો છે. તો શક્ય બને કે તે દિલીપ કુમાર પર આંગળી ચીંધી દે. એમ પણ બોલી જાય કે આ ભાઈની ફિલ્મની રિમેક હશે!!

કબીર સિંહ

નો ડાઉટ. જેણે દેવદાસને આટલી સરસ રીતે પડદા પર જીવતો કરી બતાવ્યો હોય તેના માટે કબીર સિંહ તો પાંચીયું કહેવાય. હા હીરોઈન સાથેના ચુંબનના દૃશ્યોની જગ્યાએ બે ફુલ આવી જાય. અન્યથા દિલીપ સાહેબ પણ કબીર સિંહ બની જ શકે.

મિર્ઝાપુર

દિલીપ કુમારનો અહીં જે ફોટો છે તે તો કાલીન ભૈયાથી પણ ખતરનાક છે. સૌદાગર ફિલ્મનો છે. ઘણા સલાહ પણ આપી શકે કે કાલીન ભૈયાના પિતાનો રોલ આપો. એટલે કે કુલભુષણ ખરબંદાના રોલ માટે દિલીપ કુમારને લેવા જોઈએ. અરે એ તો ગમે તે પાત્રમાં ફિટ બેસી જાય. પણ કાલીન ભૈયા જેવો ગુસ્સો અને જોશ તેમની આંખોમાં દેખાય છે ખરો.

દિલીપ કુમારની અંદર નાનો એવો કોમન મેન પણ ધબકે છે. જે તેમની સુપરસ્ટાર છબીના કારણે કોઈ જગ્યાએ દેખાતો નથી. જીતેન્દ્ર કુમાર ઉર્ફ જીતુ ભૈયાએ પંચાયત વેબ સિરીઝમાં ભજવેલો અભિષેક ત્રિપાઠીનો રોલ પણ દિલીપ કુમાર બિલકુલ સરળતાથી પ્લે કરી લે. યંગ દિલીપ કુમારને આવા રોલમાં જોવાની આજેય ઈચ્છા થાય છે. કાશ એ ચિરાયું હોત. સુરેશ જોશીની થીગડું વાર્તામાં આવતું કપડું તેમની પાસે હોત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments