મયૂર ખાવડુ: બહાર મેઘગર્જના થઈ રહી છે. ગર્જના કરતાં વરસાદ ના પણ વરસાદ જેટલા જ પ્રકારો પડતા હશે કે નહીં. એને કોઈ ઊંચા માયલો સાહિત્યકાર વ્યાખ્યાબદ્ધ કરી શકે. ગર્જનાના પ્રધાનસૂરને ઓળખવા માટે પણ અનુભવ જોઈએ. મારી બારીમાંથી જે પવન આવી રહ્યો છે તે બફારાની દવા જેવો છે. કૃત્રિમ નથી કુદરતી છે એટલે દેહને આનંદ આવી રહ્યો છે. એ ઉકળાટને દાબી દેશે. વરસાદ ચાલ્યો ગયો તો એ અસહ્ય ઉકળાટ, દુખાવાની જેમ પાછો શરૂ થઈ જશે. આજે અષાઢનો પહેલો દિવસ છે. કાલિદાસની અમરકૃતિનું સ્મરણ કરવાનો. કુદરત નામના વિવેચકે આખો અષાઢ કાલિદાસના નામે લખી દીધો છે. આ સાહિત્યકારની કોઈને ઈર્ષ્યા નથી આવતી. એ ગુજરી ગયો એટલે ઈર્ષ્યા નથી આવતી. જીવતો હોત તો શક્ય છે ઈર્ષ્યા આવેત.
બારીમાંથી નીચે જોઉં છું. અષાઢના પ્રથમ વરસાદે છોકરાઓને તેમની રમતથી અળગા કરી દીધાં છે. વરસાદના પડવાની એંધાણી હતી છતાં ક્રિકેટ રમતાં છોકરાઓ તેનાથી વિમુખ ન રહી શક્યા. વરસાદ આવતા એ બધા એક એક છાંટાથી બચીને ભાગવા લાગ્યા છે. સામેના ફ્લેટની એક એક સ્ત્રીઓ સૂકાતા કપડા ઝડપથી અંદર લઈ રહી છે. આટલો ભય! નીચે ફ્લેટવાસીઓનાં કપડા એકઠા કરી ઈસ્ત્રીવાળો ભાઈ ઊભો છે. એણે જ્યાં આખા ફ્લેટના કપડાં લીધા કે મેઘરાજા શરૂ થઈ ગયાં. વીજળી પડી છે. ગત વખત જેવી જ લાગે છે. ગત વખતે પડેલી ત્યારે પાછળની બાજુએ આવેલી ઈમારતનો ઉપરનો ભાગ સળગાવી નાખેલ.
રોજ સવારે ઉઠીને આગાહી વિશે લખીએ અને રોજ ખોટા પડીએ. લુચ્ચો વરસાદ પોતે તો લુચ્ચો છે, પણ અમને પણ લુચ્ચો બનાવે છે. એની લુચ્ચાઈમાં અમારે સાંભળવાના વારા આવે છે.
-કાલ આગાહી વિશે લખેલું એ ખોટું હતું.
-પરમ દિવસે પણ ખોટું લખ્યું.
-આજે માંડ માંડ સાચા પડ્યા છો હો. વધારે હુશિયારી મારતા નહીં.
આગાહીઓ વિશે સાચું ખોટું લખતાં લખતાં એક વાત તો સમજાઈ ગઈ કે કુદરત તમારું કે મારું માનતી નથી. આપણે તો માત્ર અડસટ્ટો લગાવીએ છીએ. ભૂતકાળની તારીખો અને વર્તમાનની તારીખોનું સરવૈયુ કાઢી છાપામાં ઈતિહાસ લખીએ છીએ. આપણને આપણી બનાવેલી વસ્તુ પર ભારે વિશ્વાસ હોય છે. એ જે કહે એ સાચું જ હોય એવું બીજાના ચિત્તમાં ઠસાવવાનો પ્રયાસ કરીએ છીએ.
આ વિચારની સાથે એક વાર્તા મનમાં રચાય છે. બેકારી આવશે. પાણી નહીં હોય. લોકો વલખા મારતા હશે. આજે વરસાદ આવશે અને પાણીથી તરબતર થઈ જઈશું એવી કોઈ શરત માંડતું હશે અને એમાંથી રૂપિયા કમાતું હશે. જેણે વરસાદની આગાહી કરી હશે તે પૈસા હારી જશે અને જેને વરસાદ સાથે દુશ્મનાવટ હશે એ જીતી જશે. હીરો કરતા વિલનનું બળ વધારે હોય છે. હીરો તો બધું ગુમાવ્યા બાદ જીતે છે.
આખી સોસાયટીમાં બે સાચા મનુષ્યો દેખાય છે. એ બેઉ કિશોર છે. નીચે જ્યારે કોઈ નથી ત્યારે એ બંને વરસાદનો આનંદ માણતા માણતા લસરપટ્ટીમાં લસરી રહ્યાં છે. એમના ઉઘાડા ડીલને જોઈ ચોમાસુ વધારે જામી ગયું છે. આ બંને કિશોરોની જેમ જ આપણે બધા પહેલા વરસાદનો આનંદ માણીએ તો એનેય મજા આવે? જાનવરોય આપણા જેવા જ થઈ ગયા છે. કબૂતર આવી મારી બારી પાસે લપાઈને બેસી ગયું છે. એનેય મેઘરાજ ગમતો નથી લાગતો! પરિવર્તન સારું છે પણ આટલું પરિવર્તન પણ સારું નહીં. એ તો હવે ઘરમાં ઘુસી ગયું છે. માનું છું કે ભારે વરસાદમાં આ વિહંગ ઉડી ન શકે, પણ ભાઈ મારા, થોડું ભીંજાઈને તો અવાયને. ઘરમાં તારી પાંખોનો ફફડાટ એ પણ વરસાદ જ છે.
હમણાં આ મેઘરાજ પણ ચાલ્યો જશે. સામેના ફ્લેટની બારીમાં જોઉં છું તો એક યુવતી કામ કરી રહી છે. તેની બિલકુલ સામે જ એક આધેડ વયનો પુરુષ પણ કામમાં મગ્ન છે. બીજા બે ચાર ફ્લેટોના પરિવારો ટીવી સામે ગોઠણીયાં ભેરવી બેસી ગયા છે. કોઈ બગાસા ખાતું ઉંઘવાની તૈયારી કરી રહ્યું છે. કોઈ મોબાઈલમાં સમય પસાર કરી રહ્યું છે. વળી એક બહેન ફોનમાં ચિંતામગ્ન થઈ ચર્ચાએ ચડ્યા છે.
કોઈની પાસે કોફી કે ચા લઈ પોત પોતાની બારી પાસે બેસવાનો સમય નથી. હાથમાં પુસ્તક રાખી અષાઢની સુંદરતા અને માટીની સોડમની સાથે અંતરમનને ખીલી ઉઠાવવાનો તહેવાર તેઓ વિસરી ચૂક્યા છે. કદાચ ઘરમાં પુસ્તક જ નથી. ગર્જનાથી ડરી રહ્યા છે. ઉપરથી અવાજ આવે છે, ‘ચાલો અંદર…’ અષાઢ બેઉં છોકરાની વિદાયથી થોડો ઉદાસ થાય છે. પછી જોરદાર પવન ફૂંકાય છે અને વરસાદનો મારા ઘરમાં પ્રવેશ થાય છે. એ ઈચ્છે છે કે લોકો મને અડકે. અષાઢના આ પ્રથમ દિવસે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત