લેખક – શરદ જોશી
અનુવાદક – Team Chabuk
તારા આવવાના ચોથા દિવસે વારંવાર એ પ્રશ્ન મારા મનમાં સળવળી રહ્યો છે કે તું ક્યારે જઈશ અતિથિ! તું ક્યારે મારા ઘરમાંથી બહાર નીકળીશ મહેમાન!
તું જે સોફા પર ટાંટીયા ફેલાવીને બેઠો છો, તેની બરાબર સામે એક કેલેન્ડર લાગેલું છે. જેની ફટાફટ ફરતી તારીખો હું તને રોજ બતાવીને બદલાવી રહ્યો છું. હા, મહેમાનગતિનો ચોથો દિવસ છે. પણ તારા જવાની તો કોઈ સંભાવના નજર નથી આવતી. લાખો કિલોમીટર લાંબી યાત્રા કરીને એસ્ટ્રોનોટ્સ પણ ચંદ્ર પર એટલા નથી રોકાતા જેટલો તું રોકા છો. એમણે પણ ચંદ્રની એટલી માટી નથી ખોદી જેટલી તું મારી ખોદી રહ્યો છો. શું તને તારું ઘર યાદ નથી આવતું ? કે તને તારી માટી નથી બોલાવતી ?
જે દિવસે તું આવ્યો હતો. અંદર ને અંદર મારું પાકિટ ધ્રૂજી રહ્યું હતું. છતાં હું હસતો હસતો ઉઠ્યો અને તારા ગળે લાગી ગયો. મારી પત્નીએ તને સાદર નમસ્કાર કર્યા. તારી શાનમાં ઓ મહેમાન… અમે બપોરના જમણવારને લંચમાં બદલી નાખ્યું અને રાતના ભોજનને ડિનરમાં બદલી નાખ્યું. અમે તારા માટે સલાડ કપાવ્યા, રાયતું બનાવ્યું અને મીઠાઈ મંગાવી. એ આશાએ કે બીજા દિવસે શાનદાર મહેમાનગતિની છાપ લઈને તું રેલવેના ડબ્બામાં બેસી જાય. પણ આજે ચોથો દિવસ છે અને તું અહીં જ છો. કાલ રાતે અમે ખીચડી બનાવી છતાં તું અહીં જ છો. આજે અમે ઉપવાસ કરીશું અને છતાં તું અહીં જ છો. તારી ઉપસ્થિતિ આમ રબરની જેમ ખેંચાશે એમ અમે કોઈ દિવસ વિચાર્યું નહોતું.
સવારમાં તું આવ્યો અને બોલ્યો, ‘લોન્ડ્રી માટે કપડા દેવા છે.’ અર્થાત્ ? અર્થાત્ જ્યાર સુધી કપડાં ધોવાઈને નહિ આવે, તું નહીં જાય ? આ ઈજા માર્મિક છે. આ આઘાત અપ્રત્યાશિત છે. મેં પ્રથમ વખત જાણ્યું કે અતિથિ માત્ર દેવતા નથી હોતો. એ મનુષ્ય અને કોઈવાર તો રાક્ષસ પણ હોય છે. આ જોઈ મારી પત્નીની આંખો વિશાળ થઈ ગઈ. તું કદાચ નથી જાણતો કે પત્નીની આંખો મોટી મોટી થવા લાગે છે અને મારું હ્રદય નાનું-નાનું થવા લાગે છે.
વસ્ત્રો ધોવાઈને આવી ગયા અને તું અહીં જ છો. પલંગની ચાદર બે વખત બદલાવી ચૂક્યા છીએ અને તું અહીં જ છો. હવે આ કક્ષના આકાશમાં હાસ્યના રંગીન ફુગ્ગા નથી ઉડતા. શબ્દોનું લેવું દેવું પૂર્ણ થઈ ગયું. હવે કરવા માટે ચર્ચા નથી રહી. પરિવાર, બાળકો, નોકરી, રાજનીતિ, સંબંધી, જૂના મિત્રો, ફિલ્મ, સાહિત્ય. ત્યાં સુધી કે આંખ મારી મારીને આપણે જૂની પ્રેમિકાઓનો પણ ઉલ્લેખ કરી લીધો. તમામ વિષયો પૂર્ણ થઈ ગયા. તારા પ્રત્યે મારી પ્રેમભાવના ગાળમાં તબ્દિલ થઈ રહી છે. હું સમજી નથી શકતો કે તું કયો ફેવિકોલ લગાવીને મારા ઘરે આવ્યો છો ?
પત્ની પૂછે છે, ‘ક્યાર સુધી રહેશે આ?’ જવાબમાં ખભા ઊંચા કરી દઉં છું.
જ્યારે એ પ્રશ્ન પૂછે છે, હું જવાબ નથી દઈ શકતો.
જ્યારે હું પૂછું છું, એ ચૂપ રહી જાય છે.
તારું ગોદડુ ક્યારે ગોળ થશે અતિથિ ?
હું જાણું છું કે તને મારા ઘરમાં સારું લાગી રહ્યું છે. સૌને બીજાના ઘરમાં સારું લાગે છે. જો લોકોનું ચાલેત તો એ કોઈ બીજાના ઘરમાં જ રહેત. કોઈ બીજાની પત્ની સાથે વિવાહ કરેત. પણ ઘરને સુંદર અને હોમને સ્વીટ હોમ એ માટે કહેવામાં આવ્યું છે કે મહેમાન પોતાના ઘરે પરત ફરી આવે.
મારી રાત્રિને તારા બગાસાથી ગુંજવવા બાદ હવે ચાલ્યો જા મારા મિત્ર! જો, ભલમનસાઈની પણ એક સીમા હોય છે અને ગેટ આઉટ પણ એક વાક્ય છે જે બોલી શકાય છે.
કાલનો સૂરજ તારા આગમનનો ચોથો સૂરજ હશે. અને એ મારી સહનશીલતાની અંતિમ સવાર હશે. એ પછી હું લડખડાઈ જઈશ. એ સત્ય છે કે અતિથિ હોવાના કારણે તું દેવતા છો, પણ હુંય આખરે મનુષ્ય છું. એક મનુષ્ય વધારે સમય દેવતાની સાથે નથી રહી શકતો. દેવતાનું કામ છે કે એ દર્શન આપી પરત ફરે. તું પરત ચાલ્યો જા અતિથિ. એ પહેલા કે હું કાંઈ કરું, તું પરત ફરી જા.
ઓહ! તુ ક્યારે જઈશ અતિથિ!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત