ઝાલાવાડી જલજીરા: એક દિવાના થા. આ ફિલ્મ જે તમિલ ફિલ્મની રિમેક છે, તેનું નામ અહીં લખવા માટે ખાસ તમિલ વ્યક્તિને ગુજરાતી આવડવું જરૂરી બની જાય છે. જો તે તમિલ ફિલ્મનું નામ કોઇ એવી વ્યક્તિ બોલે જેને છેલ્લા એક અઠવાડિયાથી દાંતની સમસ્યા હોય, તો ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લીધા વિના તેના તમામ દાંત પડી જાય. ગૌતમ મેનને એક જ લવસ્ટોરીને ત્રિવિધ ભાષામાં બનાવી. તેમનું ચાલેત તો તેઓ ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મ પોતે જ ડિરેક્ટ કરી નાખેત.
એકવાર તમિલમાં, એકવાર તેલુગુમાં અને પછી રહી રહીને હિન્દીમાં પ્રતીક બબ્બરને લઇ બનાવી. જાને તુ યા જાનેના ફિલ્મમાં જેનેલિયા ડિ સુઝાના ભાઇનો રોલ કરી પ્રતીક બબ્બરે ફિલ્મ ક્રિટિકોને કહી દીધું હતું કે હું સ્મિતા પાટીલનો દિકરો છું. પણ એક ફિલ્મથી કંઇ અભિનયની યોગ્યતા મપાઇ નથી જતી. તેમ આ ફિલ્મમાં પ્રતીકે એક્ટિંગ માત્ર નામની કરી. પ્રણયના ફાગ જે તેના ચહેરા પર ખીલવા જોઇએ તે ક્યાંય દેખાઇ નહોતા રહ્યા. હા, વિરહમાં આશિક કેવો તડપે છે તેનું આબેહૂબ વર્ણન તેણે ઓડિયન્સ સામે પીરસી દીધેલું. પણ અભિનયમાં બેલેન્સ ન રહ્યો. કોમલ નાટાએ આ ફિલ્મ રિલીઝ થવાની હતી એ પહેલા કહેલું કે, ‘એક ફિલ્મ આવી રહી છે તેના ગીતો ઓડિયન્સને ખૂબ પસંદ આવશે.’ ફિલ્મનો આલ્બમ લોંચ થયો અને તેના હોસાના ગીત પર તો ઠેર ઠેર નોકિયાની રિંગટોન સેટ કરી એક સમયે આખું જગત આળોટતું હતું. તો કેવી હતી ફિલ્મની કહાની.
ફિલ્મની વાર્તા શરૂ થાય છે સચિનથી. તે ક્રિકેટર નથી, પણ ક્રિકેટ રમવાનો તેને શોખ છે. કરિયર ફિલ્મોમાં બનાવવી છે. રમેશ સીપ્પીની ફિલ્મમાં તે આસિસ્ટંન્ટ ડિરેક્ટર છે. જેની પાછળનું કારણ છે સિનેમેટોગ્રાફર અનય (મનુ રુશી). સચિનના પિતા મિસ્ટર કુલકર્ણી એટલે કે સચિન કેડકરને લાગે છે દીકરો કંઇ નથી કરી રહ્યો. જોકે તે નામ માત્રની મેકેનિકલ એન્જિનિયરીંગ પણ કરી ચૂક્યો છે. સચિન કહે છે લાઇફ કી વાટ લગી હુવીથી ઓર ફિર વો દીખી અને ફિલ્મમાં એન્ટ્રી થાય છે જેસ્સીની. જે મલયાલમ ક્રિશ્ચન છે અને નોકરી પણ કરે છે !! ગેટ પાસે ઊભા ઊભા જ સચિનને જેસ્સી સાથે પ્રેમ થઇ જાય છે. જેસ્સીને મેળવવા માટે સચિન ધમપછાડા કરે છે, પણ કંઇ હાથ નથી આવતું. જેસ્સીની બહેને પણ બીજા ધર્મના છોકરા સાથે લગ્ન કરેલા ત્યારે પરિવાર કોપાયમાન થયો હતો ત્યારે આ તો મરાઠી બ્રાહ્મણ છે. ફિલ્મમાં ટર્ન અને ટ્વીસ્ટ આવતા જેસ્સીના ક્રિશ્ચન વિધિથી લગ્ન થવાના છે, પરંતુ ત્યાં જેસ્સી ના કહી દે છે. હવે સચિન અને જેસ્સીની લવસ્ટોરી તેનો વિરહ અને ગીતો શરૂ થાય છે. અંત તમિલ ફિલ્મથી અલગ છે પહેલા તમિલ અને પછી હિન્દી વર્ઝન જોશો તો ડાયરેક્ટરનો વ્યૂ ક્લિઅર થઇ જશે. ફિલ્મ હિંમતથી જોવી! ખાસ તો એમણે જે લોકો પ્રેમમાં પડવા તલપાપડ હોય છે.
તમિલ,તેલુગુ અને હિન્દી ફિલ્મના ડાયરેક્ટર ગૌતમ વાસુદેવ મેનન છે. ડાયરેક્ટરે પોતાની સૂઝબૂઝથી ફિલ્મ બનાવી છે તે માનવું પડશે. પ્રેમ કહાનીઓને પડદે ઉતારવામાં તેમનો અનુભવ બેજોડ છે. એ ખૂદ એન્જિનિયર રહી ચૂક્યા છે અને તમિલમાં મિન્નલે અને હિન્દીમાં તેની રિમેક રહેના હૈ તેરે દિલ મેં બનાવી ચૂક્યા છે. 22 વર્ષનો છોકરો પોતાનાથી મોટી ઉંમરની છોકરીના પ્રેમમાં પડે ત્યારે તેની મનોવૈજ્ઞાનિક સ્થિતિ કેવી હોય? મુગ્ધાવસ્થામાં જ્યારે યુવાનનું હૈયુ કંઇ પણ કરી છૂટવા માટેની આગ લઇ રખડતું હોય, છોકરીની પાછળ લટ્ટુ થઇ આટા મારવા, તેની સાથે વાતો કરવાના યેનકેન પ્રયત્નો કરવા. જે નવા પ્રેમીમાં દેખાઇ તે બધુ ડાયરેક્ટરે ફિલ્મમાં ઠાંસી ઠાંસીને ભરી દીધું છે. કદાચ ડાયરેક્ટર સાથે કે તેની સામે જ આવી ઘટના બની હોય તે કહેવામાં મને રતીભાર પણ અતિશ્યોક્તિ નથી લાગતી.
મુંબઇ છે તેવું જ બતાવ્યું છે પણ કેરળના કુદરતી સોંદર્યને બતાવવા માટે સિનેમેટોગ્રાફર એમ.એસ.પ્રભૂને સેલ્યુટ મારવું પડે. પટકથા પણ ડાયરેક્ટરે લખી હોવાથી આ ફિલ્મ રિજનલ સિનેમા તમિલ અને તેલુગુમાં હિટ થઇ શકે, હિન્દીમાં બિલ્કુલ નહીં. કારણ કે ઇમ્તિયાઝ અલીની ફિલ્મોની માફક પ્રેમ થવો-છૂંટુ પડવું અને ફરી પ્રેમ થવાની ડાયરેક્ટરની ફિલોસોફી થીએટરમાં જ્યારે સચિન ફિલ્મ જોઇ રહ્યો હોય છે ત્યારે ફિલ્મમાં કંઇ છે જ નહીંના સંવાદ જેવી છે.
એક પણ કલાકારના ચહેરા પર એક્સપ્રેશન ન હોય તેવી આ પહેલી રિમેક હશે. સૌંદર્ય સમ્રાજ્ઞી એમી જેક્સન હીરોઇન કરતા મેડમ તુષાદ મ્યુઝિયમનું પૂતળું વધારે લાગે. અભિનયમાં પ્રતીક બબ્બર નાદાનીયા કર્યા કરે. ભાવી સસુરો સાસુ વહુની સિરીયલોની જેમ લડ્યા કરે. જેસ્સીનો ભાઇ તેની મર્દાનગી બતાવ્યા કરે અને બહેન ભાઇ સચિનને સમજાવ્યા કરે. ટીપીકલી ઘરમાં જે રોજબરોજની ક્રિયા થતી હોય અને પરિવારના લોકોના ચહેરા પર હાવભાવ હોય તેવા જ હાવભાવ અહીં ફિલ્મના કલાકારોના ચહેરા પર છે. પરંતુ ફિલ્મમાં જીવ નાખ્યો છે અનય સરે. મનુ રુશીએ અનય સર નામના સિનેમેટોગ્રાફરના રોલમાં જીવ રેડી દીધો છે. તેની એક્ટિંગ જુઓ, તેની સેન્સ ઓફ હ્યુમર, તેની પંચલાઇન ફટકારવાની ટાઇમિંગ. અદભુત. ફિલ્મ કોઇ માટે તમારે જોવી હોય તો સચિનના મિત્રના રોલમાં સિનેમેટોગ્રાફર કમ પ્રેમ માટે પીટાઇ ભોગવનારા મિત્ર અનય સર માટે જોવી. મનુનો રોલ દરેક પ્રેમમાં પડેલા આશિકના મિત્રને અર્જુન વિષાદયોગ થયો હોય તેના જેવો છે.
ફિલ્મના કલાકારોની એક્ટિંગ તો સૂરસૂરિયુ થઇ ગયેલા ફટાકડા જેવી છે. જેનો ઉપર આપણે અભ્યાસ કર્યો. પણ ફિલ્મના કેટલાક ડાઇલોગમાં સત્યતા છે. જેવા કે, ભારતમાં ક્રિકેટ અને ફિલ્મ સિવાય છે શું? અમારા ઉત્તર પ્રદેશમાં તો પત્ની મોટી જ હોય, કારણ શું કે, પ્રેમ કરવામાં મઝા આવે, અરે સચિન તારે કહેવું તો જોઇએને તું જેસ્સીને પ્રેમ કરે છે, હું થોડો રોકાઇ જાત (પિતાનો સચિન તરફ ઢળેલો વ્યવહાર). ફિલ્મના એક ડાઇલોગમાં બોલિવુડ ફિલ્મોની સરસ ઠેકડી ઉડાવી છે. જેસ્સીના વકીલ પિતાને ફિલ્મોમાં રસ નથી. તેમને એટલી ખબર છે કે છેલ્લી ફિલ્મ શોલે બની હતી. એટલે કે શોલે પછી કોઇ ફિલ્મ બની જ નથી. સચિન તેને પૂછે છે, ‘સર તમારી હાઇટ કેટલી ?’ સામેથી જવાબ મળે છે છ ફૂટ ત્રણ ઇંચ ત્યારે સચિન કહે છે, ‘સેમ અમિતાભ બચ્ચન.’ જેસ્સીના પિતા પૂછે છે, ‘કોણ અમિતાભ બચ્ચન?’ તેનો અર્થ સાફ સરે છે કે સાઉથ ફિલ્મોની સામાન્ય જનતાને પણ પોતાની ફિલ્મો પ્રત્યે લાગણી છે, પરંતુ તેમને બોલિવુડ જેવી મેઇનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રી પ્રત્યે જરાં પણ પ્રેમ નથી. દક્ષિણ જ્યાં ફિલ્મો જ સર્વસ્વ છે ત્યાં આ વ્યક્તિ જન્મી કેવી રીતે ગયો? દર્શક તરીકે આ સવાલ ન થાય તો તમે સિનેમાપ્રેમી ન ગણાવ.

ફિલ્મનું સંગીત સાંભળવું. દિલ ખુશ થઇ જશે. એ.આર.રહેમાને એ વર્ષે બે ફિલ્મો માટે સંગીત આપેલા. એક તો એક દિવાના થાનું 2010થી જમા હતું અને બીજુ રોકસ્ટાર. જો એક દિવાના થાનું તેમણે ફ્રેશ પણ આવું જ સંગીત આપ્યું હોત, તો તમામ એવોર્ડ રહેમાનની એક દિવાના થા ફિલ્મના નામે જ હોત. રહેમાનની એ છેલ્લી ફિલ્મ હતી જેના બધા ગીતો કર્ણપ્રિય હતા. એક જ લીટીમાં કહેવું હોય તો, ફિલ્મનું સંગીત તમારા પહેલા પ્રેમને જીવંત કરી દેશે. એટલે ફિલ્મમાં જે છે તે સંગીત જ છે. બાકી ફિલ્મ જોવા માટે હિંમત એકઠી કરી રાખવી.
આ ફિલ્મને લઈ મેં આટલી બધી વાત કરી, તેને કેટલીક જગ્યાએ ખરાબ રીતે ઉતારી પણ પાડી, તોપણ આ ફિલ્મ મારા હ્રદયની નજીક છે. એવું લાગે છે કે કોઈએ મારી જ વાર્તા, મારી પાસેથી શાંતિથી સાંભળી અહીં કહી દીધી છે. અડધે સુધી તો મને બિલકુલ હું જ લાગ્યો. આવું કંઈ હું મારા માટે નથી કહી રહ્યો. દરેક 18-22 વર્ષના જુવાનિયાની છાતીમાં જે પ્રેમનું સૂરજમુખી ઉગે, એ બધા છોકરાઓની આ વાર્તા છે. આ વાર્તાનું સર્જન જ એ માટે થયું છે. ગૌતમ વાસુદેવ મેનનનો આ ફિલ્મ માટે અને રહેમાનનો સંગીત માટે જીવીશ ત્યાં સુધી આભારી રહીશ. મને પ્રેમ આટલો સરળ રીતે કોઈ ફિલ્મે નથી સમજાવ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
