Homeતાપણુંભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના રાજકોટ આગમન સમયે વજુભાઈ અને વિજય રૂપાણી રાજકોટ...

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના રાજકોટ આગમન સમયે વજુભાઈ અને વિજય રૂપાણી રાજકોટ બહાર રહેતાં અનેક તર્ક-વિતર્ક

Team Chabuk-Political Desk: રાજકોટ ભાજપમાં અંદરોઅંદર ચાલી રહેલા જૂથવાદની વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે રાજકોટ પ્રવાસે છે. સી.આર.પાટીલનું રાજકોટ ભાજપ દ્વારા એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલ પર ફૂલ વર્ષા કરીને કાર્યકરો અને હોદ્દેદારોએ પાટીલને આવકાર્યા હતા. સી.આર.પાટીલના આગમનને લઈને સવારથી મોટી સંખ્યામાં કાર્યકરો એરપોર્ટ પર પહોંચ્યા હતા. પરંતુ પાટીલના રાજકોટ આગમન વખતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની રાજકોટમાં ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

જો કે, સી.આર.પાટીલનો આજનો કાર્યક્રમ અગાઉથી જાહેર હતો. પાટીલની હાજરીમાં કાર્યકરોનું સ્નેહમિલન યોજાવાનું હતું પરંતુ આ પહેલાં જ 15 તારીખે ભાજપ દ્વારા સ્નેહમિલન યોજી દેવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે જે રીતે સ્ટેજ પર બોલાચાલી થઈ હતી તેના કારણે બીજા દિવસે પાટીલની હાજરીમાં યોજાનાર સ્નેહમિલન રદ કરી દેવાયું હતું.

આ તમામ વાદ-વિવાદની વચ્ચે શહેર ભાજપ દ્વારા આજે સી.આર.પાટીલનું સ્વાગત કરાયું છે. એરપોર્ટથી સી.આર.પાટીલ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદમાં સી.આર.પાટીલે વિવિધ મુદ્દે પત્રકારોના સવાલોનો જવાબ આપ્યા હતા.

કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત, નોનવેજ-ઈંડાની લારી હટાવવાનો વિવાદ, પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવા, રાજકોટ ભાજપમાં ચાલી રહેલા વિવાદ સહિતના મુદ્દે સી.આર.પાટીલે પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા. વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, 2014 પછી 1,64,000 કરોડ જેવી માતબર રકમ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી છે. અમરિશ ડેરને આમંત્રણ આપ્યું નથી. પાટીદાર આંદોલનના ઘણા બધા કેસો પાછા ખેંચી લીધા છે. બીજા 78 કેસો પાછા ખેંચવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય તેની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી તે વસ્તુ લોકો વેચી શકે છે.

પત્રકાર પરિષદ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ત્રણ-ચાર ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. બપોરે 12.30 વાગ્યે ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. 3 વાગ્યે શહેર ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલ ખાતે મિલન થશે અને એ જ સ્થળે 4 વાગ્યે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજર રહેશે.

સત્તા પરિવર્તન બાદ સી.આર. પાટીલ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા રાજકોટમાં હાજર નથી. બંને નેતાઓ બહારગામ હોવાનું કહેવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બ્રહ્મ સમાજના જ આગેવાન નીતિન ભારદ્વાજ પણ બહારગામ હોવાનું સ્થાનિક નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં શહેરના હોદ્દેદારો અને સંગઠનની વિવિધ પાંખના નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. શહેર ભાજપમાં કેટલાક દિવસોથી શરૂ થયેલા જૂથવાદ મુદ્દે પ્રદેશ પ્રમુખ કેટલાક નેતાઓ માટે સાંકેતિક વાતો કરશે તેમજ કેટલાક નેતાઓ સાથે બંધબારણે પણ બેઠક કરશે, એવું ભાજપનાં સૂત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments