ચાબુક તને તો ખબરને હમણાં રાજ્યમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછાડ મળેલી.
હા, ગોવાબાપા કોંગ્રેસે ખાતું પણ ન ખોલાવ્યું.
હા, બેટા એકેય ન જીત્યા.
ચાબુક આ ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ શરૂ થઈ ગયા છે. પેટાચૂંટણીની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી અમિતભાઈ ચાવડા અને વિપક્ષ નેતા પદેથી પરેશભાઈ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે.
કોંગ્રેસની હાર માટે બન્નેએ સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી અને લેખિત રાજીનામું આપી દીધું. રાજીનામું લઈને કોંગ્રેસ પ્રભારી દિલ્હી હાઈકમાન્ડ પાસે પણ પહોંચી ગયા છે. વાત તો એવી પણ થઈ રહી છે કે પ્રભારી રાજીવ સાતવ પણ રાજીનામું આપી શકે છે.
તો હવે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે ગોવા બાપા ?
બેટા ચાબુક પદ ખાલી પડે એટલે મેળવવાવાળા તો ઘણાય હોવાના. નહીં મળે તો નારાજ પણ ઘણા થવાના, પરંતુ કોંગ્રેસમાં અમુક નામોની ચર્ચા ચાલી રહી છે.
પરેશભાઈ ધાનાણીએ વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપ્યા બાદ નવા વિપક્ષ નેતા તરીકે શૈલેષભાઈ પરમાર, અશ્વિનભાઈ કોટવાલ અને પૂંજાભાઈ વંશના નામ પર ચર્ચા થઈ રહી છે.
જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટે સૌથી આગળ નામ ચાલી રહ્યું છે હાર્દિક પટેલનું. હાર્દિક પટેલ હાલ કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ તો છે જ પરંતુ હવે કાયમી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનશે તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. અનુભવના આધારે તો અર્જુનભાઈ મોઢવાડીયા અને જગદીશભાઈ ઠાકોરનું નામ નવા પ્રદેશ પ્રમુખ તરીકે લેવાઈ રહ્યું છે. જોઈએ કોંગ્રેસ કોને આ બન્ને જવાબદારી સોંપે છે.
ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળ પૂર્ણ
ચાબુક રાજ્યના ઇન્ટર્ન ડોક્ટરો ત્રણ દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. નીતિનભાઈ પટેલે તો આ ઇન્ટર્ન ડોક્ટરોને ચેતવણી આપતાં કહ્યું હતું કે, ફરજ પર હાજર નહીં થાવ તો ગેરહાજરી પૂરાશે અને પીજીમાં એડમિશન પણ નહીં મળે. પરંતુ તેમ છતાં ઇન્ટર્ન ડોક્ટરોએ બે દિવસ સુધી હડતાળ ચાલુ રાખી અને અંતે સરકારે જ ઇન્ટર્ન ડોક્ટરો સામે નમતું જોખવું પડ્યું. નીતિન પટેલે જ કહ્યું કે, માગણીઓ અંગે નિવારણ લાવવામાં આવશે. આમ સરકારે ખાતરી આપતા ત્રીજા દિવસે ઇન્ટર્ન ડોક્ટરોએ પોતાની હડતાળ સમેટી લીધી છે.
સારું થયું ગોવા બાપા એક આંદોલનનો તો અંત આવ્યો. પરંતુ આ ખેડૂતોનું આંદોલન ક્યારે પૂર્ણ થાય છે તે જોવું રહ્યું હો ગોવા બાપા.
ટ્રમ્પને કોણે આતંકી કહ્યા ?
આ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર માનવા તૈયાર નથી હો ચાબુક. ઘણા દિવસથી નાના છોકરાની જેમ હઠ પકડીને ટ્રમ્પ બેઠા છે પરંતુ તેમની વિદાય નક્કી છે હો ચાબુક. કેમ કે સોમવારે અમેરિકામાં યોજાયેલી ઇલેક્ટોરલ કોલેજે જો બાઈડેનની જીતની પુષ્ટી કરી લીધી છે. જેથી હવે વિરોધી દેશ ટ્રમ્પની વિદાયથી ખુશ છે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ડોનાલ્ડ ટ્રમ્પ ખુરશી પરથી હટી રહ્યા છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું કે, “મને એ વાતનો આનંદ છે કે કોઈ કાયદામાં ન માનનારા આતંકી ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડી રહ્યા છે.”
ચાબુક તને ઠંડી નથી લાગતી ?
લાગે છે ને ગોવાબાપા, પણ તમારા જેટલી નહીં, તમે તો જો કેટલા બધાં ગરમ કપડાં ઠપકારીને બેઠાં છો.
ચાબુક તું જુવાન છો ને હું વૃદ્ધ અમને ઠંડી વધુ લાગે. પરંતુ તને ખબર ન હોય તો કહીં દઉં કે બે દિવસ તું પણ મારી જેમ ગરમ કપડાં ઠપકારીને આવજે. આ હવામાન ખાતાવાળાવે આગાહી કરી છે કે આ વર્ષે ઠંડી અગાઉના ઘણા વર્ષોના રેકોર્ડ તોડવાની છે. એટલે કે હાડ ધ્રુજાવતી ઠંડી પડશે. અને ઉપરથી આ કોરોના. જો ઠંડીમાં બીમાર પડી ગયા તો… એટલે ઠંડીમાં ધ્યાન રાખવું જરૂરી છે.
હાલ ચાબુક આજે આટલું બસ, આ કરફ્યૂ શરૂ થાય એ પહેલાં ઘર ભેગા થઈએ.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર