Team Chabuk-Literature : પીયૂષ મિશ્રા નામના ભારતના એક જાણીતા સંગીત નિર્દેશક, ગાયક, અભિનેતા, નાટ્ય કલાકાર, કવિ અને લેખક છે. બહુમુખી પ્રતિભાના ધની છે. આ રીતે ન ઓળખો તો ગેંગ્સ ઓફ વસેપુરમાં જે નેરેટરની ભૂમિકા ભજવે છે તે વિરલો. આ અભિનેતા કમ કવિના ભાષણો સાંભળો તો તે વારંવાર પ્રેમને લઈ ઉટપટાંગ વાતો કરતાં રહે છે. એવી વાતો જે આજે કોઈને ગમે નહિ. એવી વાતો જે આજે કરવામાં કોઈ સમય વેડફે નહીં.
પીયૂષજી જે વાત કરે છે એ પ્રેમપત્રની છે. એ કહે છે કે પ્રેમિકાને પોતાના પ્રેમનો પરિચય આપવા માટે, હ્રદયની વાત કહેવા માટે, એ જમાનામાં લોહીથી પત્ર લખવામાં આવતા હતા. અને એ લોહી ભરેલા પત્રમાં લોહી ખૂદનું નહિ, પણ કોઈ ચિકન-મટનની દુકાને જઈ લઈ આવવામાં આવતું હતું.
પ્રેમિકા આ વાતથી પ્રભાવિત થઈ જતી હતી. ગુલાબની જેમ ઢળી જતી હતી. કોઈ કોઈ વાર તો લોહી જોઈને ખૂદ પણ પડી જતી હતી. એ સિવાયનો એક કીમિયો એવો હતો કે પતંગમાં પ્રેમપત્ર ભરાવીને પ્રેમિકાની છતમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. સૌથી મોટું રિસ્ક આમાં હતું. જો પ્રેમિકા પત્ર ન વાંચે અને કોઈ બીજાના હાથમાં પતંગ આવી જાય તો આખા મહોલ્લામાં હેન્ડ રાઈટિંગ મેચ કરવામાં આવતી હતી અને છોકરાઓ એ વખતે જ કહેતા હતા, ‘માસ્તરજી તો અમને હજુ લખતા નથી આવડતું એટલે મારે છે. અમે આવું સાહસ ન કરીએ.’
વાત અહીંથી શરૂ કરીએ. એ પ્રેમપત્રના જમાના ચાલ્યા ગયા છે. ગુજરાતમાંથી તો કોઈ સાહિત્યકારને જ્યારે કોઈ ભાવક પત્ર લખે છે તો તે હસીનો માર્યો સોશિયલ મીડિયામાં એ પત્ર અપલોડ કરી કેપ્શનમાં લખે છે કે, ‘ઈમેલ અને વોટ્સએપના સમયમાં આપને કોઈ વાચક પત્ર લખે ત્યારે કેવું લાગે ?’
મરીઝને વાંચવાનો આરંભ પ્રેમ માટે થાય છે. મરીઝનો પરિચય અગિયારમાં ધોરણમાં થવો કેટલાક પ્રેમ રસિકો માટે સ્વાભાવિક છે. સહજ છે. એની ગઝલ ભલે પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતી, પણ સરકાર પણ સચેત છે કે કવિની પ્રેમ ભરેલી ગઝલની જગ્યાએ કોઈ ઈશ્વરને યાદ કરતી ગઝલ મૂકવી જેથી છોકરાઓ અત્યારથી મરીઝના પ્રેમમાં ન પડી જાય!! સોરી ટુ સે સામેની બેન્ચની મુનમુનના પ્રેમમાં ઢળી ન જાય. આ તો ઉંમર જ એવી છે અને ઉપરથી મરીઝની ગઝલનો મરી મસાલો !!
દસ દસ રૂપિયાની શાયરીઓની ચોપડીઓ આવતી હતી. કાળા કલરના પાના. આજે અકિલા ન્યૂઝ પેપર આવે છે એ પ્રકારના કાગળ રહેતા હતા. તેમાં ખબર નહીં ક્યાં ક્યાંથી શાયરીઓ લખેલી આવતી હતી. કોણ લખતું હતું એ શાયરીઓ ? એ શાયરીઓ લખનાર પણ બિચારો મસ્તરામની જેમ ગાયબ થઈ ગયો. ગુજરાતી ફિલ્મો બનાવનારને આવા વિષયો કેમ સૂઝતા નથી ?
જો સાહિત્ય પ્રત્યેની જરા અમથી પણ સમજ હોય, અથવા તો કોઈ સાહિત્ય વાંચતો સમજદાર મિત્ર હોય, તો સ્વાભાવિક છે એ છોકરો પોતાની પ્રિયતમાને એ વીસ રૂપિયાની ચોપડીમાંથી બઢાંતરી કરેલી શાયરીઓ વંચાવવાની જગ્યાએ મરીઝની શાયરીઓ વંચાવે. એક સમજદાર મિત્ર હોવો ફરજીયાત છે.
મરીઝ ઈશ્કના શાયર છે. કોઈ પ્રકૃતિના શાયર હોય, કોઈ સોનલના શાયર હોય, કોઈ ઘાયલના શાયર હોય, બસ, એવી જ રીતે મરીઝ ઈશ્કના શાયર છે. પ્રેમિકા મરીઝની શાયરી વાંચીને તો અભિભૂત થઈ જાય. પ્રેમ તેનો પરવાને ચડે.
હું શું કઉં અગાશીમાંથી પતંગ ચગાવો. પતંગમાં એક પ્રેમ પત્ર રાખો. પ્રેમ પત્રમાં મરીઝની શાયરી લખો. તેને પ્રેમિકાની અગાશી પર નાખો અને પ્રેમિકાનાં હાથમાં તે પતંગ આવે અને તે વાંચે અને ખુશ થાય તો એ સફળતા કોની ગણવાની ? મરીઝની. એ કારીગરી તમે ક્યાં કરી છે. તમે તો બસ નીચે મરીઝનું નામ નથી લખ્યું. પીયૂષ મિશ્રાની વાત હવે તો સાચી લાગી કે નહીં ? વોટ્સએપ અને ફેસબુક એ સમયમાં પણ હતું. જ્યારે શાયરોના નીચેથી નામ કાઢી નાખવામાં આવતા હતા અને પ્રેમની અભિવ્યક્તિ કરાતી હતી.
મરીઝનું નીચેથી નામ હટાવી તમે પ્રેમની જંગ એટલે જીતી જાવ છો કે સામેના પાત્ર એટલે કે છોકરીને મરીઝ વિશેની ખબર નથી. આજેય સ્થિતિ કંઈ બદલી નથી. મરીઝની શાયરીઓ વિશે છોકરાઓને જેટલી ખબર હોય છે. યાદ હોય છે. એટલી છોકરીઓને નથી હોતી. ઘણા છોકરાઓ આ કારણે જ મરીઝની શાયરી ફટકારી પ્રિયતમાનું હ્રદય જીતી જાય છે. છોકરીઓને ખબર હોય તો કહી દે, ‘તને કંઈ આવડે છે કે બસ મરીઝની ઉઠાવેલી શાયરીઓ જ ફટકાર્યા રાખે છે?’ ઓહ મને અહીં માફી માગી લેવા દો. તમામ છોકરીઓ આવી નથી હોતી. કેટલીકને તો મરીઝની શાયરીઓ કડકડાટ હોય છે. પણ એવી કેટલી ? છોકરાઓને ન ગમે એટલી ?
જોકે સાચા મરીઝની શરૂઆત સંબંધના તૂટ્યા પછી જ થાય છે. મરીઝની શાયરીઓમાં પ્રિયતમાનું કે પ્રેમીનાં ભેદી મૌન રહેવાની વાતો ખૂબ આવે છે. મરીઝની શાયરીઓમાં પ્રિયતમા સામે ખીલી ન શકવાની વાત છે. એ પ્રેમની ઘટનાઓને ક્રિટીકની જેમ વખોડી કાઢે છે.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
બીજું તો શું કહેવું. આવું તો ઘણું બધું છે. સમગ્ર મરીઝમાં. કવિએ કવિએ. વિવેચને વિવેચને. વ્યક્તિએ વ્યક્તિએ અલગ આસ્વાદ મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત