Homeતાપણુંગુજરાત કોંગ્રેસને મળ્યા નવા સુકાની, જગદીશ ઠાકોર બન્યા નવા પ્રદેશ પ્રમુખ

ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા સુકાની, જગદીશ ઠાકોર બન્યા નવા પ્રદેશ પ્રમુખ

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા સુકાની મળી ગયા છે. આખરે એ નામની જાહેરાત કરી દેવામાં આવી છે જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના પદે નવી નિમણૂક અંગે અનેક અટકળો ચાલી રહી હતી. આ અટકળોનો આજે અંત આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રમુખ મળી ગયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. તેમના નામની સત્તાવાર જાહેરાત હાઈકમાન્ડ દ્વારા કરી દેવામાં આવી છે. જ્યારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું નામ નક્કી છે જેની સત્તાવાર જાહેરાત આજે સાંજે કરી દેવામાં આવશે.

જગદીશ ઠાકોરના નામની જાહેરાત થતાં જ અમિત ચાવડા સહિતના નેતાઓએ જગદીશ ઠાકોરને શુભકામના પાઠવી હતી અને આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડવાની હાકલ કરી હતી.

કોણ છે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ ?

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો છે. તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે. જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

કોણ છે સુખરામ રાઠવા?

ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પંસદગી કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા છે. જયારે વર્ષ 2012 અને 2017માં પાવી જેતપુર બેઠકથી ચૂંટણી લડ્યા હતા. પાવી જેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જયંતિ રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતથી ભાજપના જયંતિ રાઠવા સામે જીત મેળવી હતી. સુખરામ રાઠવા વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. જેમા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી. પરંતુ અંતે જૂથવાદને બાજુએ મૂકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવાનું નક્કી કર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments