Homeતાપણુંહાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું, કહ્યું, CAA-NRC, કલમ ૩૭૦, GSTના મુદ્દામાં કોંગ્રેસ અડચણરૂપ...

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું, કહ્યું, CAA-NRC, કલમ ૩૭૦, GSTના મુદ્દામાં કોંગ્રેસ અડચણરૂપ બનતી હતી

Team Chabuk-Political Desk: હાર્દિક પટેલને લાંબા સમયથી કોંગ્રેસ પ્રત્યેની ચાલી રહેલી નારાજગી બાદ હવે અંતે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આજ રોજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોનિયા ગાંધીને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે તે, કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.

હાર્દિક પટેલે સોનિયા ગાંધીને લખેલો પત્ર વાંચો અક્ષરશઃ

શ્રીમતિ સોનિયા ગાંધીજી,

ઘણા પ્રયત્નો પછી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશ અને સમાજના હિતની તદ્દન વિરુદ્ધના કાર્યોને કારણે કેટલીક બાબતો તમારા ધ્યાન પર લાવવી અત્યંત જરૂરી બની ગઈ છે.

આ 21મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોને સક્ષમ અને મજબૂત નેતૃત્વ જોઈએ છે. છેલ્લા લગભગ ૩ વર્ષમાં મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની હોય, દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઇચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી. ભારત હોય, ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું છે. દેશના લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજૂ કરી શક્યું નથી.

કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અર્ને અન્ય બાબતો પર વધારે રહેતું. જયારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય. તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે ?

દુ:ખ થાય છે જયારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને રોજના ૫૦૦-૬૦૦ કિમીનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે, લોકોની વચ્ચે જાય છે અને ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં. હું જ્યારે પણ યુવાનો વચ્ચે જતો ત્યારે બધાએ એક જ વાત કરી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું જ અપમાન કરે છે. પછી ભલે તે ઉધોગ ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્રમાં હોય કે પછી તે રાજકારણના ક્ષેત્રમાં હોય. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવાનોનો ભરોસો તોડ્યો છે, જેના કારણે આજે કોઈ યુવા કોંગ્રેસ સાથે પોતાને જોવા પણ નથી માંગતો.

મારે અત્યંત દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળો પાડ્યો છે અને તેના બદલામાં પોતે જ મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે. રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.

રાજકારણમાં સક્રિય દરેક વ્યક્તિનો ધર્મ હોય છે કે જનતા માટે કામ કરતા રહે, પરંતુ અફસોસની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈ જ સારું કરવા માંગતી નથી. તેથી જ્યારે પણ હું ગુજરાતની જનતા માટે કંઈક કરવા માંગતો હતો ત્યારે પાર્ટીએ મારી અવગણના જ કરી છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા રાજ્ય, અમારા સમાજ અને ખાસ કરીને યુવાનો પ્રત્યે આટલો દ્વેષ પોતાના મનમાં રાખે છે.

આજે ખૂબ હિંમત કરીને હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપે છે. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. હું એમ પણ માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ. જનતા તરફથી મને મળેલ પ્રેમનું ઋણ હું હંમેશા ચૂકવવાનો પ્રયત્ન કરીશ. આભાર..

હવે શું કરશે હાર્દિક ?

હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની વાત ઘણા સમયથી સપાટી પર હતી. હાર્દિક પટેલ પણ નારાજ હોવાની વાત મીડિયા સમક્ષ સ્વીકારી ચૂક્યો છે. ત્યારે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ આગામી સમયમાં શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments