Homeસિનેમાવાદખેડૂત આંદોલન મુદ્દે કપિલ શર્માએ ટ્રોલરને આપ્યો જડબાતોડ જવાબ

ખેડૂત આંદોલન મુદ્દે કપિલ શર્માએ ટ્રોલરને આપ્યો જડબાતોડ જવાબ

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિલક્ષી કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકારને આ નિર્ણય પરત લેવા માટે માગ કરી રહ્યા છે. ખેડૂતો દિલ્હી કુચ માટે આગળ વધી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા તમામ બોર્ડર, રસ્તાઓ સીલ કરીને ખેડૂતો સામે બળ પ્રયોગ કરીને તેઓને રોકવામાં આવી રહ્યા છે. ત્યારે આ મુદ્દે હવે બોલિવુડ હસ્તીઓ પણ પોતાનો મત પ્રગટ કરી રહી છે. ખેડૂતોના આંદોલન મુદ્દે કોમેડી કિંગ કપિલ શર્માએ પણ ટ્વિટ કરીને પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

કપિલ શર્માએ રવિવારે ખેડૂતોના મુદ્દે ટ્વિટ કરતાં એક યુઝરે કપિલ શર્માને વણમાગી સલાહ આપી દીધી. કપિલ શર્માએ પણ આ યુઝરને પોતાની જ ભાષામાં જવાબ આપ્યો. બાદમાં કપિલ શર્માના સમર્થનમાં કેટલાક યુઝર્સ ઉતરી આવ્યા અને કપિલ શર્માને સલાહ આપનાર યુઝરને ઉધડો લઈ લીધો.

કોમેડી કિંગ કપિલ શર્માએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘ખેડૂતોના મુદ્દાને રાજનૈતિક રંગ ના આપીને વાતચીતથી આ મામલાનું નિરાકરણ લાવવું જોઈએ. મુદ્દો એટલો મોટો નથી હોતો કે વાતચીતથી તેનું નિરાકરણ ન આવી શકે. અમે બધા દેશવાસીઓ ખેડૂત ભાઈઓની સાથે છીએ. તેઓ અમારા અન્નદાતા છે.’

કપિલ શર્માના આ પ્રકારના ટ્વિટ બાદ જીગર રાવત નામનો એક ટવિટર યુઝર કપિલ શર્માને સલાહ આપવા પહોંચી ગયો અને કપિલ શર્માને જવાબ આપતા લખ્યું કે, ‘ચુપચાપ કોમેડી કર, રાજનીતિ કરવાની કોશિશ ન કર, વધુ પડતાં ખેડૂત હિતેચ્છક બનવાનો પ્રયત્ન ન કર, જે તારું કામ છે તેના પર ધ્યાન આપ’

આ યુઝરને જવાબ આપતા કપિલ શર્માએ કહ્યું કે, ‘ભાઈ હું તો મારું કામ જ કરી રહ્યો છું, તમે પણ કરો, દેશભક્ત લખવાથી કોઈ દેશભક્ત નથી બની જતું, કામ કરો અને દેશના વિકાસમાં યોગદાન આપો, 50 રૂપિયાનું રિચાર્જ કરાવીને ફાલતુ જ્ઞાન ન વહેંચો, ધન્યવાદ.’

કપિલ શર્માને આ પ્રકારની સલાહ આપનાર અને ખેડૂતોના હિતેચ્છુ ન બનવાનું કહેનાર જીગર રાવત નામના યુઝરને કેટલાક યુઝર્સે મુંહતોડ જવાબ આપ્યો હતો. એક યુઝરે તો તેને બે રૂપિયા લઈને ટ્વિટ કરનાર પણ કહી દીધો અને ખેડૂત વિરુદ્ધ બોલતા પહેલા 100 વખત વિચાર કરવાનું કહ્યું.

પંકજ સૈની નામના એક યુઝરે જવાબ આપતા લખ્યું કે, ‘ખેડૂતો વિશે ખોટું બોલ્યો તો એટલો ટ્રોલ થઈશ કે ઘરની બહાર નીકળીશ તો શરમ આવશે.’

ઘણી વખત સેલિબ્રિટીઓના ટ્વિટ કર્યા બાદ આ પ્રકારના લોકો વણમાગી સલાહ અને ટીકા-ટિપ્પણીઓ કરવા ટપકી પડતાં હોય છે. એવી જ રીતે જીગર રાવત નામનો યુઝર પણ કપિલ શર્માને સલાહ આપવા પહોંચી ગયો. જો કે તેણે ખેડૂતોના હિતેચ્છુ ન બનવાનું કહેતા ટ્વિટર પર લોકો પણ ગુસ્સે ભરાયા અને જીગર રાવતની બોલતી બંધ કરી દીધી હતી.

કપિલ શર્મા પહેલા અન્ય કેટલાક સેલિબ્રિટીઓએ પણ ખેડૂત આંદોલન મુદ્દે પોતાનો મત રાખ્યો હતો. સોનુ સુદે ખેડૂતોને ભગવાન કહીને સમર્થન આપ્યુ હતું. તો તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કરે પણ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments