Team Chabuk-Special Desk: આજની દોડધામવાળી જિંદગીમાં માણસ કોઈને કોઈ ચિંતામાં રહેતો હોય છે. કોઈવાર કામનું ટેન્શન, તો કોઈવાર પરિવારનું ટેન્શન, તો વળી કોઈવાર રૂપિયા કમાવવાનું ટેન્શન આવા અનેક ચિંતાના પહાડો વચ્ચે માણસ ઘેરાયેલો રહે છે. ભાગદોડવાળી જિંદગીમાં માણસ તન-મન-ધનનું સાયુજ્ય સાધવામાં ઘણી વખત થાકી જતો હોય છે, હારી જતો હોય છે, અંદરથી ભાંગી પણ પડતો હોય છે.
આવી વિષમ પરિસ્થિતઓમાં માણસને ધ્યાન એટલે કે મેડિટેશન ઘણું ઉપયોગી બને છે. ધ્યાનથી માણસ એકાગ્રતા કેળવીને એક નક્કર દિશામાં યોગ્ય પગલું માંડી શકે છે. ધ્યાન તમારા મનમાં ઉભા થયેલા ક્રોધના જુવાળને શાંત પાડવાની શક્તિ ધરાવે છે. આથી આપણા જીવનમાં ધ્યાનનું મહત્વ અનેરું છે. આજે અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં ધ્યાનનું શું મહત્વ રહેલું છે. ધ્યાન કેવી રીતે કરવું. ધ્યાનથી શું ફાયદાઓ થાય છે.
ધ્યાન શું છે ?
ધ્યાન, શબ્દ સાંભળીને સામાન્ય રીતે આપણા મનમાં વિચાર આવે કે ધ્યાન એટલે આંખો બંધ કરીને બેસી જવું. પરંતુ નહીં, ધ્યાન એ માત્ર બે આંખો બંધ કરીને બેસવાની ક્રિયા નથી. ધ્યાન તો યોગની એક ક્રિયા છે. આથી અલગ અલગ યોગાસન કરવાની જગ્યાએ જો માત્ર ધ્યાન કરવામા આવે તો બધી જ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. ધ્યાનને સમાધિ પહેલાનું પગથિયું પણ માનવામા આવે છે. તમારા અસ્તિત્વને શુદ્ધ બનાવવાનો પ્રયાસ પણ ધ્યાન કરે છે. ધ્યાન કરવાથી તમે વધુ જાગૃત અને સજાગ બનો છો. ધ્યાનને અંતરની શોધ માટેની ઉત્તમ ક્રિયા માનવામા આવે છે. કોઈ અંતર આત્માની શાંતિ માટે ધ્યાન કરે છે તો કોઈ ઈશ્વરની વધુ નજીક જવા ધ્યાન કરતા હોય છે. શરીર અને મનને પ્રભુને સમર્પિત કરવામાં ધ્યાન મદદરૂપ થાય છે.
ધ્યાન કરવાની રીત
ધ્યાન કરતા પહેલા જાણવું જરૂરી બની જાય છે કે ધ્યાન કેવી રીતે કરવું. ધ્યાન કરતી વખતે શું બાબતોની કાળજી રાખવી. પહેલા તો ધ્યાન કરવા માટે ધ્યેય નક્કી કરવું જરૂરી. ધ્યેય વિનાનું ધ્યાન નકામું છે. તમને મનમાં થતું હશે કે ધ્યાન કઈ રીતે કરવું તો આ વિશે તમને માહિતી આપીએ તો સામાન્ય રીતે ધ્યાન કરવા માટેનો ઉત્તમ સમય વહેલી સવાર અને મોડી રાત માનવામા આવે છે. સ્નાન કર્યા બાદ હળવા કપડાં પહેરી લેવા. ત્યારબાદ તમારે કોઈ એવી જગ્યા પંસદ કરવી જ્યાં તમને કોઈ અડચણ ન ઉભું થાય. ધ્યાન કરવા માટે કુદરતનો સ્પર્શ થતો હોય તેવું વાતાવરણ વધારે અનૂકુળ રહે છે. આવી સાનુકૂળ જગ્યા પસંદ કરી ત્યાં પદ્માસનની મુદ્રામાં બેસવું અથવા સીધી પલાઠી વાળવી, નીચે ન ફાવે તો સમતોલ ખુરશી પર પણ બેસી શકો છો. પરંતુ તમારી કરોડરજ્જુ ટટ્ટાર રાખવી. અને હવે આંખો બંધ કરીને ધીમે ધીમે શ્વાસ અંદર ખેંચો, થોડીવાર શ્વાસ રોકી રાખો અને ધીમેથી શ્વાસ બહાર કાઢો. આમ શ્વાસ અંદર લેવાની અને બહાર કાઢવાની ક્રિયા થોડીવાર કરતા રહો, ધ્યાન માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા પર કેન્દ્રિત કરો, મનમા બીજા વિચારો ન આવવા દો.
આમ ધ્યાનની આ ક્રિયાથી તમારું મન અને શરીર એકાગ્ર બનશે. તમે તમારા ઘરે કોઈ એકાંત જગ્યા કે બંધ રૂમમાં બેસીને પણ ધ્યાન કરી શકો છો, અથવા પ્રાકૃતિક જગ્યા જેવી કે બગીચો, નદી, સમુદ્ર કે તળાવના કિનારે બેસીને ધ્યાન કરી શકો છો. કોઈ શિબિરમાં જઈને પણ તમે ધ્યાનનું માર્ગદર્શન મેળવી શકો છો અને યોગ્ય પદ્ધતિથી ધ્યાન કરી શકો છો.
ધ્યાન કરવાના ફાયદા
ધ્યાન કરવાથી તમને શાંતિની અનુભૂતિ થશે. તમારુ મન અને શરીર અંદરથી શાંતિનો અહેસાસ કરશે. તમારું મન સ્થિર બનશે. ધ્યાન કરવાથી તણાવને દૂર કરી શકાય છે. એક સંશોધન પ્રમાણે ધ્યાન કરવાથી શરીરનું કોરટિસોલ હોર્મોન યોગ્ય માત્રામાં જળવાઈ રહે છે. સાંધાનો દુખાવો તમને હોય તો ધ્યાન કરવાથી તમને રાહત મળશે. ધ્યાન કરવાથી તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકો છો, તમારું મન પ્રફુલ્લિત બને છે. મહિલાઓને પ્રેગ્નેન્સીના સમયમાં ધ્યાન કરવું ખૂબ જ હિતકારી છે. પ્રેગ્નેન્સીના સમયમાં ધ્યાન કરવાથી મહિલાઓમાં તણાવ દૂર થાય છે. અથવા કોઈ વ્યક્તિ ખૂબ ટેન્શનમાં રહેતી હોય તો તેના માટે ધ્યાન ફાયદાકારક નિવડે છે. ધ્યાન કરવાથી શરીરનું વજન પણ ઘટાડી શકાય છે. તમને અનિદ્રાની બિમારી હોય તો ધ્યાન કરવાથી સમયસર ઉંઘ આવી જાય છે.
ધ્યાનનું મહત્વ શું ?
ધ્યાનનું મહત્વ આપણા હિંદુ ગ્રંથો અને પૂરાણોમાં જોવા મળ્યું છે. ઋષિ-મુનીઓ પણ પ્રભુ સાથે સંગમ કરવા ધ્યાનનું હથિયાર અજમાવતા હતા. ગ્રંથોમાં ધ્યાનને યોગનો ભાગ પણ ગણાવ્યો છે. ધ્યાનનું ધાર્મિક મહત્વ તો છે જ સાથે જ વિજ્ઞાને પણ ધ્યાનનું મહત્વ સમજાવ્યું છે. ડૉ. થિયોફોરના મત મુજબ ધ્યાનથી માણસની સાઈકોલોજીમાં અસાધારણરૂપથી ફેરફાર થાય છે. તેમના મત મુજબ નિયમિત ધ્યાન કરવાથી ગભરામણ, ઉત્તેજના, તણાવ, શારીરિક-માનસિક બિમારીથી આઝાદી મળે છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિક વિલિયમ પી.વાનડેનબર્ગ અને બટે મુલ્ડરે ધ્યાન યોગ પર વિવિધ પ્રયોગો કર્યા છે. એમણે જુદી-જુદી ઉંમરના લોકો, સ્ત્રી-પુરુષ, છોકરા-છોકરીઓ અને વિભિન્ન શૈક્ષણિક યોગ્યતાવાળા લોકો પર ધ્યાનનો પ્રયોગ કરીને તારણ કાઢ્યું કે ધ્યાનના માધ્યમથી દ્રષ્ટિકોણ બદલવામા મદદ મળે છે. ધ્યાન કરનાર વ્યક્તિમાં ભૌતિક સુખ પ્રત્યેનું આકર્ષણ ઓછું થાય છે અને આત્મ સન્માનમાં વૃદ્ધિ થાય છે. અલગ અલગ વૈજ્ઞાનિકોના અભ્યાસ બાદ તારણ કાઢવામા આવ્યું કે ધ્યાન કરવાથી બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત