ઝાલાવાડી જલજીરા: ગઈકાલે ગદર ફિલ્મની સત્યકથાથી પરિચિત થયા. હવે ગદર ફિલ્મની વાત કરીએ. કોઈ પણ ફિલ્મ જ્યારે ક્લાસિકનો દરજ્જો હાંસિલ કરી લે છે ત્યારે તેમાં સામેલ અભિનેતાઓ સાથે શું શું બનાવ બન્યા તે જાણવાની જનતાને ઉત્કંઠા હોય છે. ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ એટલા લોકપ્રિય થઈ જાય છે કે બાદમાં એ ફિલ્મનું નામ પડતા જ એ કિસ્સો આંખો સામે તરવરવા લાગે છે. મગજમાં પરિભ્રમણ કરવા લાગે છે. ગદરના પણ આવા જ કેટલાક કિસ્સાઓ જોઈએ.
1) ગદર એક પ્રેમકથા ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ચૂકી હતી. લોકો એક મહિના પહેલાથી તેની કાગડોળે રાહ જોતાં હતાં. અનિલ શર્મા એ સમયે એક ફિલ્મની વાર્તા ખોજતા હતા. જે મનોજ કુમારની ફિલ્મો જેવી હોય. જેમાં દેશદાઝ ભરેલ હોય. યુદ્ધ પર હોય. ભારત પાકિસ્તાનનાં સંબંધ પર હોય. અર્થાત્ ટોટલ મસાલા ફિલ્મ હોય. એક પણ વસ્તુની તેમાં કમી ન હોય. આમ પણ 2000ની સાલમાં દેશભક્તિની ફિલ્મો બોક્સઓફિસ પર કમાણીની ગેરન્ટી તરીકે લેખાતી હતી. કારગીલ યુદ્ધ હમણાં હમણાં પૂરુ થયું હતું. પાકિસ્તાન અને ભારત ફરી સામ સામે હતા અને કોઈ એવા વિષયની જરૂર હતી જે બંને દેશની વચ્ચે પ્રેમનું સ્થાપન કરે. એવામાં અનિલ શર્માને ગદરની વાર્તા મળી ગઈ.
2) ગદર એક પ્રેમકથાનો વિચાર સૌથી પહેલા લેખક શક્તિમાનને આવ્યો હતો. શક્તિમાને જ બુટા સિંહની પ્રેમ કહાની અનિલ શર્માને સંભળાવી હતી. અનિલ શર્મા આ વાર્તા સાંભળી પ્રસન્ન થઈ ગયા હતા. અનિલ શર્માએ મુંબઈમાં અભ્યાસ કર્યો હતો અને બી.આર.ચોપડાના સહાયક રૂપે પણ કામ કર્યું હતું. શરૂઆતમાં શ્રદ્ધાંજલિ અને બંધન કચ્ચે ધાગો જેવી સામાજીક પરિપ્રેક્ષ્યની ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. એ બંને ફિલ્મો ઉંધેમાથ પછડાઈ હતી. જોકે ધર્મેન્દ્ર સાથે બનાવેલી ફિલ્મ હુકુમત પછી એમના નસીબે પલટી મારી દીધી. ફિલ્મ હીટ અને પછી ધર્મેન્દ્ર અને અનિલની જોડી જામી ગઈ. અનિલને થઈ ગયું કે સામાજીક કરતાં એક્શન ફિલ્મો બનાવવાથી હિન્દી સિનેમામાં એક કાયમી સ્થાન મેળવી શકાશે.
3) હુકુમત ફિલ્મ પછી અનિલે પાછળ વળીને ન જોયું. એલાન-એ-જંગ, ફરિશ્તે અને તહલકા જેવી મલ્ટિસ્ટારર ફિલ્મો બનાવી. અનિલની ધર્મેન્દ્ર સાથેની જોડીની અસર ઓછી થવા લાગી હતી. ધર્મેન્દ્રની ઉંમર થતી હતી અને તેમને હીરો તરીકે કોણ જુએ? એ પિતાની ઉંમરને લાયક થઈ ગયા હતા અને બીજા અભિનેતાઓ હીરોનાં રોલમાં મેદાન મારવા આવી ગયા હતા. જીતેન્દ્ર સાથે મા અને ગોવિંદા સાથે મહારાજા ફિલ્મ બનાવ્યા પછી અનિલ શર્માને હવે એક નવા એક્ટરની જરૂર હતી. મહારાજાનાં કારણે ગોવિંદા અનિલ માટે નવો હતો. ગોવિંદાનો ચાર્મ પણ બરકરાર હતો. દર્શકો તેને પ્રેમ કરતા હતા. અનિલ શર્માએ ગોવિંદાને વાર્તા સંભળાવી. ગોવિંદાને પસંદ આવી અને તેણે હા પણ પાડી. જોકે ફિલ્મમાં જે કમ્પની પૈસા રોકવાની હતી તેને ગોવિંદાનું હીરો બનવું યોગ્ય ન લાગ્યું, કારણ કે ફિલ્મની પટકથા અનુસાર ગોવિંદા ફિટ નહોતો બેસતો. અનિલ શર્માને ધર્મેન્દ્રના પુત્ર સન્ની દેઓલનો વિચાર આવી ગયો. તેણે ધર્મેન્દ્રની સાથે વાત કરી અને સન્નીને પટકથા સંભળાવી.
4) સન્ની દેઓલને ફિલ્મની પટકથા સંભળાવા માટે ચાર લોકો આવ્યા હતા. નિતિન કેની, અનિલ શર્મા, કમલ મુકુટ અને શક્તિમાન. વાર્તા સારી લાગતાં સન્નીએ તુરંત હા પાડી દીધી. જોકે સન્નીનો એ સમયે સિક્કો પડતો હતો. એટલી ફિલ્મો હતી કે ગદર માટે સમય ફાળવવો અઘરો થઈ પડે. સન્નીએ આ ફિલ્મ માટે સમય કાઢ્યો અને તારાસિંહનો રોલ પ્લે કર્યો. ગોવિંદાની તુલનાએ સન્ની એક સીખ વ્યક્તિના રોલમાં ફિટ પણ બેસે છે, કારણ કે તે ખૂદ સીખ છે. તેનું કદાવર શરીર. તેનો ભરાવદાર અવાજ. તેની સંવાદ રજૂ કરવાની કળા આ બધું તારાસિંહ માટે જ બન્યું હોય તેવું લાગ્યા વિના નથી રહેતું.
5) ફિલ્મ તો બુટા સિંહની લાઈફ પરથી જ બનવાની હતી. જોકે બુટા સિંહની લાઈફ પરથી આખેઆખી ફિલ્મ બનાવવામાં આવે તો શક્ય છે એ વખતે સુખદ અંત પસંદ કરતી જનતાને ક્લાઈમેક્સ ન ગમે. થીએટરમાં ગદર મચી જાય. એટલે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. એ ફેરફારમાં સૌથી મોટો ભાગ ભજવ્યો મહાશય સન્ની દેઓલે. સન્ની દેઓલે જ ફિલ્મની પટકથાને એટલો મોટો ટર્ન આપ્યો કે આખી વાર્તાનો ક્લાઈમેક્સ ફરી ગયો. પટકથાના હિસાબે સકીનાને મરી જવાનું હતું. શૂટિંગ સમયે સન્ની દેઓલને સકીનાનું ગુજરી જવું યોગ્ય ન લાગ્યું. તેણે દલિલ કરી અને ફિલ્મનો ક્લાઈમેક્સ બદલાવી નાખ્યો. ફિલ્મની ઓરિજનલ વાર્તા એવી હતી કે ગોળી લાગવાથી સકીનાનું મોત થઈ જાય છે. પબ્લિક નારાજ થવાની શક્યતા હોવાથી એ અંત કેન્સલ કરી સન્ની દેઓલનો અંત પસંદ કર્યો. તમને ખબર છે એન્ડમાં શું થાય છે.
6) આ ફિલ્મ સફળ રહી તેનું બીજું મોટું પાસું ઉત્તમ સિંહનું સંગીત માનવામાં આવે છે. ફિલ્મના ગીતો આનંદ બક્ષીએ લખ્યાં હતાં. ફિલ્મનું સંગીત ઉત્તમ-જગદીશના ઉત્તમે તૈયાર કર્યું હતું. આ પહેલા ઉત્તમ યશ ચોપડાની દિલ તો પાગલ હૈનું સંગીત આપી ચૂક્યા હતા. જોકે ગદરનું જે સંગીત બન્યું તેણે તો કેસેટ વેચાણનાં બધા રેકોર્ડ તોડી નાખ્યા. 25 લાખ ઉપર કેસેટ અને સીડી વેચાઈ હતી.
7) દિગ્દર્શક અનિલ શર્માએ અઢળક છોકરીઓના સકીના માટે ઓડિશન લીધા હતા. ફિલ્મ માટે અમીષા પટેલે ઘણી મહેનત કરવી પડી કારણ કે આ એક પીરિયડ ફિલ્મ હતી અને અમીષા હજુ નવી જ હતી. એ દેખાવમાં પણ નાની લાગતી હતી. જેવી રીતે બુટા સિંહની જૈનબ! સતત છ મહિના સુધી અમીષા પટેલે મુસ્લિમ છોકરી બનવાની અને સંવાદ બોલવાની તાલીમ લીધી હતી. જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે સન્ની દેઓલની એક ઝલક માત્ર મેળવવા માટે ઉમટેલી ભીડને જોઈ મૂંઝાઈ જતી અમીષા પટેલ બધા સંવાદો ભૂલી જતી હતી. અમીષાને આ કારણે સેટ પર પાંચથી છ કલાક વહેલા આવવું પડતું હતું. જ્યારે જ્યારે તેના અને સન્ની વચ્ચેના સીન્સ હોય ત્યારે તે સેટ પર પાંચ કલાક વહેલી આવતી હતી. એકલી રિહર્સલ કરતી હતી અને સહજ થઈ જાય ત્યાર પછી જ મેદાનમાં ઉતરતી હતી.
8) આજથી વીસ વર્ષ પહેલાનું સિનેમાય વર્ષ લગાન અને ગદરનું જ રહ્યું. ફિલ્મફેરમાં બંનેને નવ નવ નોમિશેનન મળ્યા હતા. લગાન આઠ એવોર્ડ જીતી ગઈ જ્યારે ગદરને એક જ એવોર્ડ મળ્યો. ટીનુ આનંદને બેસ્ટ એક્શનનો એવોર્ડ મળ્યો. આ ટીનુ આનંદ એટલે આમિર ખાનની જ ફ્લોપ ફિલ્મ મેલાનો વિલન ગુજ્જર સિંહ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત