Homeતાપણુંભાજપમાં હાર્દિક સ્વાગતઃ સત્તા પક્ષ સામેની લડાઈથી શરૂ થયેલી હાર્દિકની સફર સત્તાધારી...

ભાજપમાં હાર્દિક સ્વાગતઃ સત્તા પક્ષ સામેની લડાઈથી શરૂ થયેલી હાર્દિકની સફર સત્તાધારી પક્ષ સુધી પહોંચી

Team Chabuk-Political Desk: પાટીદાર નેતા, ત્યારબાદ કોંગ્રેસના નેતા અને હવે ભાજપના નેતા. પાટીદાર અનામત આંદોલનથી શરૂ થયેલી હાર્દિક પટેલની સફર હવે સત્તા પક્ષ ભાજપ સુધી પહોંચી ગઈ છે. સત્તા સામે રણશિંગુ ફૂંકનાર હાર્દિક પટેલ હવે સત્તા પક્ષ સાથે બેસી ગયો છે. હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છે. હાર્દિક પટેલની આગતા સ્વાગતા કરવા માટે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ખાસ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં હાર્દિક પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. હાર્દિક પટેલને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેસરિયો ખેસ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેસરી ટોપી પહેરાવીને પક્ષમાં આવકાર્યો છે. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ વખતે નૌતમ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા અને હાર્દિકને તિલક કર્યું હતું.

હાર્દિક પટેલના ભાજપ આગમન માટે પ્રદેશ કાર્યાલય કમલમના ગાર્ડન એરિયામાં ખાસ મંડપ બાંધવામાં આવ્યો હતો અને સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

ભાજપમાં જોડાતા પૂર્વે હાર્દિક પટેલે સવારે તેનાં નિવાસસ્થાને દુર્ગાપાઠ પૂજન કર્યું હતું. ત્યારબાદ એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. ત્યારબાદ કોબાથી કમલમ સુધી રોડ શો યોજ્યો હતો.

ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ક્યારેય લોકોની ભાવના સાથે ઉભા રહ્યા નથી. આંદોલનમાં અનેક ચડાવ-ઉતાર જોયા. આંદોલન બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સવર્ણોને 10 ટકા ઈબીસી આપ્યું છે. દરેકની ઈચ્છા હોય છે કે તે રાષ્ટ્રહિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદેથી રાજીનામું આપ્યું છે. રામસેતુ બનાવતી વખતે ખિસકોલીએ જે ભૂમિકા ભજવી હતી તેમ પક્ષમાં હું નાનો કાર્યકર બનીને કામ કરીશ. ભાજપના કાર્યકરો સાથે ખભેખભો મિલાવીને કામ કરીશ. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ રામ મંદિર બનાવવાની વાત હોય કે પછી 370 જેવા અનેક કાર્યોની પ્રશંસા કરતો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments