Homeસિનેમાવાદનાગિન ફિલ્મના 26 વર્ષ પછી તેના ડાયરેક્ટરે ચાર હોલિવુડ ફિલ્મની એક સાથે...

નાગિન ફિલ્મના 26 વર્ષ પછી તેના ડાયરેક્ટરે ચાર હોલિવુડ ફિલ્મની એક સાથે નકલ કરી જે બનાવ્યું એ આજે પણ કોઈ ભૂલ્યું નથી

ઝાલાવાડી જલજીરા : ઈન્ટરનેટની દુનિયામાં જઈને ભૂતકાળના અવશેષો ખોદશો તો વૈજંતીમાલાની એક ફિલ્મનું નામ સામે આવશે. એ ફિલ્મમાં પ્રદીપ કુમાર પણ હતા. જૂના હીરો છે. ગૂગલ કરી લેશો તો ચહેરાથી ઓળખી જશો. એ ફિલ્મનું ટાઈટલ નાગિન રાખવામાં આવ્યું હતું. તેને સફળતા નહોતી મળી. એ ફિલ્મે વૈજંતિમાલાનું કરિયર ડબ્બા ઉપર ઢાંકણું ધડ દઈને બેસાડો તેમ બેસાડી દીધું. લતા મંગેશકર, આશા ભોંસલે અને હેમંત કુમાર જેવા ગાયકોનો અવાજ હતો. 1954 તેની રિલીઝ ડેટ. હવે નહેરૂના રાજમાંથી ઈન્દિરાના રાજમાં આવી જાઓ. અર્થાત્ 1976ની સાલમાં. ફરી નાગિન ફિલ્મ રિલીઝ થાય છે. આ વખતે એક બે નહીં પણ જનતા ઓળખે છે એવા બાવીસ કલાકારોનો શંભૂ મેળો છે.

એક નાગ છે એક નાગણી છે. પ્રેમાલિંગન કરી રહ્યા છે. બીજી તરફ એક પાર્ટી ચાલી રહી છે. સુનીલ દત્ત અને તેના સૌ મિત્રો એ પાર્ટીમાં છે. સુનીલ તો નાગ અને નાગણીને પહેલાથી જ મળી ચૂક્યો છે. એ જંગલમાં જઈ જુએ છે. નાગ ને નાગણી માણસનું રૂપ ધારણ કરી લતા મંગેશકરના અવાજમાં ગીત ગાય છે. બેઉં ઈચ્છાધારી છે. સાપ ઈચ્છાધારી હોય તેવું જ્ઞાન અહીંથી મળ્યું! એમાંથી એક વ્યક્તિ નાગણીના પ્રેમી નાગને ગોળી મારી દે છે. નર સાપના મૃત્યુથી માદા સાપ ક્રોધિત થઈ જાય છે અને એ બધાના ચિત્રો તેની આંખોમાં કંડારાય જાય છે. એ બધાને એક પછી એક યમધામ પહોંચાડે છે. છેલ્લે સુનીલ દત્ત રહે છે. જેની વાત બધા માને ત્યાં સુધીમાં તો એક એક ઉપર પહોંચી ગયા હોય છે.

આમ નાગિન ફિલ્મમાં કંઈ નથી લાગતું પણ એ બોક્સઓફિસ પર એટલી સુપરહિટ પૂરવાર થઈ હતી કે તેની રિમેકો અને નાગ નાગણી પરની ફિલ્મોના રીતસરના ઢગલા થઈ ગયા. બેફામ કહોને. ન તો ડાઈલોગ નો મેળ પડે. ન તો કાસ્ટ બરાબર. એ પછી તો બધી હીરોઈનોને રીના રોય બની જવાના ચસ્કા લાગ્યા હતા. ફક્ત સેક્સી દેખાવાથી રીના રોય થોડું બની જવાય છે. હીરોઈનનાં નાભી દર્શન કરાવવાથી દિગ્દર્શક ઊંચા નહોતા આવતા. તેની આંખમાં ડબલ લેન્સ ગોઠવી દીધા હોય એવું લાગતું હતું. હીરોઈનની કમર ડાયટીંગ કરાવી કરાવીને પાતળી કરાવતા હતા. નાગણીઓ પણ બેલે ડાન્સ કરી શકે તેવું કોણ માનશે ? બેલે ડાન્સ તો કોઈને ન આવડ્યા પણ નાગ જે રીતે નૃત્ય સમયે ફેણ ફુલાવી હરકતો કરતો હતો તે આજેય ગુજરાતના લગ્નપ્રસંગોમાં ખૂબ જોવા મળે છે.

નાગિનને આ વર્ષે 45 વર્ષ પૂરા થયા છે. 19મી જાન્યુઆરીએ. સંક્રાતિકાળ હતો નાગિનનો. ફિલ્મ સાથે સંકળાયેલું કોઈ પણ એ ફિલ્મના સંક્રમણમાં આવી જતું હતું. તેની કથાથી છૂટવું મુશ્કેલ હતું. આજની તારીખે પણ ટીવી પર નાગિનના શો આવે છે. 1954માં પરાજીત થયા એનો અર્થ એ નથી કે 1976માં પણ હારી જઈશું. 1976 એ જીતની સાલ રહી હતી અને એ સાલે જ બાદમાં એક ઢબની અગણિત નાગ-નાગણીઓની ફિલ્મો આપી. એ વખતે ઈન્ડસ્ટ્રીમાં મદારીઓને પણ કામ મળતું હતું!

કોર્નેલ વુલરિચ નામના અમેરિકાના એક નવલકથાકાર થઈ ગયા. એમના બે તખલ્લુસ હતા. વિલિયમ આઈરિશ અને જ્યોર્જ હોપ્લે. એ ક્રાઈમ લેખક હતા. 1968ની સાલમાં એમની નવલકથા બ્રાઈડ વોર બ્લેક પરથી ફ્રેન્ચ ફિલ્મ બની હતી. ફ્રેન્ચ નામ છે લા મેરિએટ એન નોઈર. એ પછી 1970ની સાલમાં આ ફિલ્મ પરથી પ્રેરિત થઈ શી કિલ્ડ ઈન ઈસ્ટેસી બનાવવામાં આવી. 1971માં મેલેક મિ સેયટાન નામની તર્કિશ ફિલ્મ બની અને 1976માં આવી આપણી નાગિન. બધામાં કથા અલગ છે. મુખ્ય વસ્તુ એ છે કે કેવી રીતે એક મહિલા પોતાના પ્રેમીનો બદલો લે છે. વિશ્વમાં જ નહીં ભારતમાં પણ મહિલાને સેન્ટર પાર્ટ તરીકે રાખવી અને ફિલ્મને ચલાવવી એ મોટું રિસ્ક હતું. એમાં દિગ્દર્શક શ્રી રાજકુમાર કોહલી તાળીઓના ગડગડાટને માટે લાયક છે. રાજકુમાર કોહલીએ તાળીઓ પણ પડાવી લીધી અને ક્રિટિક્સ તરફથી ટામેટા પણ ખાધા.

આ જ રાજકુમાર કોહલીને પોતાની ક્લાસિક ફિલ્મ નાગિનની રિમેક બનાવવાના ધખારા જાગ્યા. બિલકુલ 26 વર્ષ પછી અને એય 89 વર્ષની ઉંમરે. એમણે 2002ની સાલમાં એ વખતના સુપરહિટ કલાકારોને ફિલ્મમાં લીધા. જેમાં અક્ષય કુમાર, સન્ની દેઓલ, અરશદ વારસી, સુનીલ શેટ્ટી, આફતાબ શિવદાશાની જેવા ઘણા બધા કલાકારો હતા. એ આખી કથા રિબૂટ મારી અને નાગ બદલો લે તો કેવો લાગે એવું દેખાડ્યું. એ ફિલ્મ પર આરોપ લાગ્યા જે એકદમ ખરા હતા. રાજકુમાર કોહલીએ 1976ની નાગિન બનાવી ત્યારે ફિલ્મપ્રેમીઓ પાસે માધ્યમના એટલા સ્ત્રોત નહોતા કે આ કોપી છે કહી પોતાના જ્ઞાનનો પુરાવો આપી શકે. દિગ્દર્શક પર આક્ષેપો નામના માછલા ધોવાય.

જાની દુશ્મન જે રાજકુમાર કોહલીની જ એક જૂની ફિલ્મનું ટાઈટલ હતું. એટલે કે ટાઈટલ પણ કોપી હતું! એ ફિલ્મે ચાર હોલિવુડ ફિલ્મોની કોપી કરી. ધ મમ્મીની માફક એક વ્યક્તિ પોતાની પ્રિયતમાને મેળવવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. મિશન ઈમ્પોસિબલના સ્ટન્ટ અને કેનુ રિવ્સની મેટ્રીક્સની જેમ વાઘા પહેરાવવા. ટર્મિનેટર-2માંથી વિલનની શક્તિઓ લેવી અને પોતાની જ જૂની કથાને ફરી ફરી કહેવી. નાગિનથી તેમની જે પ્રતિષ્ઠા ઊભી થઈ હતી એ બધી પાણીમાં ભળી ગઈ. જાની દુશ્મન એક અનહોની ફિલ્મમાં 29 કલાકાર હતા. એ સમયના બધા સુપરસ્ટાર. એમણે એ કહેવત સાચી ઠેરવી દીધી કે જાજા રસોયા રસોઈ બગાડે.

ચાર ફિલ્મોમાંથી કોપી કરવામાં આવી છે તેવી લોકોને સ્ટાર ગોલ્ડ અને સ્ટાર મુવીસમાં વારંવાર આ જ હોલિવુડ ફિલ્મો બતાવતા હોવાથી ખબર પડી ગઈ. યાદ છે, ધ મમ્મીનું અરેબિક ગીત તો દરેકના ઘરમાં વાગતું હતું. ભલે સમજાતું નહોતું પણ ગમતું હતું.

1976ની નાગિનની સફળતા પછી શ્રી દેવીની નગિના અને નિગાહે આવી હતી. એ નાગ નાગિન કરતા તેના વિલનના કારણે પણ ચર્ચામાં હતી. એકમાં અમરીશ પુરી અને બીજામાં અનુપમ ખેર. અભિનયમાં અતિ ઉત્તમ. શેશનાગ કરીને ફિલ્મ આવી હતી. ભયજનક ભંગાર. ડેની વિલન હતો. એક નાચે નાગિન ગલી ગલી જેવી ફિલ્મ હતી અને છેલ્લે હિસ્સ. હિસ્સ અલગ સબ્જેક્ટ હતો પણ હતો તો નાગનો જ ને.

આ બધી ફિલ્મોમાં ઘડીયાળના કાંટાને અહીંથી તહીં કરી કથાઓ ઘડવામાં આવી. ગોળ એટલે કે કથા પર માખીઓની જેમ બણબણતા અઢળક કલાકારો સિવાય જો ઝાલાવાડી જલજીરા ને કોઈ પૂછે કે નાગ-નાગણિઓની ફિલ્મોમાં તને શું ગમ્યું ? તો હું કહીશ એક ગીત. તેરે સંગ પ્યાર મૈં નહીં છોડના. બસ. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને મહેન્દ્ર કપૂર-લતા મંગેશકરનો સ્વર.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments