Team Chabuk-Political Desk: ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર બની ગઈ. મંત્રીઓએ શપથ લઈ લીધા અને ખાતાની વહેંચણી પણ થઈ ગઈ. એમાં ગઈકાલે હર્ષ સંઘવીનું નામ ચર્ચામાં રહ્યું. એટલા માટે નહીં કે તેઓ સુરતથી છે કે તેમના અભ્યાસને લઈને. પણ એટલા માટે કે તેઓ યુવા છે અને તેમણે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહનો કિર્તીમાન તોડી નાખ્યો છે. હર્ષ સંઘવીએ ગૃહમંત્રીની ખુરસી સંભાળી ત્યારે તેમની વય 36 વર્ષની છે જ્યારે તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહની વય 37 વર્ષની હતી. હર્ષ સંઘવીએ આ રીતે ખુરશી પર બેસતાની સાથે જ સૌથી નાની વયના ગૃહમંત્રી તરીકેનો ઈતિહાસ રચી દીધો છે.
અમિતભાઈ શાહનો જન્મ 1964માં થયો હતો. તેમના પિતા અનિલચંદ્ર વેપારી હતા. યુવા અવસ્થાથી જ અમિત શાહ રાજકારણમાં આવી ગયા હતા. 1987ની સાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અને ત્યાંથી વોર્ડ સેક્રેટરી બન્યા. 2002ની સાલમાં અમિત શાહે સરખેજથી ચૂંટણી લડી અને જંગી બહુમતીથી જીતી ગયા. અમિત શાહની અસલ કારકિર્દીનો આરંભ અહીંથી થયો. તેઓ 37 વર્ષની વયે રાજ્યના ઈતિહાસના સૌથી નાની વયના ગૃહમંત્રી બન્યા હતા.
અમિત શાહ અને વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવીની રાજકીય કારકિર્દી ઘણી રીતે એક સમાન છે. બેઉના પિતા વેપારી રહ્યા છે. બંને મેનેજમેન્ટ સારું કરી જાણે છે. જેમ અમિત શાહ પોતાના કાર્યકાળમાં યુવાઓ સાથે ભરપૂર જોડાયેલા હતા તે રીતે હર્ષ સંઘવી પણ ભાજપના પ્રદેશ મોરચાના રાષ્ટ્રીય કક્ષાના નેતા છે. 2011ની સાલમાં શ્રીનગરના લાલચોકમાં ભારતનો ધ્વજ ફરકાવીને હર્ષ સંઘવી પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. તેઓ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા