Team Chabuk-Political Desk: ગઈકાલે જ શપથવિધિ થઈ જવાની હતી પણ આંતરિક કલહને જોતા શપથવિધિ રદ કરવામાં આવી. કલહકારી ગઈકાલમાં જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે કદાવર નેતાઓની બાદબાકી થઈ રહી છે. આજે એ સ્પષ્ટ પર રાઈટનું નિશાન પણ લાગી ગયું છે. આખી કેબિનેટ નવી છે. નાણામંત્રાલય સંભાળતા નીતિન પટેલની છુટ્ટી કરી દેવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી પણ નથી. સૌરાષ્ટ્રના નેતાઓ પર કાપકૂપ ચલાવવામાં આવી છે. એવી કાતર ચાલી છે કે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતાઓ અત્યારે શું વિચારતા હશે? જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા નથી, જયેશભાઈ રાદડિયાનું પણ પત્તુ કપાયું છે. પ્રદીપ સિંહ તો છેલ્લે સુધી ક્યાંય ચિત્રમાં જ નથી દેખાતા. નીતિનભાઈ અને વિજયભાઈને તો પહેલાથી જ નવી ટીમની ખબર પડી ગઈ હશે.
નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની વિદાયનું ઢોલક ત્યારથી જ વાગી ગયું હતું જ્યારે તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી. સ્પષ્ટ થઈ ગયું કે હવે જૂના ચહેરાઓને હટાવી એક નવી ટીમ હાઈ કમાન્ડ બનાવવા માગે છે. નીતિન પટેલના મીડિયામાં કંઈ કેટલાય નિવેદનો લેવામાં આવ્યા. છેલ્લે તો નીતિનભાઈના આંસુ પર પણ મીડિયાનો કેમેરો ઝૂમ થયો હતો! આજે નીતિન પટેલની કેબિનેટમાંથી પણ બાદબાકી થઈ ગઈ છે. હવે તેઓ માત્ર પોતાના વિસ્તારના એક ધારાસભ્ય છે. જોકે તેઓ પહેલા જ કહી ચૂક્યા છે કે હું પાક્કો મહેસાણી છું અને મહેસાણીઓનાં દિલમાંથી મને કોઈ નહીં કાઢી શકે. તો શું આ હકાલપટ્ટીને નીતિન પટેલનું વિદાયનામું ગણી લેવું?
વિજય રૂપાણી
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તો હોશે હોશે સીટ ખાલી કરી દીધી. કોઈ પ્રકારનો વિવાદ નહીં. શાંતિપૂર્વક તેમણે ચાલતી પકડી અને એમાંય મુખ્યમંત્રીના હોમગ્રાઊન્ડની મીડિયાએ તેમના ભરપૂર વખાણ કર્યા. સોશિયલ મીડિયા પણ પૂર્વ મુખ્યમંત્રીની પીઠ થાબડતી હતી. તેમની કામગીરીને વખાણવામાં આવી રહી હતી. જોકે કોઈ એમ નહોતું કહી રહ્યું કે મુખ્યમંત્રીને તેમની ખરાબ કામગીરીના કારણે પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે. રાજકારણમાં કોઈને હટાવાય શું કામ ? કાં તો ચૂંટણી નજીક આવી રહી હોય તો ડેમેજ કન્ટ્રોલ કરવા માટે અથવા તો કામગીરી સારી ન હોય તો. પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી રાધિકાબહેનનો સંવેદનાસભર પત્ર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને નેશનલ મીડિયા સુધી ચમકી ગયો હતો. હવે તેઓ પણ એક સામાન્ય ધારાસભ્ય જ છે. મંત્રીમંડળમાં તેઓ નથી. વિજયભાઈ તો પહેલા જ ભાજપના વખાણ કરી પાર્ટી જે કામ સોંપશે તે કરીશું એવું કહી ચૂક્યા છે. જોઈએ કે ભાજપ હવે તેમને શું કામગીરી સોંપે છે.
પ્રદીપસિંહ જાડેજા
ગુજરાતમાં એક સમયે ગૃહખાતુ સંભાળતા હતા. મુખ્યમંત્રીને પદ પરથી હટાવી નવા મુખ્યમંત્રીને લાવવામાં આવ્યા એ સાથે જ આખી ટીમ પણ નવી આવી ગઈ. એમાં પ્રદીપસિંહ જાડેજાનું પણ પત્તુ કપાઈ ગયું. આજે તેઓ પણ એક ધારાસભ્ય સિવાય કશું નથી. હવે તેમને પોતાના વિસ્તારની જનતા માટે જ કામ કરવાનું છે.
જવાહર ચાવડા-કુંવરજી બાવળિયા-જયેશ રાદડિયા
સૌરાષ્ટ્રની આ ત્રિવેણી વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ અપક્ષમાં ઊભે તો પણ જીતી જાય. જવાહરભાઈ અને કુંવરજીભાઈ કોંગ્રેસમાંથી આવ્યા હતા. એક મોટું નામ ધરાવતા હતા. બંનેના ભારતીય જનતા પાર્ટીમાં આવી જવાથી કોંગ્રેસને સૌરાષ્ટ્રના નેતૃત્વમાં મોટો ફટકો પડ્યો હતો. બંનેએ પુન: પોતાની પરંપરાગત સીટ પરથી જીત મેળવી હતી. બંનેએ કેબિનેટમાં સ્થાન મેળવ્યું હતું, પણ તેમને પક્ષપલ્ટુ હોવાનો વધારે ફાયદો નથી મળ્યો. જયેશભાઈ રાદડિયા પણ પોતાના વિસ્તારનું મોટું નામ છે. તેમને પણ મંત્રીપદ ગુમાવવાનો વારો આવ્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા-સૌરભ પટેલ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણમંત્રી હતા. તેઓ તો છેલ્લે સુધી આ સમગ્ર વિધિમાં ડોકાયા જ નહીં. આ રીતે જ સૌરભ પટેલનું પણ થયું. તેમનું પણ મંત્રીમંડળમાંથી સાયોનારા થઈ ગયું છે. આ સિવાય મોટા ગજાના નેતાઓમાં પરષોત્તમભાઈ સોલંકી, ઈશ્વરભાઈ પટેલ, દિલીપ ઠાકોરનો સમાવેશ થાય છે. એટલે કે જૂની ટીમ હવે અતિતરાગ બની ચૂકી છે. નવી ટીમ હવે કમળ ખીલાવે છે કે નહીં તે જોવાનું રહેશે. આવનારા પંદર મહિના તેમના માટે કશ્મકશ ભરેલા રહેવાના છે, કારણ કે હાઈ કમાન્ડની સામે પોતાની કામગીરી પણ દર્શાવવી પડશે ઉપરથી મેદાનમાં નવી આવેલી આમ આદમી પાર્ટી પણ પડકાર છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ