Team Chabuk-Gujarat Desk: આખરી ગુજરાત સરકારના મંત્રી મંડળને નવો રંગરૂપ આપી દેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ આજે 24 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લઈ લીધા છે. બપોરે દોઢેક વાગ્યે ગાંધીનગરના રાજભવન ખાતે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ શરૂ થયો હતો. જૂના તમામ મંત્રીઓને પડતાં મૂકીને આજે નવા 24 મંત્રીઓએ શપથગ્રહણ કર્યા છે. નો રિપીટ થિયરી અપનાવીને તમામ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે. જેમા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 અને રાજ્ય કક્ષાના 9 પદનામિત મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતેન્દ્ર વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલ, નિમીષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદ મોરડીયા અને દેવા માલમે શપથ ગ્રહણ કર્યા હતાં.
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી. જેમા નો રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે. જેમા 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં તમામ જાતિસમીકરણોને ધ્યાને રાખીને ધારાસભ્યોની મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. મંત્રીમંડળમાં સૌથી યુવા મંત્રી તરીકે સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી છે તેઓ 36 વર્ષની ઉંમરે મંત્રી બન્યા છે જ્યારે મંત્રીમંડળમાં સૌથી વધુ વય ધરાવતા મંત્રી તરીકે પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ છે. કનુ દેસાઈની ઉંમર 70 વર્ષ છે.
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, અગ્ર સચિવઓ, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત