Team Chabuk-Gujarat Desk: પંખી, નદીયાં પવન કે ઝોંકે… કોઈ સરહદના ઇન્હેં રોકેં… જો કે સરહદની આ અદૃશ્ય રેખાઓ લોક સમુદાયોની બોલી, સંસ્કૃતિ, પરંપરાઓ, વિધિવિધાનો, તહેવારો, ઉત્સવો, મેળાઓ, સંગીત, નૃત્ય અને ગીતો, પહેરવેશ અને આભૂષણો ને જુદાં પાડી શકતી નથી. જેનું બોલકું ઉદાહરણ પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશના અલીરાજપુર, ઝાબુઆ ક્ષેત્રોમાં હોળીના તહેવારોના ભાગરૂપે યોજાતા હોળી મેળાઓ છે. જેમાં સરહદના ભેદ વગર બંને રાજ્યોના આદિજાતિ સમુદાયો હરખભેર સાથે મળીને માણે છે.

આ આદિજાતિ ક્ષેત્રોના હોળી મેળાઓમાં ભંગોરિયા કે ભગુરિયાના નામે ઓળખાતા હોળી પહેલાના સાપ્તાહિક હાટ, હોળી પછી ભરાતા ગેરના મેળાઓ અને ચૂલના મેળાઓનો સમાવેશ થાય છે. આજે સોમવારે (તા.૧૪/૦૩)ના રોજ ગુજરાતના કવાંટની સાથે મધ્ય પ્રદેશના અલીરાજપુર અને ભાભરા ( વીર ચંદ્રશેખર આઝાદનું જન્મ સ્થળ) ખાતે સાપ્તાહિક હાટ પ્રસંગે ભંગોરિયાના ઢોલના તાલે અને વાંહળીના નાદે નૃત્યની મસ્તીમાં ઝૂમતા હોળી મેળાઓ ભરાવાના છે. દશેરાના મેળા પછી પિહવા વગાડવાનું બંધ કરીને વાંહળી વગાડવામાં આવે છે. દિવાસાથી પીહવા અને અખાત્રીજથી ઘાઘરી નામનું વાદ્ય વગાડવા માં આવે છે.
કવાંટનું ભંગોરિયું અને હોળીના ધુળેટી પછીના દિવસે યોજાતી ગેર મુલ્ક મશહૂર છે જેનું શ્રેય એક સમયે આદિજાતિ કલ્યાણ પ્રવૃત્તિઓ થી ધમધમતા રંગપુર (કવાંટ) ના આનંદ નિકેતન આશ્રમ ને જાય છે જેને લીધે વિશ્વના લોક સંસ્કૃતિ સંશોધકો એક સમયે આ મેળાઓ માણતા અને તેનું ડોક્યુમેન્ટેશન કરતા. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આ વર્ષે ભંગોરિયાના હોળી હાટોની શરૂઆત ૧૧ મી માર્ચથી થઈ હતી અને તા.૧૭મી માર્ચ સુધીમાં સરહદની બંને બાજુના ગામો/ નગરોમાં ૨૫ જેટલા ભંગોરિયા ભરાઈ રહ્યાં છે.

પૂર્વ સંયુક્ત માહિતી નિયામક અને સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિના ઊંડા અભ્યાસી ભાવસિંહ રાઠવા જણાવે છે કે મધ્યપ્રદેશ અને ગુજરાતનો સરહદી છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળીની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટની શરૂઆત થઈ જતી હોય છે. ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી ના અગાઉના સપ્તાહ માં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે. જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળીના તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા (ખૂબ મોટા જંગી કદ ધરાવતા) ઢોલ અને કરતાલના તાલે નાચગાન કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટ ની મોજ માણતા હોય છે.
પહેરવેશ અને ઘરેણાંની વિશેષતા
ખાસ કરીને જુવાનિયાઓ અને પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતીઓ એક જ ડિઝાઇનના કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી, ચાંદીના કલ્લાં (કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે.

પુરુષોના આભૂષણો
જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન), ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણોથી સજ્જ થઈ ને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે.
એક સરખો પહેરવેશ જે તે ગામની ઓળખ બને છે
એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇન કે એક જ રંગના કપડાં પહેરવાનો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટની મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાય કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..! ભંગોરીયા હાટમાં આદિવાસીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશ માં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં હોય છે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોય છે.

ખરીદીનો અવસર બને છે આ મેળા
ભંગોરીયા હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વાંહળીઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં -પાળીયાં સાથે ગામેગામથી ઉમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ લૂટતા હોય છે. ટીમલી નૃત્યની રમઝટ જામે ત્યારે રસ્તો પસાર કરી સામે જવાનું પણ અઘરું પડે. આમ, ભંગોરીયા હાટ એ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીંના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટેનો અવસર બને છે. તેમનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયના આદિવાસીઓ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે, જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકેની ઓળખ ધરાવે છે, આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયમાથી આવતા હોઈ, તેઓની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી-કરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસીઓનો રોટી-બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે.
ભંગોરીયા હાટ માં મધ્યપ્રદેશ ના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તેજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશ ના ભંગોરીયા હાટ માં પણ ઉમટી પડતી હોય છે. અહીં આદિવાસીઓ હાટમાં ખરીદી ઉપરાંત ખેતી કામ માં વ્યસ્તતા માં થી હળવાશ અનુભવી એક બીજા ની ખબર અંતર પુછતા જોવા મળતા હોય છે જેના થી આત્મિયતા વધે છે. ભાવસિંહભાઇ જણાવે છે કે આ વર્ષે કોરોનાની સ્થિતિ માં સુધારો થતાં ભંગોરીયા ની રોનક પાછી ફરી છે અને હાટમાં હકડેઠઠ મેદની ઉમટી રહી છે.

આમ, છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્ય ના સરહદી વિસ્તારોમાં હોળી અગાઉ અહીં ના આદિવાસી ઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા ઓ ઉજાગર કરતા હોય છે. પરંપરાગત રીતે યોજાતા ભંગોરીયા હાટનુ આ વિસ્તારના આદિવાસી ઓમાં અનેરુ મહત્વ છે.
પ્રેમી પ્રેમિકાને ભાગી જવા માટેનો અવસર એ તથ્ય વગરની માત્ર કલ્પના
ભંગોરિયા નામને લીધે ઘણાં લોકો છોકરા છોકરીના મન મળી જવા અને છોકરા દ્વારા છોકરીને ભગાડી જવા સાથે જોડે છે. જો કે એ સાવ કોરી કલ્પના છે. આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરી માટે માગુ નાખવાથી લઈને લગ્ન સુધી ખૂબ સુસ્થાપિત સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અને રસપ્રદ રીતરિવાજો છે અને તેને લગતું સામાજિક બંધારણ છે. ભંગોરિયું કે ભગોરિયું એ હોળી મેળાઓની પરંપરાનો ભાગ છે એને ભાગીને લગ્ન કરવા સાથે કોઈ સંબંધ નથી. આ એક રમણીય માન્યતાથી વિશેષ કશું નથી. એક સમયે એવું લાગતું હતું કે શહેરમાં નિવાસ અને શિક્ષણને લીધે નવી પેઢીના યુવાનો અને યુવતીઓ આ પરંપરાગત વસ્ત્રો, આભૂષણો, રીવાજો અને તહેવારોથી વિમુખ થઈ જશે. જો કે સદનસીબે એવું થયું નથી. શહેરી અને સુશિક્ષિત યુવા યુવતીઓમાં પોતાના એ વારસાગત વસ્ત્રો, આભૂષણો અને પરંપરાઓમાં રસ જાગ્યો છે, તેઓ લગ્ન પ્રસંગો માટે એ બધું સીવડાવે અને ખરીદે છે તથા પર્વો મેળાઓમાં બેઝિઝક પહેરી, સજીને મહાલે છે. આ યુવા અભિરુચિ આ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખશે.

બે ગામોમાં યોજાય છે ફેરફુંદડિયા મેળા
હોળી મેળાના ભાગરૂપે ક્વાંટ વિસ્તારના એક અને રાઠ વિસ્તારના એક એમ બે ગામોમાં જુદાં તરી આવતા ફેરફુંદડિયા પ્રકારના મેળાઓ યોજાય છે. આ મેળાઓ હોળી પછી પાનવડ નજીક રૂમડિયા અને ચિસાડીયા નજીક હરપાલપૂરા ગામે યોજાય છે. ભાવસિંહ રાઠવા જણાવે છે કે આ મેળાઓમાં આદિવાસી સમુદાયની પરંપરાગત ઇજનેરી કુશળતા પણ જોવા મળે છે. આ મેળાના ભાગરૂપે ગામના મેદાનમાં ચક્રાકાર ધરી ઉપર સીધો સ્તંભ ખોડીને તેના પર આડા લાકડા બાંધી ચકડોળ જેવી રચના કરવામાં આવે છે જે ગોળ ગોળ ફેરવી શકાય છે. તેના આડા લાકડાઓ સાથે બડવા (આદિવાસી સમુદાયના પુરોહિત જે વિવિધ પ્રસંગો એ દેવની પૂંજા કરાવે છે) ને પીઠભેર બાંધીને ખૂબ વેગથી ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આ એક રીતે કસોટીની પ્રક્રિયા છે.આ મેળાઓ આગવા આકર્ષણ સમાન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત