Homeવિશેષકોરોના પર નિબંધ લખનારાઓનો એટલો મોટો રાફડો ફાટ્યો કે ઉધઈનો રાફડો હવે...

કોરોના પર નિબંધ લખનારાઓનો એટલો મોટો રાફડો ફાટ્યો કે ઉધઈનો રાફડો હવે બીજા ક્રમે છે

Team Chabuk : ઉમાશંકર જોશીનું એક ઉપનામ વાસુકી પણ છે. આ લેખક હયાત હશે ત્યારે તેમના ઉપનામને વાંચીને જ તેમની કોઈ કૃતિની ટીકા નહીં કરતું હોય! જોકે આજ એમના ચરિત્રની નહીં પણ નિબંધના પુસ્તક ગોષ્ઠની થોડી વાત કરવી છે. તેમના ગોષ્ઠી પુસ્તકની પ્રસ્તાવનામાં ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ લખનારા નર્મદનું વિધાન ટાંકેલું છે કે, ‘નિબંધ લખવા જેવી તેવી વાત નથી.’ આજે નર્મદ જીવતા હોત તો કહી બેસેત કે, નિબંધ તો ગમે તેવા લબરમૂછીયા માટે લખી કાઢવા જેવી વાત છે.

નિબંધ સંગ્રહનું નામ ગોષ્ઠી હોવા પાછળનો એકરાર ખૂદ ઉમાશંકર કરે છે. આ પુસ્તકમાં તેઓ નોંધે છે કે, અહીં સંભાષણ એટલે કે વાતચીતના તત્વ પર ભાર મુકાયો હોવાના કારણે તેને ગોષ્ઠી એવું નામ આપવામાં આવ્યું છે.

વડોદરામાં રેડિયો સ્ટેશન શરૂ થયું ત્યારે ઉમાશંકર પાસેથી વાર્તાલાપની રેડિયો સ્ટેશનના લોકોએ માંગણી કરી. આ પ્રોગ્રામનું નામ પૂછ્યું, પણ રેડિયોવાળા આપી ન શક્યા એટલે સરળતાના હેતુ સહ ઉમાશંકરે ખૂદ જ વાર્તાલાપ નામ આપી દીધું. આપણે દૂરનું વિચારીએ છીએ નજીકનું નથી વિચારતા. આ જ તો સાહિત્યમાં રહેલી સરળતા કહેવાય. એ વખતે પરદેશમાં વસતા હિંદીભાષી લોકો માટે તેમણે ‘અમદાવાદ’ આ વિષય પર વ્યાખ્યાન આપેલું.  જે દિલ્હી રેડિયો માટે આપવામાં આવેલું હતું. અમદાવાદ વિશેનું આ વ્યાખ્યાન સાંભળ્યા પછી તેમને કોઈનો નનામો પત્ર મળ્યો. જેને તેમણે લેખક થવા બદલ મળેલી એક મોંઘી સંપ્રાપ્તિ તરીકે આલેખી છે.

આપણે ત્યાં ઉમાશંકર જોશી કવિતાઓના કારણે અને ખાસ તો તેમને નિશીથ માટે મળેલા જ્ઞાનપીઠ એવોર્ડના કારણે ખૂબ નામના પામેલા. નિશીથના કારણે જ નવી પેઢીમાં તેમની વાર્તાકળા અને નિબંધકળા જે યાદ રાખવા જેવી હોવા છતાં ક્યાંક ખોવાઈ ગઈ છે.

કોઈ પુસ્તકની દુકાને પણ તેમના બીજા પુસ્તકો શોધતા વાર નથી લાગતી એટલી વાર તેમનો નિબંધ સંગ્રહ શોધતા લાગે છે. ખાસ પુસ્તક ખરીદવા આવનારને તો નથી જ મળતો પણ જેની દુકાન હોય છે એ પણ નથી કહી શકતો કે ઉમાભાઈનો નિબંધસંગ્રહ અમારે ત્યાં નથી.

એ ન હોવા છતાં ઉપરના માળે ચડી શા માટે શોધવાનો પ્રયત્ન કરતો હશે તેના વિશે પણ એક હાસ્યપ્રધાન નિબંધ લખાવો જોઈએ. જોકે આપણે ત્યાં હાલ કોરોના પર જેટલા નિબંધો લખાય છે અને જીવન કેટલું કિંમતી છે આ વિશેની પ્રેરણાત્મક વાતો થાય છે તેટલી વાતો બીજા નિબંધો વિશે નથી થતી.

માની લો કે કોરોના પર હાલ ફેસબુકમાં લખાતા અગણિત નિબંધોનું પુસ્તક બને ત્યારે દુકાનદાર માટે નોનવેજ દુકાનના ઓર્ડર લેવા જેવી કડવી મૂંઝવણ ઊભી થાય. ચીકન ટીક્કા, ચીકન મસાલા, ચીકન કરીની જેમ બોલવું પડે, ફલાણા લેખકનું કોરોના, ઢીંકણા લેખકનું કોરોના, ડાબા લેખકનું કોરોના જમણા લેખકનું કોરોના અને….

સોશિયલ મીડિયા પર નીતનવા નિબંધ ફરતા રહે છે. આ નિબંધોમાંથી તમારા કે મારા કામના એક પણ નિબંધ નથી. આમાંથી ઘણા ખરા નિબંધો તો લાઈકો વધારવા માટે જ રહેલા છે.

હમણાં કોરોનાકાળની કવિતાઓ પણ આવી. કવિઓને પ્રેરણાનું ઝરણું ફૂટતા વાર ન લાગ્યું. ઉપરથી કેટલાક લોકો તો એમ વિચારી રહ્યા હતાં કે; ચોમાસા સિવાય કોઈ રોગ આવે ત્યારે પણ કવિની અંદરનો આત્મા તુરંત જાગૃત થઈ જતો હોય છે. કોરોના પર બીજું કોઈ સાહિત્ય લખાય કે ન લખાય પણ કવિતાઓ તુરંત લખાઈ ગઈ અને કવિતાઓ પછી નિબંધો ફટાફટ લખાતા થઈ ગયા.

એક લેખક તો તંત્રીને ત્યાં કોરોના પર લખેલી મહાનવલ લઈને આવ્યા હતા. તંત્રીએ તેમને એમ કહી જાકારો આપ્યો કે, આ પૂરી થઈ જશે ત્યાં સુધીમાં તો કોરોનાની વેક્સિન આવી જશે!!

સોશિયલ મીડિયામાં અને કેટલાક સામાયિકોમાં પણ કોરોનાના એટલા બધા નિબંધો સામે આવી ગયા છે કે આ પૂર્વે આવેલા રોગો લાચારીનો અનુભવ કરી રહ્યા હશે. તેમના મતે અમારા સમયે ફેસબુક હોત તો શક્ય છે અમારા પર પણ આટલું લખાયું હોત. અમારા પત્રકારત્વ જગતને તો સુત્રો તરફથી એ પણ માહિતી મળી છે કે, ડેન્ગ્યુ અને મલેરિયા પર નિબંધો ન લખીને તેમની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. જેથી તેઓ કોરોના વિરૂદ્ધ મહાગઠબંધન કરશે.

કોરોના પર નિબંધ લખવાનો ફાયદો એ રહે છે કે તાત્કાલિક લાઈકની માત્રામાં વધારો થઈ જાય છે. જે બીજા કોઈ વિષય પર થતો નથી. તમે ગમે તેવો સારો નિબંધ લખો તો પણ તે કોરોનાની તોલે તો નથી જ આવતો.

આ નિબંધો લખનારાઓ માટે ખાસ કોરોના એવોર્ડ પણ રાખવો જોઈએ. આગામી સમયમાં પ્રકાશકો આ સર્વે નિબંધો પ્રકાશિત કરશે અને તેમાંથી કોરોનાના સારા નિબંધો કયા ? એવું સંપાદન થશે, તો કોઈ એવોર્ડ તો હોવો જોઈએ ને ??

કોરોના બધાને દુ:ખ આપી ગયો છે. કોરોના નિબંધ સંગ્રહનો આ એવોર્ડ જ્યારે પણ એનાયત કરવામાં આવે ત્યારે એક દુ:ખદ સભાનું આયોજન કરવામાં આવે. આ આયોજનમાં જેને બે કે તેથી વધારે પત્ની હોય તેને સ્ટેજ પર ગીતો ગાવાની તક આપવામાં આવે. ભલે તેનો અવાજ ફાટેલા પાઈપ જેવો હોય.

આવા લોકો પાસે ગીત ગવડાવવા પાછળનું કારણ એ છે કે, લોકડાઉનમાં તે બે કે તેથી વધારે પત્નીઓની વચ્ચે રહ્યો હશે. ગીતમાં તેનું દર્દ બરાબરનું છલકાશે. શ્રોતાજનો પણ બે ઘડી વિલાપ કરી લેશે.  

હું તો કહું છું કોરોના પર ફેસબુકમાં નિબંધ લખનારાઓ માટે એક પણ સરકારી એવોર્ડ ન રાખવો જોઈએ. અન્યથા એવોર્ડની જાહેરાત થાય એ પહેલા જ બહિષ્કાર થઈ જશે. આ પાછળનું ચાબુક કારણ એ આપે છે કે, નોટબંધીમાં લાંબી લાઈનો લાગી હતી, કરફ્યુની આગલી રાતે કરિયાણું ખરીદવા લાંબી લાઈનો લાગી હતી, લગ્નની નોંધણી કરાવવા માટે લાંબી લાઈનો લાગી હતી, બસ એ રીતે જ એવોર્ડ મેળવવા માટે નામની નોંધણી કરાવવા કોરોના નિબંધવીરોએ પણ કતારમાં ઊભું રહેવાનું ? જો ત્યાં સુધીમાં કોરોના ચાલ્યો ગયો હશે તો આ લાંબી લાઈનો વિશે નાસા એક તસવીર પણ પ્રકાશિત કરી શકે છે.

કોરોના પર નિબંધ લખનારાઓનો જે રીતે રાફડો ફાટ્યો છે એ જોતા ઉધઈના રાફડા પર પણ હું ચિતા વ્યક્ત કરી રહ્યો છું. ઉધઈનો રાફડો હવે બીજા ક્રમે છે જ્યારે કોરોના પર નિબંધ લખનારાઓનો રાફડો પ્રથમ ક્રમે છે. ખાસ વન્યજીવો પણ આ વાતથી ચિંતામાં છે.

કોરોના પર લખાયેલા આ નિબંધ સંગ્રહો પ્રકાશિત થાય છે તો મોટી ચિંતા રહેવાની, કારણ કે પછી એકથી બે મહિના સુધી નિબંધો લખનારા લેખકો તેનું પ્રમોશન કરશે અને આ સમયે પણ પોતાના નિબંધ સંગ્રહમાંથી ચૂંટેલા એક બે ફકરાઓ ફેસબુક પર મુકશે. એ વખતે વિશ્વમાંથી તો કોરોના ચાલ્યો ગયો હશે, પણ ફેસબુકમાંથી કોરોનાને જતા નક્કી બેથી ત્રણ વર્ષ લાગશે.

ફેસબુકના કારણે હવે જેમ દર બીજા આઈડીમાં હું તો લેખક છું આવું લખેલું હોય છે તે સંખ્યા પણ કોરોનાના કારણે વધી ચૂકી છે. હવે તો દર બીજું નહીં. જે તે ગમે તે આઈડી પોતે લેખક જ બની ચૂક્યો છે.

સરકારે હવે કાયદો બનાવવો જોઈએ કે, કોણ લેખક ગણાશે અને કોણ લેખક નહીં ગણાય. સરકારે આ માટે એક ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ કે, જેનું પ્રથમ પુસ્તક કોરોના હશે તે તો લેખક નહીં જ ગણાય. આ માટેનું કારણ પણ સરકારે એ જ આપવું જોઈએ કે, કોરોના પર લખનારાઓ હવે પછી દસ વર્ષે કોઈ મહામારી આવે ત્યારે જ જાગૃત થશે. વચ્ચેના દસ વર્ષ તેઓ કુંભકર્ણ બની જશે.

સારું સાહિત્ય અનુભૂતિ વિના સર્જાતું નથી. તો પછી કોરોના થયા વિના આટલું બધું કેવી રીતે લખ્યું ? આની પણ તપાસ બેસાડશો તો તમારી જેવી તો એક પણ સરકાર નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments