Homeવિશેષસિંહાસન બત્રીસી : કરુણાવતીની ચરિત્રહીન પ્રેમિકાની વાર્તા

સિંહાસન બત્રીસી : કરુણાવતીની ચરિત્રહીન પ્રેમિકાની વાર્તા

Team Chabuk : ચોવીસમી પુતળી કરુણાવતીએ મહારાજા ભોજને જે કથા કહી તે આ મુજબ છે.

મહારાજા વિક્રમાદિત્યનો સમગ્ર સમય પોતાની પ્રજાના દુ:ખોનું નિવારણ કરવામાં પસાર થતો હતો. પ્રજાની કોઈ પણ સમસ્યાને તે નજરઅંદાજ નહોતા કરતાં. તમામ સમસ્યાઓની જાણકારી રહે આ માટે વેશપલટો કરીને કોઈ કોઈ વખત રાજ્યના આ વિસ્તારમાં, તો કોઈ વખત રાજ્યના પેલા વિસ્તારમાં ઘુમતા રહેતા હતા. તેમની રાતના વેશપલટો કરી નગરચર્યા કરવાની વાતની જાણકારી ચોર અને લૂંટેરાઓને પણ હતી. જેથી તેઓ પણ સાવધ રહેતા હતા અને આ કારણે જ રાજ્યમાં ચોરીની ઘટનાઓ ઓછી થઈ ગઈ હતી.

એક વખત આ રીતે જ રાજા વિક્રમ વેશપલટો કરીને રાજ્યમાં ચક્કર લગાવી રહ્યા હતા. એવામાં એમને એક લાંબુ દોરડું દેખાયું. મહારાજાને લાગ્યું કે આ દોરડાની સાથે કોઈ ચોર જ ઉપર ચોરી કરવાના હેતુથી ચડ્યો હશે. મહારાજા પણ દોરડાની સાથે ઉપર ગયા.

તેમણે પોતાની તલવાર મ્યાનમાંથી કાઢી હાથમાં લઈ લીધી જેથી સમય આવવા પર ચોરને મોતને ઘાટ ઉતારી શકે. ત્યાં તેમના કાને કોઈ સ્ત્રીનો ધીમો અવાજ પડ્યો. ચોર કોઈ સ્ત્રી હોવી જોઈએ આવું વિચારીને કક્ષની દિવાલ પાસે ખોડાઈને મહારાજા ઊભા રહી ગયા. કોઈ સ્ત્રી કોઈને બાજુના કક્ષમાં જઈને કોઈનો વધ કરવાનું કહી રહી હતી.

એ બોલી રહી હતી, ‘તેનો વધ કર્યા વિના આ સંબંધ રાખવો અસંભવ છે.’

પુરુષ બોલ્યો, ‘હું ચોર છું. લૂંટેરો છું પણ કોઈ નિરપરાધીનો જીવ લેવો એ મારા માટે સંભવ નથી. તું મારી સાથે ચાલ. આપણે અહીંથી દૂર ચાલ્યા જઈએ. મારી પાસે અઢળક ધન છે. એ ધનથી તો આખી જિંદગી પસાર થઈ જશે.’

ચર્ચાના અંતે એ સ્ત્રીએ પેલા પુરુષને બીજા દિવસે આવવાનું કહ્યું, કારણ કે તેને પતિનું ધન એકઠું કરતા ચોવીસ કલાક લાગે તેમ હતાં.

રાજાને સમજતા વાર ન લાગી કે પુરુષ એ સ્ત્રીનો પ્રેમી છે તથા સ્ત્રી એ શેઠની પત્ની છે જેનું આ ભવન છે. શેઠ નજીકના રૂમમાં ઊંઘી રહ્યો છે અને શેઠાણી તેનું કાસળ કાઢી નાખવા માટે પ્રેમીને ઉશ્કેરી રહી છે. રાજા દોરડું પકડીને નીચે આવી ગયા અને પેલા પુરુષ પ્રેમીની પ્રતિક્ષા કરવા લાગ્યા.

થોડા સમય પછી શેઠાણીનો પ્રેમી દોરડાની સહાયતાથી નીચે આવ્યો. રાજાએ પોતાની તલવાર તેની ગરદન પર રાખી દીધી અને કહ્યું, ‘હું વિક્રમ છું.’

એ વ્યક્તિ ડરથી થરથર ધ્રુજવા લાગ્યો. મૃત્યુદંણ્ડના ભયથી એ બોલી પણ નહોતો શકતો. જ્યારે રાજાએ તેને સત્ય બતાવવા પર મૃત્યુદંણ્ડ ન આપવાનો વાયદો કર્યો તો તેણે આ પ્રકારે પોતાની કથા સંભળાવી.

‘હું તો બાળપણથી જ તેને પ્રેમ કરતો હતો. તેની સાથે વિવાહ કરવાના સપનાઓ સેવી રહ્યો હતો. મારી પાસે પણ ઘણું ધન હતું કારણ કે મારા પિતા ખૂબ મોટા વેપારી હતા. જોકે મારા સુખી ભવિષ્યના તમામ સપનાઓ જ્યાંના ત્યાં રહી ગયા. એક દિવસ મારા પિતાનું ધનથી લબાલબ જહાજ સમુદ્રી ડાકુઓએ લૂંટી લીધું. લૂંટની ખબર મળતા જ મારા પિતાને આઘાત લાગ્યો અને તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અમે લોકો રસ્તા પર આવી ગયા. હું મારી આ સ્થિતિનું કારણ એ સમુદ્રી ડાકુઓને માની તેમની સામે બદલો લેવા માટે નીકળી પડ્યો. વર્ષો સુધી મહેનત કર્યા પછી મને તેમની ભાળ મળી. મેં તેમનો વિશ્વાસ જીતી લીધો અને તેમની ટૂકડીમાં સામેલ થઈ ગયો. જ્યારે મને અવસર મળતો ત્યારે હું કોઈ એકનો વધ કરી નાખતો હતો. એક એક કરીને મેં સમગ્ર દળનો સફાયો કરી નાખ્યો અને લૂંટીને એમણે જે ધન એકઠું કર્યું હતું તેને ફરી મારા ઘરે લાવ્યો. ઘરે આવતા મને ખબર મળી કે એક ધનિક શેઠની સાથે મારી પ્રેમિકાનો વિવાહ થઈ ગયો છે અને તે પોતાના પતિની સાથે સાસરે ચાલી ગઈ છે. મારા સ્વપ્નો છિન્નભિન્ન થઈ ગયા. એક દિવસ તેના પિયર આવવાની ખબર મને મળી તો હું ખુશ થઈ ગયો. એ આવી અને મને મળી મેં તેની સામે આખી ઘટના રાખી દીધી. વાત વાતમાં મેં તેને કહ્યું કે મારી પાસે હવે પુષ્કળ ધન છે. તું હવે મારી સાથે જિંદગી વિતાવ. તો એ મને કહે, તું નવલખો હાર મારા ગળામાં પહેરાવીશ ત્યારે જ હું માનીશ કે તારી પાસે ખૂબ ધન છે. મેં નવલખો હાર આજે તેના ગળામાં પહેરાવી દીધો તો તે મને તેના પતિની હત્યા કરવાનું કહેવા લાગી અને હું તેને ના પાડી રહ્યો હતો. મેં તેની વાત ન માની કારણ કે એ બિચારાનો કોઈ અપરાધ જ નથી. આવું ભયાનક પાપ હું મારે માથે ન લઈ શકું.’

રાજા વિક્રમાદિત્યએ તેના સત્ય બોલવા બદલ વખાણ કર્યા અને સમુદ્રી ડાકુઓને નામશેષ કરવા બદલ તેની પીઠ થપથપાવી. તેઓ તેના પર ત્રિયા ચરિત્ર ન સમજવા મુદ્દે ગુસ્સે ભરાયા, ‘સાચી પ્રેમિકા તો પ્રેમીને પ્રેમ કરતી હોવી જોઈએ ન કે તેનાં ધનને. તારી પ્રેમિકાએ તારી રાહ જોઈ ? નહિ. એણે તાત્કાલિક એક ધનાઢ્ય શેઠની સાથે વિવાહ કરી લીધા. ને બીજી વખત તું તેને મળ્યો તો તારી પાસે પુષ્કળ ધન છે તેની નવલખા હારથી ખાતરી થઈ જતા તેના પતિને મારવા માટે પણ તૈયાર થઈ ગઈ. આવી નિષ્ઠુર અને ચરિત્રહીન સ્ત્રી સાથે પ્રેમ એ ફક્ત વિનાશના દ્વારે જ લઈ જાય છે.

એ વ્યક્તિ રડવા લાગ્યો. મહારાજાના પગે પડી ગયો અને ક્ષમા કરવા માટે આજીજી કરવા લાગ્યો. રાજાએ તેને મૃત્યુદંણ્ડની જગ્યાએ સત્યવાદિતા માટે પુરસ્કાર આપ્યો.

બીજા દિવસે મહારાજા એ સ્ત્રીના પ્રેમીનું રૂપ લઈને દોરડા વડે ભવનની ઉપર ચડ્યા. તેની પ્રેમિકા તૈયાર થઈ ગઈ હતી. સઘળું ધન તેણે એકઠું કરી લીધું હતું. એટલું જ નહિં પોતાના પતિને તેણે ઝેર ખવડાવી મારી પણ નાખ્યો હતો. રાજાને પોતાનો પ્રેમી સમજી સોનું ભરેલી થેલી પકડાવતા બોલી, ‘જલ્દી કર નીકળીએ. તે તો કંઈ કર્યું નહિ એટલે મેં જ શેઠને આજે ઝેર આપી યમધામ પહોંચાડી દીધો. હવે આપણી વચ્ચે કોઈ નહીં આવે.’

રાજા કંઈ બોલી નહોતો રહ્યો. શંકા જતાં સ્ત્રીએ તેના દાઢી મૂંછ ખેંચ્યા અને વિક્રમનું અસલી રૂપ સામે આવી જતા રાડારાડી કરવા લાગી.

એ બોલતી હતી, ‘ચોર ચોર. ચોરે મારા પતિની હત્યા કરી નાખી.’ રાજાનો સિપાહી અને સેનાપતિ ભવનની નીચે જ ઊભા હતા. એ દોડીને આવ્યા અને રાજાના આદેશ પર ચરિત્રહીન સ્ત્રીને પકડી લીધી. એ સ્ત્રીને સમજતા વાર ન લાગી કે સામે મહારાજા વિક્રમ છે. તે તુરંત વિષની શીશી કાઢી ગટગટાવી ગઈ અને મોતને વ્હાલુ કરી લીધું.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments