બેટા ચાબુક, આ અમિતભાઈ મિશન બંગાળ પર નીકળી ગયા છે. અને પહેલાં દિવસે જ 10 વિકેટ પાડી દીધી છે હો.
બે દિવસ પહેલાં મમતા બેનર્જીની પાર્ટીના શુભેન્દુ અધિકારીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ ભાજપનો કેસરિયો ધારણ કરી ચૂક્યા છે.
અમિતભાઈ શાહે આજે પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં રેલી કરી હતી અને ત્યાં જ તેમની હાજરીમાં શુભેન્દુ અધિકારી સહિત 9 ધારાસભ્ય અને એક સાંસદ સભ્ય ભાજપમાં જોડાયા છે. અને ચાબુક અમિતભાઈએ તો મમતા દીદીની ચિંતા વધારતા કહ્યું કે, હજુ તો આ શરૂઆત થઈ છે ચૂંટણી આવતા આવતા તો મમતા દીદી તમે એકલા જ રહી જશો.
અમિતભાઈએ તો બંગાળની વિધાનસભા ચૂંટણીમાં 200 બેઠક જીતવાનો દાવો પણ કરી નાખ્યો છે ચાબુક. અને કહ્યું છે કે બંગાળની જનતા એક મોકો આપશે તો બંગાળને સોનાર બાંગ્લા બનાવી દઈશું.
નેતાઓને કોઈ નિયમ લાગુ ન પડે ?
ચાબુક આ કોરોના અંગે વડાપ્રધાન મોટા મોટા ભાષણો આપીને કહે છે કે, દો ગજ કી દૂરી બહોત જરૂરી. માસ્ક પહેરો વગેરે વગેરે. પરંતુ આ સલાહ સૂચનો સામાન્ય જનતા માટે હોય એવું જ લાગે છે. આજની મિદનાપુરની અમિત શાહની રેલીના દ્રશ્યો જોયા તે ચાબુક ?
ના ગોવા બાપા.
ક્યાંય જોવા જવાની જરૂર નથી. ગુજરાત ભાજપના જ ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીએ ગર્વભેર આ વીડિયો પોતાના ટ્વિટર પર મૂક્યો છે. એ વીડિયોમાં ભીડ જો, તને લાગશે કે આ તો આપણા તરણેતરના મેળાના દ્રશ્યો છે. પહેલાં તું નીચેનો વીડિયો જોઈ લે..
Visuals from Shri @AmitShah Ji’s rally in Medinipur,West Bengal. pic.twitter.com/EJoiAtKrFB
— Harsh Sanghavi (@sanghaviharsh) December 19, 2020
જોયુને ચાબુક આ બંગાળના દ્રશ્યો છે અને એય પાછા દેશના ગૃહમંત્રી અમિત શાહની રેલીના હો. ભીડમાં કાઈ ઘટે નહીં.
ઘટે તો કોરોના ઘટે.
કોંગ્રેસ પાસે વિકલ્પ જ નથી
ચાબુક આ કોંગ્રેસનું હાઈકમાન્ડ ચિંતામાં છે કે દેશભરમાં કોંગ્રેસને મજબૂત કરી શકે તેવો નેતા કોને બનાવવો. એટલે કે અધ્યક્ષની શોધમાં કોંગ્રેસ છે. તેને લઈને જ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે પાંચ કલાક સુધી ચર્ચા વિચારણા કરી.
ચર્ચાના અંતે શું નિર્ણય લેવાયો ગોવા બાપા ?
પાંચ કલાકની ચર્ચાના અંતે કોંગ્રેસને કોઈ નવું નામ તો ન જ મળ્યું ચાબુક. અંતે બેઠકમાં સામેલ તમામ નેતાઓએ રાહુલ ગાંધીના નામ પર ફાઈનલ મહોર મારી છે. જેથી આગામી થોડા દિવસોમાં કોંગ્રેસના અધ્યક્ષ પદે રાહુલ ગાંધી ફરી આવી શકે છે. ચાબુક રાહુલ ગાંધીએ પણ કહ્યું કે મને જે જવાબદારી સોંપવામાં આવશે તેને સારી રીતે સંભાળીશ. જોઈએ ચાબુક રાહુલ ગાંધી પાર્ટીને ફરી દોડતી કરી શકે છે કે કેમ.
લવ જેહાદ મુદ્દે પાટીલભાઈનો શું છે મત ?
થોડા દિવસ પહેલાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને યુપીની જેમ લવ જેહાદનો કાયદો બનાવવા માગ કરી હતી ચાબુક. અને હવે આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બોલ્યા છે.
સી.આર.પાટીલે આજે વડોદરામાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, એકાદ ધારાસભ્યના પત્રથી કોઈ ફરક નહીં પડે. તમામની સહમતી જરૂરી છે. છતાં, લવ જેહાદના બનાવો પર અંકુશ લાવવા કડક અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
વડોદરા ખાતે પ્રેસ-મિડીયાનાં મિત્રો સાથે સંવાદ….https://t.co/dkT0zGFOq2
— C R Paatil (@CRPaatil) December 19, 2020
ઈન્ટર્ન ડોક્ટરોના સ્ટાઈપેન્ડનો વિવાદ ઉકેલાયો
ચાબુક ગુજરાતના ઇન્ટર્ન ડોક્ટરોએ સરકાર સામે સ્ટાઈપેન્ડ વધારવા માગ કરીને હડતાળ પાડી હતી. આ હડતાળના પડઘા પડ્યા છે. નીતિન પટેલે આપેલા આશ્વાસન બાદ આજે ઈન્ટર્ન ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
કેટલો વધારો કર્યો ગોવા બાપા ?
ઇન્ટર્ન ડોક્ટરોએ જેટલો વધારો માગ્યો હતો એટલો તો નથી કર્યો. પણ જે પહેલા 12,800 રૂપિયા મહિને મળતાં હતા તેમાં 5200 રૂપિયાનો વધારો કરી દેવાયો છે એટલે હવે ઇન્ટર્ન ડોક્ટરોને મહિને 18,000 રૂપિયા મળશે. આનાથી 2200થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોને લાભ મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત