Homeતાપણુંબાલ નરેન્દ્રને મગરમચ્છ પકડવાનું કેમ મન થઈ ગયેલું ? અને પકડી‘તી કેમ?

બાલ નરેન્દ્રને મગરમચ્છ પકડવાનું કેમ મન થઈ ગયેલું ? અને પકડી‘તી કેમ?

Team Chabuk-Political Desk: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બીજી બધી વાતો વચ્ચે તેઓએ મગર પકડેલી એ વાત વારંવાર થાય છે. સોશિયલ મીડિયા પર પણ એ વાતો ચર્ચાયા કરે છે.  એ મગર પકડવાની જરૂર કેવી રીતે પડી એ વાત ઘણા ઓછાને ખબર છે. રિયલ મોદી નામનું એક પુસ્તક છે. આ પુસ્તકમાં પ્રધાનમંત્રીના શક્ય હોય એટલા વખાણ કરવામાં આવ્યા છે.

મગરનો અહીં આપેલો એ સંદર્ભ પણ અમને ત્યાંથી જ હાથ લાગ્યો છે. અરવિન્દ ચતુર્વેદીએ લખેલી એ ચોપડીના આ પ્રસંગથી સ્પષ્ટ દેખાય આવે છે કે તેમણે કલ્પનાના ઘોડા પણ તબડક તબડક કરતા દોડાવ્યાં છે. જાણે કોઈ નવલકથા હોય એમ તેની અંદર સંવાદો ઉમેર્યા છે. કોઈ સશક્ત વાર્તાકાર આ ઘટના પરથી એક સરસ મજાની બાળવાર્તાની પણ રચના કરી શકે. હવે વધુ પ્રતીક્ષા ન કરાવતા સીધા નરેન્દ્રભાઈએ પકડેલા મગરના એ કિસ્સા તરફ જઈએ.

નરેન્દ્ર મોદી નવરાશના સમયમાં શર્મિષ્ઠા તળાવમાં ખૂબ સ્નાન કરતા હતા. નરેન્દ્રને શોધવો હોય અને તે ઘરમાં ન હોય તો શર્મિષ્ઠા તળાવમાં જ હોય. તેમની સાથે તેમના મિત્રો પણ હતા. એક દિવસ તળાવમાં એક માદા મગરમચ્છે ઈંડા આપ્યા હતા. તેમાંથી જે કેટલાંક બચ્ચાઓ બહાર આવ્યા હતા તે થોડાં મોટા પણ થઈ ગયા હતા. તળાવના કિનારે મગરમચ્છના બચ્ચા આમથી તેમ ભાગતા હતા. બાલ નરેન્દ્ર મોદીને એ રમવા માટેનું સાધન લાગેલું.

હવે તમારે કોઈ કામ કરવું હોય, પણ એ કર્યા જેવું ન હોય એની તમને પણ ખબર હોય, તેવું મિત્રો કે વિરોધીઓને ખબર પડે એટલે તમને પાનો ચડાવે. શૂરાતન ચડાવે. જા પકડી લે. નરેન્દ્ર મોદીના મિત્રોએ પણ બાલ નરેન્દ્રને પાનો ચડાવ્યો. મિત્રોએ આપેલી હિંમતથી નરેન્દ્રનો ઉત્સાહ આકાશે આંબ્યો. તેમને થયું કે મગરમચ્છના બાળકો સાથે રમવાની અલગ જ મજા આવશે.

નરેન્દ્રને ત્યારે ખબર નહોતી કે આ મગરમચ્છનું બચ્ચું મોટું થઈ શું થાય? એ બચ્ચાને લઈ નરેન્દ્ર માતા હિરાબા પાસે પહોંચી ગયો. મગરમચ્છનાં બચ્ચાને જોયા પછી હિરાબા આશ્ચર્યચકિત્ત થઈ ગયા. સામે બાલ નરેન્દ્ર હસતો હતો.

હિરાબાએ નરેન્દ્રને સમજાવ્યું, ‘હું તારી મા છું. જો કોઈ આવીને તને મારી પાસેથી ઉપાડીને લઈ જાય, તો મારા પર શું વીતે ? મારું તો જીવવું મુશ્કેલ થઈ જાય. મગરમચ્છના બચ્ચાને તું જે તળાવમાંથી ઉઠાવીને લાવ્યો છો ત્યાં જ પાછો મુકી આવ. તેની મા તળાવમાં રડતી હશે.’ આવી રીતે ફોસલાવ્યા બાદ બાલ નરેન્દ્ર તળાવ પાસે ગયો.

એ દિવસે વડનગરમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. શર્મિષ્ઠા તળાવ પાણીથી ચિક્કાર ભરાઈ ગયું હતું. જેમાં થોડાં સમય પહેલા પાણીનું એક ટીપું પણ નહોતું. નરેન્દ્રએ એ દિવસે જીવના જોખમે મગરમચ્છનાં બચ્ચાને પાણીમાં પાછું નાખી દીધું.

મગરમચ્છ સિવાય પિતાએ નરેન્દ્ર મોદીને વધારે એક કામ સોંપીને રાખ્યું હતું. એ કામ પણ શર્મિષ્ઠા તળાવને લગતું જ હતું. નરેન્દ્ર ત્યાં કલાકો સુધી સ્નાન કરતો રહેતો. પિતાને લાગ્યું કે નરેન્દ્ર રોજ સવારે ઉઠીને તળાવમાં કલાકો સુધી નહાવા માટે જાય જ છે તો શા માટે તેને જ ગાયને નવડાવવાના કામે ન લગાવવો જોઈએ. એ પછી રોજનો ક્રમ થઈ ગયો. પિતા દામોદરદાસે જ નરેન્દ્રને ગાયને સ્નાન કરાવવાના કામની જવાબદારી સોંપી દીધી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments