Editors Gallery: લેખકો ફેસબુક આવ્યા પહેલા કંઈક વધારે જ લોકપ્રિય હતા. એમનો ચહેરો એમના વાંચકોને ઓછો જોવા મળતો હતો અને માત્ર લખાણ વાંચવા મળતું હતું. લેખકનો ઓટોગ્રાફ મેળવવા અને તેને મળવા વાંચકો ઊંચા નીચા થતાં રહેતા હતાં. અખબારની કોલમમાં તો જ્યારે લેખકોના ચહેરા ફોટો સ્વરૂપે છપાતા થયા ત્યારે કેટલાકને ખબર પડી કે આ કોલમ લખનારા લેખક આવા દેખાય છે. નહીં તો કોઈ દિવસ ખબર પડેત જ નહીં. પોતાની ગમતી કોલમના લેખકને પ્રથમ વખત ફોટોમાં જુએ ત્યારે કેટલાક કોમેન્ટ પણ પાસ કરે, અલબત્ત બોલીને, ‘આ લેખક આવો દેખાય છે? શું આ આ કોલમ લખતો હશે?’ જો ચહેરાના આધારે લખનારની બુદ્ધિમતા અને તેના વિચારોનું માપદંડ નીકળતું હોત તો જ્યોર્જ બર્નાડ શોને કોઈ લેખક જ ન માનેત!
ફેસબુક આવ્યા પછી આપણે જેટલા લેખકોને વાંચતા હતાં તેમને કાં તો વાંચવાના ઓછા કરી દીધા અથવા તો એમને વાંચવાના છોડી દીધા. જો આવા લેખકને કોઈ બીજો વાંચતો હોય તો આપણે તેની મજાક પણ ઉડાવવા લાગ્યા. એ પણ ફેસબુકમાં પોસ્ટ મૂકીને. આની પાછળ અસંખ્ય કારણો જવાબદાર છે, પણ મૂળ કારણ એ છે કે તમારે તમારા હીરોને મળવું ન જોઈએ. જે લોકો પોતાના આદર્શની સાથે મુલાકાત કરે છે તેમને પાછળથી પસ્તાવો થાય છે. હા, પસ્તાવો વિપુલ ઝરણું….
ફેસબુક કનેક્ટ ધ પીપલ. ફેસબુક લોકોને એકઠા કરવાનું સાધન બની ગયું. લેખકો ફક્ત અહીં પોતાના વ્યક્તિગત પ્રમોશન માટે કોલમ મૂકતા હતા ત્યાં સુધી તો ઠીક હતું પણ પછી તેઓ કોમેન્ટમાં છીછરાપણું લાવવા લાગ્યા. એમના કેટલાક ફોલોઅર્સને જ્યારે એમની કોઈ રચના પસંદ ન આવે ત્યારે તેમની ટીકા કરે. ફેસબુક એ અભિમાની બનાવતું શસ્ત્ર છે. લેખકથી પણ રહેવાય નહીં અને એ પણ ફોલોઅરને જડબાતોડ જવાબ આપે. એ જવાબ અસંખ્ય લોકો વાંચે અને લેખક સૌની નજરમાંથી પડતો જાય. જેથી વાચકોને તેમનો અસલી ચહેરો પણ દેખાવા લાગ્યો. ઘણી વખત લેખકનો કહેવાનો હેતુ એવો હોતો નથી પણ લોકો સમજે જ એવી રીતે.
કેટલાક લેખકો સરકાર તરફી વિચારો પ્રદર્શિત કરતાં હોવાથી અળખામણા બન્યા. એમની તો સરાજાહેર પીટાઈ કરવામાં આવી. બે દિવસ પહેલા સૌરભભાઈ શાહ જેમણે મહારાજા જેવી અદભુત નવલકથા લખી છે, તેમણે એક લેખ લખ્યો અને શેર કર્યો. સૌરભભાઈને એ પછી 600 ઉપરાંત કોમેન્ટ પણ આવી છે. તેમના અન્ય આર્ટિકલોમાં કોમેન્ટની સંખ્યા જે સાતથી પચ્ચીસની રહેતી હતી, એ 600 ઉપર એકાએક ચાલી ગઈ, કારણ કે તેમણે સરકારની તરફેણમાં લેખ લખ્યો હતો. એ લેખમાં પણ એવું કંઈ ખાસ હતું નહીં. અને સમય એવો ચાલી રહ્યો છે કે સરકારની તરફેણમાં લખનારા ‘લેખકો’ ને ઓનલાઈન વીણી વીણીને ફટકારવામાં આવી રહ્યા છે.
જનતા ક્રોધિત છે. એ પોતાના સ્વજનોને ગુમાવી ચૂકી છે. ક્યાંક કોઈને વેન્ટીલેટર ન મળ્યું, ક્યાંક ઓક્સિજન, ક્યાંક રેમડેસિવિર, ક્યાંક સ્મશાન… આવામાં લેખકો સરકારની પ્રશંસા કરશે તો માર જ ખાશે.
સૌરભભાઈના નવા વાચકોમાં પણ યુઝર્સની કોમેન્ટ એવી અસર છોડે છે કે તેઓ તો સરકાર તરફી લખે છે. એટલે એ પણ વાંચવાના છોડી દેશે. ટોળાનું કામ ટોળું મોટું કરવાનું હોય છે. અત્યારના જમાના પ્રમાણે કોમેન્ટો યુઝર્સના મનમાં મોટી અસર પહોંચાડે છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે સારું કે નરસું વિચારવાનું બંધારણ ફેસબુકની કોમેન્ટો ઘડી આપે છે.
આપણને હવે આદત પડી ગઈ છે કે કોઈની નિંદા કે કૂથલી થઈ હોય એવી પોસ્ટ તો રસપૂર્વક વાંચીએ જ છીએ, પણ તેની અંદર લખવામાં આવેલી કોમેન્ટ પ્રત્યે પણ આપણને જબરું આકર્ષણ જાગે છે. ન માત્ર કોમેન્ટ વાંચી આનંદ લઈએ છીએ, પણ રિએક્ટ કરીએ છીએ અને કોઈ મિત્રને જવાબ પણ આપીએ છીએ. પહેલા કોમેન્ટો મિત્ર પૂરતી મર્યાદિત હતી. હવે કોમેન્ટો સીમાડા વટાવી ગઈ છે. ઝુકરબર્ગની પોસ્ટમાં પણ ગુજરાતીઓ કોમેન્ટ કરે છે! એને દાહોદ ચા પીવા માટે બોલાવે છે!
સૌરભભાઈ પહેલા કાજલબહેનનો એક લેખ ટ્રોલર્સે વીંધી નાખ્યો હતો. એ લેખ અખબારમાં પણ છપાયેલો હતો. સૌરભભાઈ કરતા કાજલબહેનના ફોલોઅર્સની સંખ્યા વધારે છે. એમના મોટાભાગના ફોલોઅર્સ, આજે એમના ‘અનુયાયીઓ’ એટલા માટે છે કે, તેઓ જ્યારે પણ નવી પોસ્ટ મૂકે ત્યારે તેમને તેમના જૂના આર્ટિકલનું સ્મરણ કરાવે. એ લેખમાં તો કોમેન્ટ પણ એટલી જ થઈ. આ ઓનલાઈન વિવાદ પણ લાંબો ચાલ્યો અને જો કોઈ કાજલબહેનનો વાચક હોય તો સ્પષ્ટ છે એ કોમેન્ટો વાંચ્યા પછી તેનો પણ કાજલબહેનને વાંચવામાંથી રસ ઓછો થઈ જાય. ‘‘આટલા બધા કહેતા હશે તો કંઈક તો સાચું જ હશે.’’ આપણે આવી પ્રજા છીએ.
કેટલાક લેખકો ખરેખર બુદ્ધિમાન છે. એ કોઈ દિવસ સરકાર વિશે લખતા નથી. પોતાની વિચારધારા સામે લાવતા નથી. કદાચ એટલે જ એ સુરક્ષિત છે. જે દિવસે ખબર પડી ગઈ એ દિવસે એમને પણ ઓનલાઈન માર પડશે.
કેટલાક સરકાર વિષે લખે છે તો ભૂલથી પણ સોશિયલ મીડિયા પર શેર કરતા નથી. જોકે હવે એક એવો વર્ગ પણ છે કે જે લેખકોએ છાપામાં લખેલું હોય તેના વિચારો સાથે સહમત ન થાય, તો ફોટો પાડી કે વેબસાઈટ પરથી અખબારની પીડીએફમાંથી એ લેખનો કટકો લઈ સોશિયલ મિડિયાના સમુદ્રમાં વહેતો કરી દે. પછી નીત નવીન માછલીઓ તેને ગોથે ચડાવે છે. તેની આલોચના કરે છે. એ લેખની ટીકા થાય ત્યાં સુધી તો બરાબર છે, પણ બાદમાં લેખકની અંગત વાતોને પણ જનતા સમક્ષ લાવવામાં આવે છે અને ત્યાં વધારે લોકોને ‘રસ’ પડે છે.
ફેસબુકના કારણે હવે દરેક યુઝર ન્યાયાધીશ બની ચૂક્યો છે. એ જ્યારે ફેસબુકમાં પ્રવેશ કરે છે ત્યારે થોડા સમય શાંત રહે છે, પછી જેવો વર્ગ હોય એવો તે બની જાય છે. ફેસબુકની વિચારકોની સૃષ્ટીમાં એ અભિમાની બની જાય છે. ઈર્ષ્યા આવે છે જ્યારે ઉગતા એક લેખકને બસ્સો લાઈક મળતી હોય અને તેની સાથે જ તમે ઓનલાઈન લખવાનું શરૂ કર્યું હોય તો તમને પચાસ લાઈક માંડ મળતી હોય. જ્યાં સુધી લેખકોને આપણે મળતા નથી ત્યાં સુધી આપણા હિતમાં છે. ફેસબુકના કારણે હવે એ સરહદ રહી નથી.
લખેલું વાંચીને આપણે કેટકેટલાય તર્કો સેવતા હોઈએ છીએ. ઉતાવળીયા તર્કો. કહેનારનો કહેવાનો અર્થ સમજ્યા વિના તેને ઉતારી પાડવા લાગીએ છીએ. ફેસબુકમાં બીજા બધા ભલે સુરક્ષિત હોય પણ લેખકો સુરક્ષિત નથી. એમને જો એમ લાગતું હોય કે વધારે લાઈક અને કોમેન્ટ આવવાથી આપણી લોકપ્રિયતા અકબંધ છે તો એ જુઠ્ઠા છે. પહેલા એમની લેખને કારણે લોકપ્રિયતા હતી, આજે એમની ફક્ત ફોટોનાં કારણે છે. એક જૂનું પણ મોટું નામ છે એટલે છે. આજે જે લેખકો ફેસબુક પર નથી તે લેખકોના વાચકો જીવિત છે. જો ચંદ્રકાન્ત બક્ષી આજે જીવતા હોત તો એ રોજ એક હજાર લોકોને બ્લોક કરતા હોત. હવે તો ગાંધીજીનું ફેસબુક આઈડી ન હોવા છતાંય એ ટ્રોલ થાય છે.
વિચારો કે આપણે પહેલા ગ્રંથાલયના ગાર્ડનમાં બેસીને ચર્ચા કરતાં હતાં કે રવિવાર કે બુધવારની પૂર્તિમાં કોણે સારો લેખ લખ્યો છે. આ લેખકનું પુસ્તક ભલે ખરાબ રહ્યું પણ આટલી વાતો નવી જાણવા મળી છે. આ વાત સાચી કહી આ વાત ખરાબ કહી. આજે ગાર્ડનમાં બેસી વાતો કરનારા એ લોકો ફેસબુકમાં છે અને વાતો કરે છે કે, ‘‘એ લેખકને બિલકુલ વાંચ્યા જેવો નથી. સમય જતાં તમને ખબર પડશે.’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત