Homeવિશેષગુગલે આજે જેનું ડુડલ બનાવ્યું છે તેનો આ ક્ષેત્રમાં ‘સિંહ’ ફાળો છે

ગુગલે આજે જેનું ડુડલ બનાવ્યું છે તેનો આ ક્ષેત્રમાં ‘સિંહ’ ફાળો છે

Team Chabuk- National Desk: સવારમાં ગુગલ ખોલતા જ એક અનોખું ડુડલ ધ્યાને પડ્યું. આ ડુડલ છે ભારતના જાણીતા વૈજ્ઞાનિક પ્રોફેસર ઉડિપી રામચંદ્ર રાવનું. આજે 10 માર્ચ એટલે અંતરિક્ષ વૈજ્ઞાનિક પ્રોફેસર ઉડિપી રામચંદ્ર રાવનો જન્મદિવસ. ગુગલે તેમને સમર્મિપત ડુડલ બનાવ્યું છે. ભારત દ્વારા જે સેટેલાઈટ કાર્યક્રમો કરવામાં આવ્યા તેમાં ઉડિપી રામચંદ્ર રાવ સાહેબનો સિંહ ફાળો રહ્યો છે. તેમણે સેટેલાઈટ પ્રોગ્રામને એક નવી દિશા આપી છે. તેથી તેઓને સેટેલાઈટ મેન ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે.

વર્ષ 1975માં ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અંતરિક્ષમાં મોકલ્યો તેનું નેતૃત્વ ડોક્ટર રાવ સાહેબે જ કરેલું. તેમના નેતૃત્વમાં આર્યભટ્ટનું અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં રાવ સાહેબની મહત્વની ભૂમિકા છે.

અંતરિક્ષ વિજ્ઞાન ઉપરાંત ઉડિપી રામચંદ્ર રાવ સાહેબનું યોગદાન માહિતી ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ એટલું જ છે. પ્રોફેસર ઉડિપી રામચંદ્ર રાવ સાહેબનો જન્મ 10 માર્ચ, 1932ના રોજ કર્ણાટકના ઉડુપી જિલ્લાના ઉડામારુમાં થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા અને પોતાની આવડત અને ધગશના કારણે આગળ વધેલા રાવ સાહેબનું નામ આજે ભારતના પ્રથમ હરોળના વૈજ્ઞાનિકોમાં લેવામાં આવે છે.

રાવ સાહેબ ઈસરોના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ઉપરાંત તેઓ ભારતના અંતરિક્ષ સચિવ પણ હતા. તેઓ અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળાના શાંસકીય પરિષદના અધ્યક્ષ પદે પણ રહ્યા.

પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત

ડોક્ટર પ્રોફેસર ઉડિપી રામચંદ્ર રાવ સાહેબની આગેવાનીમાં ભારતે વર્ષ 1975માં પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટનું અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ કર્યું. આ ઉપરાંત અન્ય 20થી વધુ સેટેલાઈટ ડિઝાઈન તૈયાર કરી અને સાથે જ તેને અંતરિક્ષમાં સફળ રીતે મોકલ્યા હતા. અંતરિક્ષ વિજ્ઞાનમાં આ અભૂતપૂર્વ યોગદાન બદલ રાવ સાહેબને ભારત સરકાર દ્વારા 1976માં દેશનો ત્રીજું સર્વોચ્ય સન્માન એટલે કે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં ભારતનો બીજું સર્વોચ્ય સન્માન એટલે કે પદ્મ વિભૂષણ પણ રાવ સાહેબને આપવામાં આવ્યો.

વર્ષ 2013માં સોસાયટી ઓફ સેટેલાઈટ પ્રોફેશનલ્સ ઇન્ટરનેશનલે પ્રોફેસર રાવ સાહેબને ‘સેટેલાઈટ હલ ઓફ ફેમ, વોશિંગ્ટન’નો ભાગ બનાવ્યા હતા.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોટિકલ ફેડરેશનને પણ પ્રતિષ્ઠિત ‘આઈએએફ હોલ ઓફ ફેમ’માં સામેલ કર્યા હતા.

ભારતના મહાન અંતરિક્ષ વૈજ્ઞાનિક રાવ સાહેબ વર્ષ 1984થી 1994 વચ્ચે દસ વર્ષ સુધી ઈસરોના અધ્યક્ષ તરીકે રહ્યા. આ દરમિયાન તેમના નેતૃત્વમાં ઇસરોએ અનેક આયામો સર કર્યા. આર્યભટ્ટથી લઈને મિશન મંગળ સુધીની અનેક યોજનાઓમાં રાવ સાહેબે પોતાનું અમૂલ્ય માર્ગદર્શન અને યોગદાન આપ્યું.

તેઓનું નિધન 24 જુલાઈ 2017ના રોજ 85 વર્ષની વયે થયું. નિધન પહેલાં તેઓ તિરુવનંતપુરમમાં ભારતીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંસ્થાનના કુલપતિ પદે કાર્યરત હતા. દેશના આ મહાન વૈજ્ઞાનિકનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓને ચાબુક નમન કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments