Homeસાહિત્યતમે જો હલી ન જાઓ તો લેખક શેના? : વર્ષા અડાલજા

તમે જો હલી ન જાઓ તો લેખક શેના? : વર્ષા અડાલજા

Team Chabuk-Literature Desk: વર્ષા અડાલજા. આજે યાદ આવ્યા છે. લાંબુ વાંચનારાઓ હવે નથી રહ્યા એ વાતનો છેદ તેમણે ક્રોસરોડ નામની મહાનવલ લખીને ઉડાવી દીધો છે. વર્ષાબહેન એ લેખિકાઓમાંથી એક છે જેમના પર પહેલાથી પિતાનું સાહિત્યિક ભારણ હતું. ગુણવંતરાય આચાર્ય એટલે દરિયાઈ સાહસકથા અને કિશોરો માટેની સાહસકથાઓનું મોટું અને બે લોકો વચ્ચે લઈએ એટલે ફટ દેખાના ઓળખી આપે એવું નામ. એમના દીકરી હોવું સહેલું નથી. કોઈ વખત વર્ષા બહેન સામા મળી જાય તો પૂછવાનું તો બને જ છે કે, ‘વર્ષા બહેન એકાદ દરિયાઈ સાહસકથાની અપેક્ષા તમારી પાસેથી છે.’

આ વાતને તો મજાકમાં જ લ્યો, કારણ કે સર્જકનું પોતાનું એક અલાયદું વિશ્વ હોય છે. એ એની ભીતરમાંથી બહાર નથી નીકળી શકતો. તેને મળેલી એ આજીવન કેદની સજા છે. વર્ષા બહેનને વેદનાઓનો કારાવાસ થયો છે. એમના પિતાને સાહસનો કારાવાસ થયો હતો.

વર્ષા બહેનની નવલકથામાંથી અવિરત વેદનાઓનું રક્ત ટપક્યાં કરે છે. એ આપણને રડાવે છે. વાંચતા વાંચતા અટકી જઈએ અને ચોપડીને છાતીમાં રાખી વર્ષા બહેને લખેલા શબ્દના વિશ્વમાં ઉપડી ચાલીએ. કોઈ પાત્રની સાથે કંઈ થાય તો આપણને થઈ જાય કે આવું તો મારી સાથે પણ થયું હતું, પણ શું મેં મદદ માટે બે હાથ ફેલાવ્યા હતા?

વર્ષા બહેનનું નામ સાહિત્યક ઈનામો અને પુરસ્કારોથી પણ ઉપર છે. ગુજરાતી સાહિત્યમાં મહિલાઓએ ઘણું લખ્યું. ભવિષ્યમાં પણ લખતી જ આવશે. કેટલીય મહિલા લેખિકાઓ અને તેમના પુસ્તકો આપણી આંખ નીચેથી પસાર થઈ ગયા. એમાં વર્ષા બહેન આંખ આડે આવીને અટકી ગયા. એ ખસવાનું નામ નથી લેતા. ઢીલાપોચા હ્રદયનો માણસ જેનામાં લાગણીનો સ્ત્રોત અવિરત વહ્યા કરતો હોય એ તો કેમ કરીને વર્ષા બહેનની નવલકથાને હોડી બનાવી તેમાં હંકાવનારો ચાલક બની પતવાર લઈ ચાલી શકે. એ નદી આંસુઓની નદી છે. નદી હોવા છતાં ખારી છે. નિરંતર વહ્યા જ કરે છે.

વર્ષા બહેનનું શબ્દોનું વૈવિધ્ય આકર્ષતુ નથી એ ઈર્ષ્યા ઉપજાવે છે. એમની નવલકથામાં શબ્દો માત્ર વાંચવા, યાદ રાખવા, પોતાની નવલકથામાં ઉપયોગમાં લેવા કે વખાણ કરવા માટેના જ નથી. એ રિતસરના અથડાય છે. દરિયાના મોજા જાણે કિનારે આવેલા પથ્થરની સાથે અથડાતા હોય.

એક જાન્યુઆરી 2016ની સાલમાં એમનું એચ.એલ કોલેજ ખાતે વ્યાખ્યાન હતું. આ વ્યાખ્યાનમાં તેઓ ઘણું બોલેલા. પોતાની નવલકથાઓ અને નવલકથાના પાત્રો વિષે ખુલ્લા મનથી વાત કરી હતી. આ લેખિકાની વાત સાંભળીને થાય છે કે તેઓ ખૂદ પાત્ર બનીને જીવે છે. લેખિકા કહે છે કે, દરેક માણસમાં પાત્રો હોય છે. આપણી અનુભવવાની, તેમની વેદનાને માપવાની તાકાત હોવી જોઈએ. તેમનું એક વિધાન છે, ‘તમે જો હલી ન જાઓ તો લેખક શેના?’

વાસ્તવમાં ઘણા લોકો કહેતા હોય છે કે હું નવલકથાની શોધમાં અહીંથી ત્યાં રખડ્યા કરું છું. અરે મારા ભાઈ એવું નથી હોતું. દરેક લેખકને તેનો વિષય સામેથી શોધતો આવે છે. ભોમિયાની જેમ વિષય શોધવાની જરૂર નથી હોતી. સંશોધન માટે રખડો તો બરાબર છે, પણ જો મૂળ વિષય શોધવા માટે તમે ભાટક્યા કરો છો તો ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ નિબંધો લખો. વિષય તો સામેથી આવે અને લેખકને આખેઆખો બે ફાડીયામાં કાપી નાખે. અરેરાટી વ્યાપી જાય. જો તમે એ સમયે જ એ વિષય પર કામ નથી કરતા તો શક્ય છે કે એ ઘટનાને તમારી જ પાછળ ઊભેલા બીજા કોઈ વ્યક્તિએ જોઈ હોય અને એનું શરીર ધ્રુજી ઉઠ્યું હોય.

વર્ષા બહેન ખરા અર્થમાં જવાબદાર લેખિકા ગણવા રહ્યા. તેમણે પરિવારને સંભાળ્યો. તેઓ પિતાના નવલકથાક્ષેત્રથી અલગ ઊભરી આવ્યા અને અલગ ઓળખ બનાવી. આજે કોઈને વર્ષા બહેન ગુણવંતરાય આચાર્યના દીકરી છે એવું કહીએ તો તે માની પણ ન શકે, કારણ કે કઈ તરફ પિતાનું સાહિત્યનું વહાણ ફંટાયું અને કઈ તરફ દીકરીનું ? તેઓ વાચકોને હર હંમેશ નવું આપવા તત્પર રહ્યા. એકથી એક ચડીયાતી નવલકથાઓ આપી. વર્ષા બહેન ગુજરાતી સાહિત્યનું એક નોખું અનોખું પ્રકરણ છે. હેપ્પીવાલા બર્થડે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments