Homeવિશેષએકાએક આ ફિલ્મ સમીક્ષકો ક્યાંથી ફૂટી નીકળ્યા?

એકાએક આ ફિલ્મ સમીક્ષકો ક્યાંથી ફૂટી નીકળ્યા?

Editors View: ફિલ્મ સમીક્ષાનો મુદ્દો આપણે ત્યાં એક મહિનાથી વગોવાય રહ્યો છે. મહિના પૂર્વે ગુજરાતીના એક લોકપ્રિય લેખકે, કોઈ હિન્દી અખબારમાંથી કોપી કરી લખ્યું હોવાના ફરફરિયાંએ સોશિયલ મીડિયાને આનંદના મસાલાની પૂર્તિ કરી હતી. હવે એક ગુજરાતી ચિત્રપટ માર્કેટમાં આવતા તેની અત્યાધિક પ્રશંસા થઈ રહી છે. લખનારે જોયું નથી એટલે એ વિશે કંઈ કહીશ નહીં.

આપણે ત્યાં છોતરાફાડ વિવેચનનો યુગ અસ્ત થઈ ગયો છે. હવે વિવેચનો મૈત્રીપૂર્ણ અદાથી કરવામાં આવે છે. કુરનીશ બજાવીને. સામે વાળાના હ્રદયને જરાં પણ આંચકો ન લાગે અને એની સાથેની આપણી મૈત્રીનું ખંડન ન થાય આ માટે શબ્દો ફૂંકી ફૂંકીને મૂકવામાં આવે છે. આપણું લખાણ પણ એવું જ બનતું જઈ રહ્યું છે. આપણને પસંદ આવે એવું લખાણ નહીં, પણ બીજા બે-ચાર સિનિયર લેખકોને ગમે તેવું લખાણ લખતા થઈ ગયા છીએ. આ બધી સોશિયલ મીડિયામાંથી જન્મેલી વિકૃતિઓ છે. ભવિષ્યમાં તેના પર લેખકને કેન્દ્રસ્થાને રાખી ડોક્યુમેન્ટ્રી જરૂર બનશે. નોબલ પારિતોષિક વિજેતા શ્રીમાન ઇશિગુરોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે ઓનલાઈન સારું લખતા લોકો ધીમે ધીમે બંધ થઈ જશે.

લેખક એક એવો જીવ છે જે આજીવન લોકપ્રિય થવાના નશામાં રહે છે. નશો ઉતરવાનું નામ જ નથી લેતો. લોકપ્રિય થાય છે તોપણ થોડા સમયમાં ઉઘાડો પડી જાય છે. સોશિયલ મીડિયા પર ઉઘાડા કરનારાઓનો આજકાલ તૂટો નથી. પહેલા લેખકો વાચકોના પત્રોની રાહ જોતા હતા, આજે કોમેન્ટ થકી તાત્કાલિક પ્રતિક્રિયા મળી જાય છે. જેમાં લોકપ્રિય લેખકો માટે તો મોટાભાગની પ્રતિક્રિયા આઘાતજનક હોય છે. સરકારની વિરૂદ્ધમાં લખતા લેખકના મોટી સંખ્યામાં મિત્રો એ હોય છે જે સરકારના મિત્રો હોય છે. સ્ક્રિનશોટે એમાં મરી મસાલા ભભરાવવાનું કામ કર્યું છે.

આજકાલ લેખકો નથી રહ્યા મંડળો બની ગયા છે. મંડળીના કોઈ નામ સરનામા નથી. એ બસ ભીડની જેમ એકઠા થઈ ગયા છે. જેવી રીતે બ્રાઝીલ-પોર્ટુગલની ફુટબોલ મેચમાં અજાણ્યા બે પ્રેક્ષકો પોર્ટુગલને સપોર્ટ કરતા હોય એટલે એ પોર્ટુગીઝ થઈ જાય. પછી ભલે એ અજાણ્યો હોય બ્રાઝીલનો અને રોનાલ્ડોનો ફેન હોય. આ મંડળો પોત પોતાના વ્યક્તિને પ્રવચનમાં બોલાવે છે, એમનું પુસ્તક પ્રગટ થાય ત્યારે સારી સારી વાતો ઓનલાઇન લખી આપી તેને લેખક તરીકે સ્થાપિત કરે છે. એને મંડળીના બીજા સભ્યો ટેકો આપે છે. નબળાં પાયા પર માર્કેટિંગ અને પ્રમોશનના કારણે ફક્ત દેખાવમાં સારી લાગતી ઈમારતની રચના થાય છે. એમાં રહેવા ન જવું કારણ કે એ ગમે ત્યારે કડડભૂસ થઈ શકે છે. આ બધું એટલા માટે થાય છે, કારણ કે આપણી પાસે ઓનલાઈન એવો વિવેચક નથી, જે છોતરાફાડી નાખે. નોબલ પુરસ્કાર વિજેતા શ્રીમાન ઇશિગુરોનું વાક્ય પાછું યાદ કરો. અને જરા વિચારો કે ઓનલાઈન એવો છોતરાફાડ અવલોકનકાર ક્યાં છે?

ઓનલાઈન ગુજરાતી વેબસાઈટના રિવ્યૂઓ હિન્દીમાંથી અનુવાદિત થઈને આવે છે. જેનો નમૂનો હમણાં જ આપણે જોઈ ચૂક્યા છીએ. પત્રકારોને ફિલ્મ જોવા જેટલી પણ મોકળાશ નથી રહી. જમાનો ઝડપનો છે. સમયની સ્વતંત્રતા મળી નથી રહી. લખનારા ફિલ્મનો ‘ફ’ પણ નથી જાણતા હોતા. તેમનું પૂરતું ધ્યાન હિન્દીના શબ્દોને ગુજરાતીમાં ઢાળવા પર હોય છે. જો કોઈ પત્રકાર સારો રિવ્યૂ ગુજરાતી ન્યૂઝની વેબસાઈટમાં લખવાનું વિચારે છે. એ ખૂબ સુંદર રિવ્યૂ લખે પણ છે. તો એ બિચારાને એક પણ ક્લિક નથી આવવાની. ગુજરાતી વેબસાઈટના સૌથી બેસ્ટ લેખોને પચ્ચીસથી વધારે લીન્ક ક્લિક મળતી નથી. એમાં અર્થવ્યવસ્થા ક્યાંથી ચાલે? એટલે ઓનલાઈન ક્લિક મેળવી અર્થવ્યવસ્થા ચલાવવી હોય તો લખાણમાં અશ્લિલતા લાવવી પડે છે.

વળી હમણાં એક એ પણ જોયું કે-‘તમારા ડિટેલ રિવ્યૂની પ્રતીક્ષા’ એ ભાઈ ડિટેલમાં કશું લખતા નથી. લાંબું લખવું એટલે ડિટેલમાં લખવું એવી વ્યાખ્યા કોણે બાંધી? લાંબુ લખાણ તો ફિલ્મની કક્ષા પર હોવું જોઈએ. સમતોલ આહારની માફક આવા રિવ્યુનું પણ અતિક્રમણ થઈ રહ્યું છે. અચાનક બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ફિલ્મ સમીક્ષકો જ્યારે ઓસ્કર એવોર્ડ આવે છે ત્યારે તેની સમજવામાં અઘરી પડતી કેટલીક ફિલ્મોને કારણે કઈ જાંબુવનની ગુફામાં ચાલ્યા જાય છે એ સમજાતું નથી. એ ફિલ્મ સમીક્ષકો નથી. ચોમાસામાં નજીવા વરસાદે ઉગી નીકળતા પેલા ઉડયમાન થવા થનગનતા મંકોડા છે. જે રાતના બાર વાગતા પાંખ ખંખેરી ક્યાંક ચાલ્યા જશે કાં ગુજરી જશે. ઘરની વ્યક્તિ આવી તેને સાવરણીથી વાળી ખદેડી મૂકશે.

જેમને લખવાનું છે એ હવે લખતા નથી. અમૃત ગંગર જૂની અને ખાસ તો વિદેશી ફિલ્મો અને સત્યજીત રે પર કલમ ચલાવે છે. એવી ફિલ્મો જેમાં કલાત્મકતા હોય. તેમનો પ્રમુખ રસ સિનેમાની ‘કળા’ પ્રત્યે છે. તેમના પછી યાસીન દલાલ આવે છે. જેઓ પણ હવે ઉંમરના કારણે ફિલ્મો પર વધુ નથી લખી શકતા અન્યથા તેમણે ભૂતકાળમાં ઘણી ફિલ્મો પર હથોડા ફટકાર્યા છે. કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર. હકીમ રંગવાલા ફિલ્મોના ઈતિહાસ સાથે સંકળાયેલા છે. જયેશ અધ્યારુની અત્યારે ખોટ વર્તાઈ રહી છે. જેમની કલમ દોઢેક વર્ષથી મૂંગી છે. શિશિરભાઈની ફિલ્મ સમીક્ષક તરીકેની કલમમાં મૈત્રીભાવ બેથી ત્રણ વખત પ્રગટતો જોયો છે. જો અભ્યાસ બરાબર રહેશે તો આવનારા ત્રણેક વર્ષમાં પાર્થ દવેનું લખાણ વધારે ઉઘડી શકે. બાકી તો ઉપર ચોમાસા અને મંકોડાની વાતો કરી એવું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments