Homeતાપણુંબજેટ તો દગાબાજ છે: કોંગ્રેસ

બજેટ તો દગાબાજ છે: કોંગ્રેસ

ગોવાબાપાઃ ચાબુક આજે તો તું બજેટ ઉપર ધડાધડ સમાચારો લખવા માંડ્યો તો. હેડિંગ પણ જોરદાર મારતો જતો હતો હો ચાબુક.

ગોવાબાપા આપણા વાચકોને કંઈક અલગ તો પીરસવું જ પડે ને.

હા, ચાબુક ઈ વાત તો સાચી હો.

હાલ તારે હુંય થોડી બજેટ અંગે વાતો કરી લઉં.

ચાબુક આ શેરબજાર તો મોજમાં આવી ગ્યું. જાણે કે શેરબજારને બજેટનો નશો ચડ્યો હોય એમ વધ્યું હો. સેન્સેક્સ 2314 પોઈન્ટ અને નિફ્ટી 646 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયું. હા મોજ હા… આ નશા પરથી યાદ આવ્યું ચાબુક કે, બજેટમાં સરકારે જાહેરાત કરી છે કે આવતીકાલથી દારૂ પર 100 ટકા એગ્રી ઈન્ફ્રા સેસ લાગશે. દારૂ ઉપરાંત મોબાઈલ, મોબાઈલના પાર્ટ્સ, પેટ્રોલ-ડીઝલ, યુરીયા અને ડીએપી ખાતર, સોલર ઈન્વર્ટર, લેધરના જૂતાં, કોટનનાં કપડાં, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ઓટોપાર્ટ્સ જેવી વસ્તુઓ મોંઘી થશે.

તો સસ્તું શું થશે ગોવાબાપા ?

ચાબુક સોના-ચાંદી પર આયાત ડ્યૂટીમાં 7.5 ટકાનો ઘટાડો કરાતાં ઘરેણાં સસ્તા થશે. આ ઉપરાંત લોખંડ, ચામડાની વસ્તું, સ્ટીલના વાસણ, વીજળી, તાંબાના વાસણ, કૃષિના સાધનો, ઇન્શ્યોરન્સ, ડ્રાય ક્લિનિંગ, પોલિસ્ટર જેવી વસ્તુઓ સસ્તી થશે..

ચાબુક સરકારે જે રાજ્યમાં આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળને હાઈવેની ભેટ, તમિલનાડુને ટેક્સટાઈલ પાર્કની ભેટ, કેરળને મેટ્રો અને હાઈવેની ભેટ અને આસામને હાઈવે બનાવવા 34 હજાર કરોડની ભેટ અપાઈ છે.

બજેટની મુખ્ય વાત

ચાબુક બજેટની મુખ્ય વાતોમાં ઈન્કમટેક્સ સ્લેબની વાત કરીએ તો. નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઈ રાહત નથી. ઈન્કમટેક્સ સ્લેબ જૈસે થે જ છે. 75 વર્ષથી ઉપરનાને ટેક્સમાંથી મુક્તિ અપાઈ છે. કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડ, જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી આવશે, હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે, 7 ટેક્સટાઈલ પાર્ક બનાવાશે. 3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે, એર ઈન્ડિયાને સરકાર વેચશે, એલઆઈસીનો આઈપીઓ આવશે વગેરે વગેરે..  જાહેરાતો બજેટમાં કરાઈ છે.

દગાબાજ બજેટઃ કોંગ્રેસ

કોંગ્રેસે આ બજેટને દગાબાજ બજેટ ગણાવ્યું છે. કોંગ્રેસ નેતા રણદિપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને બજેટને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે, ‘આ બજેટને એક શબ્દમાં કહેવું હોય તો દગો કહી શકાય. આ દગા પર આધારિત છે. બજેટે ગરીબોને દગો આપ્યો, નોકરિયાતને દગો આપ્યો, મજૂર-ખેડૂત-નાના ઉદ્યોગપતિઓને દગો આપ્યો. જ્યારે ચીન આપણી જમીન પર કબ્જો કરી રહ્યું છે ત્યારે સરકારે બજેટમાં રક્ષા ક્ષેત્રે એક રૂપિયા પણ વધારે ફાળવ્યો નથી’

હવે ચૂંટણીની વાત ચાબુક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઘણા મૂરતિયા તૈયાર થઈ ગયા હતા ત્યાં જ પાટીલ ભાઉએ ઘણાની પીપુડી બંધ કરી દીધી.

ચાબુક આજે સીએમના બંગલે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં સી.આર. પાટીલે કડક નિર્ણય લીધો છે. સી.આર.પાટીલે સગાવાદનો છેદ ઉડાડી દીધો છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના આગેવાનોના સગા-સંબંધીમાંથી કોઈને ટિકિટ નહીં મળે.

પાટીલ ભાઉનો બીજો નિયમ કહે છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે હવે આરામ કરો. એટલે કે 60 વર્ષથી વધુની ઉંમરનાને ટિકિટ નહીં મળે. ચાબુક મેં તો બે દિવસ પહેલાં જ વડોદરા ભાજપના નિર્ણય બાદ કહેલું કે ‘ગઈ ભેંસ પાણીમાં’, એટલે કે આટલા વર્ષો સુધી પક્ષમાં મહેનત કરી હોય અને હવે ટિકિટ ન મળે તો દુઃખ તો થાય જ હો..

ત્રીજો નિયમ છે કે જે નેતા ત્રણ વખતથી કાઉન્સિલર હશે તેમને ટિકિટ નહીં અપાય. નવા કોઈને ચાન્સ મળશે. એટલે ચાબુક કહી શકાય કે સી.આર.પાટીલના આ નિર્ણયથી ભલભલા નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.

સારું હાલ્ય ચાબુક મને તો આ શિયાળામાં બહું ઉંઘ આવે હો. હું તો આ ચાલ્યો સુવા, આવજે..

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments