Homeતાપણુંજ્યારે માધવસિંહ સોલંકીએ કહ્યું, ‘મેં તો અશ્વિની ભટ્ટનું એકેય પુસ્તક વાંચ્યું નથી.’

જ્યારે માધવસિંહ સોલંકીએ કહ્યું, ‘મેં તો અશ્વિની ભટ્ટનું એકેય પુસ્તક વાંચ્યું નથી.’

Team Chabuk-Political Desk : તો ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી. જેમનો કિર્તીમાન આજે પણ અજય છે. બે કિર્તીમાન છે. એક સૌથી વધારે વખત એટલે કે ચાર વખત મુખ્યમંત્રી બનવાનો અને બીજો 149 સીટ જીતવાનો કિર્તીમાન. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં આ રેકોર્ડ તોડી ન શક્યા. તેમની લોકપ્રિયતા 2012માં તો ખૂબ જ વધી ગઈ હતી. ચેનલમાં ડિબેટ કરનારા રાજકીય વિશ્લેષકો પણ કહેતા હતા કે કદાચ નરેન્દ્ર મોદી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી દેશે. પણ ન થઈ શક્યું. રેકોર્ડો તુટવા માટે બન્યા હોય છે પણ કેટલાક રેકોર્ડો સ્થિતપ્રજ્ઞ રહેવા માટે બન્યા હોય છે. હવે પાટીલભાઉ 2022ની ચૂંટણીમાં 182માંથી 182 લાવી આ રેકોર્ડ તોડે છે કે નહીં એ જોવાનું છે.

વાત કંઈક એવી છે કે આપણા ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી આપણી વચ્ચે નથી રહ્યા. 94 વર્ષની વયે તેમણે વિદાય લીધી. તેઓ સાહિત્યના ચાહક હતા. ખૂબ વાંચતા હતા. વિનોદ ભટ્ટથી લઈને એક એક સાહિત્યકાર સાથે તેમને સારા સંબંધ હતા. મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ અને નહોતા ત્યારે પણ એ સાહિત્યકારોને ફોન કરીને કે રૂબરૂ જઈને પૂછતા રહેતા, ‘ફલાણા લેખકને વંચાય કે નહીં ?’ આવું પૂછવા પાછળનું કારણ સ્વાભાવિક હતું. માધવસિંહ સોલંકી પત્રકાર હતા. ગુજરાત સમાચારમાં નોકરી કરતા હતા. પત્રકારો મુખ્યમંત્રી બને એ તો ઘટના જ વીરલ છે, કારણ કે પત્રકારોને તો સરકારની ભૂલો કાઢવાની હોય છે.

થોડી વાર માટે માની લો કે કોઈ એક પત્રકાર સરકારની ખૂબ ટીકા કરતો હોય. ને પછી તેને મુખ્યમંત્રી બનવાનો અવસર પ્રદાન થાય અને કોઈ બીજો પત્રકાર તેની ટીકા કરવા માંડે તો તેને કેવું લાગે ? આગથી શરીર કેવું દાઝે એ તો કૂદકો માર્યા પછી ખબર પડે. કિનારે બેઠા રહીને નદીની ઊંડાઈનો અંદાજો ન લગાવી શકાય. જોકે માધવસિંહ પત્રકારત્વના જે વિભાગમાં કામ કરતા હતા ત્યાં સત્તાધારીઓની ટીકા કરવાનો એટલો અવસર તેમને મળ્યો નથી. એ તો સાહિત્ય અને સામાયિકના પત્રકાર રહ્યા.

માધવસિંહ સોલંકીના પિતા 8મું ધોરણ પાસ હતા. ઘરની એક વીઘા જમીન હતી. ઈચ્છા હતી આગળ ભણવાની પણ ભણી ન શક્યા. 8 પાસ હોવાના કારણે તેમને પ્રાથમિક શાળામાં નોકરી મળી ગઈ. માધવસિંહની ઈન્દુલાલ યાજ્ઞિક સાથે એક ઓળખીતાએ મુલાકાત કરાવી દીધી. દસ રૂપિયા મળતા હતા. અમદાવાદના સાબરમતી આશ્રમમાં એમનું રહેવાનું ઠેકાણું હતું. અમદાવાદની ગુજરી બજાર આજે પણ ખૂબ લોકપ્રિય છે. ચાબુક તેના કોઈ સાહિત્ય રસિક મિત્ર સાથે વાત કરે ત્યારે લાલ દરવાજાની અંદર આવતી એ ગુજરી બજારની વાત વચ્ચે આવી જ જાય છે. પુસ્તકોનો એ મહાસાગર છે. એ ગુજરી બજારમાં જૂના પુસ્તકો લેવા માટે માધવસિંહ જતા હતા. ધીમે ધીમે કરતા કરતા તેમની અંગત લાઈબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા 15,000 જેટલી થઈ ગઈ.

પત્રકાર તરીકે ક્યાં ક્યાં કામ કર્યું ? આ પ્રશ્નનો જવાબ એ રીતે પણ આપી શકાય કે તેમની પત્રકારત્વમાં કોઈ પ્રકાંડ પત્રકાર જેટલી લાંબી કરિયર નથી રહી. કોઈ મોટા મોટા સ્ટીંગ નથી કર્યા. એમને ફક્ત શોખ હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક એક પત્રિકા પ્રકાશિત કરતા હતા. એ પત્રિકાનું નામ ગ્રામ વિકાસ હતું. માધવસિંહ ત્યારે બી.એના પ્રથમ વર્ષમાં હતા. માધવસિંહે ઈન્દુલાલને આજીજી કરી કે તેમને આ પત્રિકામાં લેખ લખવા માટેની તક આપે. તાત્કાલિક લેખ લખવા તો કોને મળ્યા છે! તેમને સામાયિક માટે આવતા કેટલાક લેખોનું સંકલન કરવાની તક મળી અને બાકીના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કેટલાક લેખો અનુવાદિત કરવાના હતા. માધવસિંહે આ કામ બખૂબી કરી બતાવ્યું. એ સામાયિક તો ચાલ્યું નહીં. પત્રકારત્વની દુનિયામાં મેગેઝિન જન્મે છે ત્યારે તેના બેસણાની કલ્પના એ જ ક્ષેત્રના કેટલાક લોકો પહેલાથી કરી દેતા હોય છે.

ઈન્દુલાલ યાજ્ઞિકે જ માધવસિંહ સોલંકીને નોકરી મળે આ માટે ગુજરાત સમાચારમાં પત્ર લખ્યો હતો. માધવસિંહ સોલંકીને નોકરી મળી ગઈ. બે વર્ષ તેમણે ત્યાં નોકરી કરી. શરૂઆતમાં અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદ કરતા હતા. બે મહિના પછી તેમને કાયમી કરી દેવામાં આવ્યા. 80 રૂપિયા પગાર હતો. ગુજરાત સમાચારમાંથી 2 વર્ષ બાદ છૂટ્યા પછી તેઓ 125 રૂપિયાના પગારે લોકનાથ મેગેઝિન વિભાગના તંત્રી બની ગયા.

વિનોદ ભટ્ટનું તમે યાદ આવ્યાં પુસ્તક છે. ‘આવ્યાં’ પર અનુસ્વાર એટલા માટે લેખકે કર્યો છે કે તેમાં એક મહિલાનું ચરિત્ર પણ આલેખ્યું છે. આ પુસ્તકમાં અશ્વિની ભટ્ટ વિશેનું પણ એક ચરિત્ર છે. 10 ડિસેમ્બર 2012ના રોજ અશ્વિની ભટ્ટનું અમેરિકામાં નિધન થયું. આ સમાચાર સાંભળ્યા તો માધવસિંહ સોલંકીએ વિનોદ ભટ્ટને ફોન કરી પૂછ્યું, ‘મેં અશ્વિની ભટ્ટનું એકેય પુસ્તક વાંચ્યુ નથી.’ વિનોદ ભટ્ટે તેમને આશ્વાસન આપતા કહ્યું, ‘તમારે તો હજુ 85 વર્ષ જ થયાં છે. હજી તમારી પાસે ઓછામાં ઓછા 15 વર્ષ સિલકમાં છે. ખાસ મોડું નથી થયું. તમે વાંચી શકશો.’

વિનોદ ભટ્ટે વધુમાં કહ્યું, ‘તમારે જોતી હોય તો આશકા માંડલ મોકલી આપું ?’

માધવસિંહ સોલંકીએ કહ્યું, ‘ના હું મેળવી લઈશ.’

વિનેશ અંતાણીની આત્મકથા એક હતો વિનેશમાં પણ માધવસિંહ સોલંકીનો કિસ્સો ટાંકેલો છે. એ સમયે માહિતી નિયામકમાં કામ કરતા ભૂપતભાઈ વડોદરિયાએ પ્રિયજન અને વીનેશ અંતાણીની ખૂબ પ્રશંસા સાંભળી હતી. તેમણે જ વીનેશ અંતાણીને કહ્યું કે, ‘મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી બોલાવે છે. તેમને પ્રિયજન નવલકથા ખૂબ ગમી છે.’

મુખ્યમંત્રીનો આવકાર મળતા વીનેશ અંતાણી પત્ની પુષ્પા સાથે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને મળવા માટે પહોંચ્યા. મુખ્યમંત્રી એ સમયે કામમાં વ્યસ્ત હતા. થોડીવાર માટે બેસવાનું કહ્યું. પછી સંસ્કાર કેન્દ્રમાં યોજાનારા એક કાર્યક્રમમાં ઉપડતી વેળાએ તેમણે વીનેશને પોતાની વ્યસ્તતા વિશે જાણકારી આપતા કહ્યું, ‘ચાલો મારી સાથે. મારી ઓફિસમાં નિરાંતે વાત થઈ શકે નહીં. હવે અમદાવાદ પહોંચતા સુધીમાં કોઈ ડિસ્ટર્બ નહીં કરે.’

માધવસિંહ કારમાં ડ્રાઈવરની બાજુની સીટમાં ગોઠવાયા અને આખી મુલાકાતમાં માત્ર અને માત્ર પ્રિયજનની એકધારી વાતો કરતા રહ્યા. હસતાં હસતાં મુખ્યમંત્રીએ વીનેશ અંતાણીને કહી જ દીધું, ‘‘પ્રિયજનમાં ચારુ અને દિવાકરને મળતા એકાન્તમાં શક્યતા તો ચુંબનની હતી, તમે સ્પર્શ સુદ્ધાં કરાવ્યો નથી.’’

મુખ્યમંત્રી તો અઢળક મળી શકે પણ સાહિત્યપ્રેમી મુખ્યમંત્રી. વાચક મુખ્યમંત્રી. પત્રકાર મુખ્યમંત્રી એ જ્વલ્લેજ બનતી ઘટનાઓમાંની એક છે. સાહિત્યકારોએ તો માધવસિંહ સોલંકી વિશે ઘણું લખ્યું છે. એ શોધ સંશોધનનો વિષય બની જાય. અલવિદા માધવસિંહ સોલંકી. અણનમ 149.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments