Editors View: આપણે આપણા બાળકોના હાથમાં શસ્ત્ર મૂકીએ છીએ. તેનું ભવિષ્ય ધૂંધ ભરી ખીણમાં ધકેલીયે છીએ. મોબાઈલની વાત તો થયા જ કરશે પણ અમેરિકામાં માતા પિતા બાળકોના હાથમાં અસલી હથિયાર પકડાવી દે છે. જેનો ભોગ પણ સામાન્ય લોકોને બનવાનો વારો આવે છે. વીડિયો ગેમ, મોબાઈલ અને સનસનાટી મચાવતા ફિલ્મી દૃશ્યોને કુમળા માનસનું બાળક સત્ય હકીકત માની લે છે. આવા વરવા કિસ્સાઓ જગત જમાદાર તરીકેની ખ્યાતિ ધરાવતા અમેરિકામાં છાશવારે બન્યા રાખે છે. ઘટના અખબારમાં નોંધાય છે. મનોચિકિત્સકો અને શિક્ષણવિદ્દોને સ્ટુડિયોમાં બોલાવી ઘટના જો મહત્વની હોય તો તેના પર વિષદ ચર્ચા થાય છે. તમારા માનસને વિચલિત કરી નાખતા દૃશ્યો હશે તો તેને મીડિયામાં પ્રાથમિકતા આપવામાં આવશે. મનુષ્યને વિષમાં અતિરિક્ત રસ પડે છે.
હાલમાં જ અમેરિકાની મિશિગન હાઈસ્કૂલમાં એક ગોઝારી ઘટના બની ગઈ. આ ઘટનામાં ચાર લોકોના જીવ કારણ વગરના હોમાય ગયા. જીવ લેનાર કોઈ ખૂંખાર ક્રિમિનલ નહોતો પરંતુ છોકરો હતો. હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહેલા આ નબીરાના હાથમાં તેના માતા પિતાએ હોંશેહોંશે ગન મૂકી દીધી હતી. ક્રિસમસ નજીક આવી રહી છે ત્યારે આ બંદૂક પણ ક્રિસમસની ભેટ સ્વરૂપે જ તેને આપવામાં આવી હતી. નબીરાએ અંધાધૂન ગોળીબાર કરતા ચાર વિદ્યાર્થીઓના મોત થઈ ગયા જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે વંઠેલ નબીરો તો છે જ પણ તેના વંઠેલ માતા પિતાની પણ પોલીસ શોધ કરી રહી છે. માતા પિતાને એવો તે પુત્ર પ્રત્યે શું પ્રેમ ઉભરાયો કે તેને બંદૂક લઈ દીધી?
આ ઘટના ગત મંગળવારના રોજ બની હતી. માથા ફરેલા કિશોરે માતા પિતાની ભેટનો એટલો સરસ રીતે ઉપયોગ કર્યો કે માત્ર પાંચ મિનિટમાં પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યું. અર્થાત તેણે ગનનો અગાઉ પણ ઉપયોગ કર્યો છે? ફાયરિંગ પણ એ સમયે કરવામાં આવ્યું હતું જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતાં. ધાણીફૂટ ગોળીબારમાં ચાર વિદ્યાર્થીઓને જીવ ગુમાવવા પડ્યા. એક પુત્રની ક્રિસમસ સુધારવા માટે આપવામાં આવેલી ભેટ અન્યો માટે માતમમાં ફેરવાઈ ગઈ. ઘાયલ આઠ લોકોમાં એક શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે.
અમેરિકાના આંકડાઓ દર્શાવી રહ્યા છે કે ત્યાં ગન કલ્ચરનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે. 2021ની સાલમાં ગોળીબારીની ઘટનાઓ બીલાડીના ટોપની જેમ ફૂટી નીકળી. આ વર્ષે અત્યાર સુધીમાં 138 શાળાઓમાં ગોળીબાર થયો હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાઓમાં કુલ 26 લોકો મોતને ઘાટ ઉતરી ચૂક્યા છે. ભૂતકાળમાં ડાર્ક નાઈટ ફિલ્મ જોઈ એક માથા ફરેલો અમેરિકાના થીએટરમાં ઘુસી ગયો હતો અને ત્યાં કેટલાયને વીંધી નાખ્યા હતા. આ વર્ષે જ રશિયાની એક યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં લોકોને બારી બહારથી ભૂસકો મારી જીવ બચાવવાનો વારો આવ્યો હતો.
અમેરિકાની સુપરહીરો અને સાયન્સ ફિક્શન ફિલ્મ બ્રાઈટબર્નમાં ચાઈલ્ડ આર્ટિસ્ટના કાકા તેને તેના અગિયારમાં જન્મદિવસ પર બંદૂક અપાવે છે. અમેરિકાની ફિલ્મોમાં જે દર્શાવવામાં આવે છે તે કંઈ ખોટું નથી પણ તદ્દન વાસ્તવિકતા છે. બાળકનો હાથ પહોંચી જાય એટલી જ દૂર ઘરમાં રમકડાંની જેમ બંદૂક પડી હોય છે. ક્યારે કોનો નરસંહાર થઈ જાય ખબર નહીં. પણ અમેરિકામાં વ્યાપી રહેલું ગન કલ્ચરનું દૂષણ કેટલાય નિર્દોષોને લ્યૂસિફરના દ્વાર સુધી પહોંચાડી દે છે. એક કિસ્સો પૂર્ણ થયો, ટૂંક સમયમાં એક નવો કિસ્સો સામે આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત