Editors View: રેનકોટ પહેરવો કે પહેરવી જર્સી, શિયાળું માનવું કે ચોમાસું, સામાન્ય ખોરાક ખાવો કે ખાવા ભજીયા અને ગાંઠિયા, તેવી સોશિયલ મીડિયાના ચોરે ચર્ચાય રહેલી અલક મલકની વાતો વચ્ચે તડકાએ એનું સ્વાભિમાન પરત મેળવ્યું છે. બે દિવસથી વાદળાઓની પાછળ છુપાયેલા સૂર્યદેવતાની રણની વચ્ચે ફસાઈને સલીલની એષણા સેવનારાઓની માફક લોકો કામના કરી રહ્યા હતા. અરબી સમુદ્રના ડિપ્રેશનને પણ ક્યાં ખબર હશે કે તેના પર જોક્સ બનવાના છે!
શિયાળામાં જે સૂર્યનું મિલન ઈચ્છતા હોઈએ એ ઉનાળામાં વિલન બની જાય છે. કુદરતનો સ્વભાવ પણ પરિવર્તન ઈચ્છે છે. પાડોશમાં રહેલું જે વૃક્ષ અસહ્ય ગમતું હોય તે જ આપણા ઘરની ઉપર પડી નખ્ખોદ કાઢી નાખે એમ પણ બને! જે રાતરાણીની સમીપ જઈ તેની સુગંધનો મીઠો મીઠો દરિયો ધ્રાણેન્દ્રિયમાં ભરતા હોઈએ ત્યાંથી જ સાંપ કરડે! દરેક મનુષ્યની સાથે આપણે અલગ અલગ રીતે વર્તીએ છીએ. પહેલા સુખના દિવસો છે અને પછી દુ:ખના દિવસો છે. જીવનની તડકી અને છાંયડી આ જ છે. જુઓ તો ખરાં, લલિત પ્રેમી મનુષ્યએ પણ જીવનને તડકા અને છાયા સાથે સરખાવ્યું છે.
કોઈ વસ્તુની કિંમત અને તેનો નિર્વ્યાજ પ્રેમ તો તેની ગેરહાજરીમાં જ સમજાય છે. લુપ્તતાની કગાર પર આવી ગયેલું જાનવર આપણને વ્હાલું લાગવા માંડે છે. રોજબરોજ જેને ટોકીએ છીએ તેને અકસ્માતે કોઈ જીવલેણ બીમારી સામે આવે તો આપણી આંખોમાં તેના માટે કાયમી વસતો ધગધગતો લાવારસ ઠંડો પડી જાય છે. હવે કેટલા દિવસ? પ્રકૃતિપ્રેમીઓને કપાયેલું ઝાડનું થળીયું વિષાદગ્રસ્ત બનાવી દે છે. ગમતું પાત્ર ચાલ્યું જાય ત્યારે તેની અનુપસ્થિતિ એટલે જ કેટલાક લોકો બરદાસ્ત નથી કરી શકતા હોતા. એ ખૂદને પણ ધીમે ધીમે મારવા લાગે છે.
મનુષ્ય અતીતરાગમાં જીવનારું પ્રાણી છે. આજના દિવસ કરતા તેને ગઈકાલનો દિવસ, આ વર્ષ કરતા તેને બે વર્ષ પૂર્વેનો માહોલ, યુવાની કરતા તેને બાળપણ અને, ઘડપણ સમયે તેને યુવાની અને બચપણનું સ્મરણ આવ્યા રાખે છે. એરિસ્ટોટલે કહ્યું છે કે માનવી એક સામાજિક પ્રાણી છે, કારણ કે તે અન્ય માનવીઓ સાથે સામાજિક સંબંધો ધરાવે છે, સ્વીકારે છે અને તેને અનુરૂપ બને છે. આ વાત વિગતે આપણે ભણ્યા પણ છીએ. પણ જો એરિસ્ટોટલ આજની સ્થિતિ જુએ તો વ્યાખ્યામાં પરિવર્તન આણે. માણસ ઓનલાઈન સામાજિક પ્રાણી છે. એને કંકોત્રીઓ પણ વોટ્સએપ પર મળવા લાગી છે. લગ્નમાં ન જવું હોય તો વધાવાનું ઘરે બેસી પેટીએમ કરી નાખે છે. રૂબરૂ કરતા વીડિયોકોલનું પ્રમાણ વધ્યું છે. કોરોના પહેલા ઓનલાઈનની સૃષ્ટીએ આપણામાં ક્યારની સામાજિક દૂરતા કેળવી દીધી છે. બાપળા કોરોનાને તો ખોટેખોટો આપણે આપણી માનસિક અદાલતમાં ઉભો કરી દીધો છે અને સ્થિતિ માટે તેને દોષિત ઠેરવી રહ્યા છીએ.
ચાલો, આ લખાય છે ત્યારે કૂણો તડકો બારી બહારથી ઝરમર ઝરમર વરસી રહ્યો છે. એ ખડકીમાં બાંધેલો અને ક્યારનો હાઉં હાઉં કરી રહેલો કૂતરો પણ સૂર્યના મનોરમ સ્પર્શથી શાંત થઈ ગયો છે. પશ્ચિમમાંથી ઉગેલો સૂર્ય રજા પરથી પાછો આવી મંથર ગતિએ નોકરી પર લાગ્યો છે. ભીની અને પોચીપોચી થઈ ગયેલી જમીનની અંદર પાણીનો પ્રવેશ થાય છે. ઠંડા પડી ગયેલા બેઉં હાથોમાં બે દિવસથી વ્યાપી ગયેલી નિર્જનતાએ આજે બરછટતાનો અહેસાસ કર્યો. શરીરની આળસ કૂતરાના પટ પટ પટ થતાં કાનની જેમ ખંખેરાય છે. પીઠ પાછળના ટચાકિયાં ફૂટે છે. ઉગેલા સૂર્યમાંથી ધ્વનિનું પણ સર્જન થયું છે. બે દિવસ ઠંડી અને વરસાદના કારણે ઘરમાં આશરો લેનારાઓ પણ સૂર્યની સામે વૃક્ષની જેમ ટટ્ટાર ખડા થઈ ગયા છે. મ્લાન ચેહેરે વૃક્ષો સૂર્યની ઉલટ તપાસ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત