Homeસિનેમાવાદહસીન દિલરુબા: કોણ છે આ દિનેશ પંડિત?

હસીન દિલરુબા: કોણ છે આ દિનેશ પંડિત?

ઝાલાવાડી જલજીરા: જે સમયે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ગેસના બાટલાના ભાવ આસમાને નહોતા પહોંચ્યા. નહીંતર દિગ્દર્શક વિનીલભાઈ મેથ્યૂ કરપીણ હત્યાની કંઈક અલગ પદ્ધતિ વિચારીને રાખેત. ફિલ્મ જોયા બાદ ગેસનો બાટલો એટલો જોરથી ફાટે છે કે આપણા હૈયામાં એક વિચારોદ્દિપન થઈ જાય છે કે, આમને આના સિવાય કશું ન મળ્યું. ગરીબ જનતાનું શું? કંઈ નહીં તો પાડોશમાં બાટલો આપી દેવાની જરૂર હતી. પણ ખેર એ બાટલો કંઈ સાચો થોડી ફોડ્યો હોય. આ કોઈ ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ થોડી છે. શરૂઆતમાં જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ફિલ્મ મર્ડર મિસ્ટ્રી છે. બાટલો ફાટવાથી અને તાત્કાલિક પોલીસનાં ઘટનાસ્થળ પર પહોંચી જવાથી આપને વાર્તામાં રસ પડશે.

એક તો અત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે. એમાં ફિલ્મમાં નદી અને નદી ઉપરનો સુંદર પુલ એટલી બધી વખત બતાવે છે કે આપણને આ પુલ આપણા ઘરની નજીક છે અને હમણાં જ આટો મારી આવીશું તેવી તાદ્દશ અનુભૂતિ થઈ જાય છે. પુલની નજીક ઘર આવેલું છે. નક્કી ચોમાસામાં પાણી ઘુસી જતું હશે! એક તો ઘર એવી જગ્યાએ રાખ્યું છે કે તમને મગજમાં ખોટા વિચારો જ આવ્યા રાખે. ખોટા વિચારો એટલે અકસ્માતના વિચારો. ઘર નજીક એટલા માટે રાખ્યું છે કે, નાયિકા રાની પતિને મનાવવા માટે આત્મહત્યા કરવા ઘરની ઉપર ચડી જાય. જેથી નવું લોકેશન શોધવાનો ખર્ચ બચી જાય! ફિલ્મના સેકન્ડ લીડ રોલ હર્ષવર્ધન રાણેના પાત્રને રિવર રાફ્ટિંગનો શોખ છે. એ શોખ પણ નજીકમાં નદી હોવાથી પૂર્ણ થઈ જાય. આ લ્યો, લોકેશનને લઈ બીજો ખર્ચ પણ બચી ગયો. કોણ કહે છે કે ફિલ્મો સસ્તામાં નથી બનતી.

દિગ્દર્શકે લોકેશનનો કેટલો ખર્ચ બચાવ્યો છે. એ નાયક કે નાયિકાને ઘરની બહાર જ નીકળવા નથી દેતા. કદાચ કોરોનાકાળમાં આ ફિલ્મનું શૂટિંગ થયું છે એટલા માટે હોય શકે! નાયિકાના ઘરે નાયક તેની ભાવી પત્નીને જોવા જાય છે. જ્યાં થનાર પત્ની તેની પાસેથી પંખો ફિટ કરાવી લે છે. દિગ્દર્શક અહીં આપણને કહેવા માગે છે કે શૃંગાર કરી ઘરની જ ચાર દિવાલોમાં રખડતી અમીર ઘરની આવી કન્યાઓ મફતમાં કામ કઢાવી લેવામાં ઉસ્તાદ હોય છે. પંખાનું ફિટ કરાવવું તેનો આદર્શ નમૂનો છે. નાયકની ઓફિસના દર્શન એક જ વખત થાય છે. બાકીનો સમય તે ટીફિન લઈ અને કોઈ વખત તો ટીફિન વગર જ ડેલો ખોલી ખખડાવી બહાર જતો જોઈ શકાય છે. એન્જિનિયરો વધુ અભ્યાસ કરે તો તેમના લગ્ન જીવનની સ્થિતિ કેવી થાય તેનું મનોવિજ્ઞાન આ ફિલ્મ આપણને સમજાવવા માગે છે. મેથ્સ જરૂરી છે પણ બાયોલોજી પણ એટલું જ આવશ્યક છે.

દર્શકનું મોટાભાગનું ધ્યાન સાડી પહેરેલી નાયિકા ખેંચી જાય છે. એ પતિને આકર્ષિત કરવાના એનકેન પ્રયાસો કરતી રહે છે, પણ કંઈ થતું નથી. નાયિકા અહીં એક સંવાદ બોલે છે કે, ‘સાચા પ્રેમને પામવા માટે કેટલા બધા દેડકાઓને ચુંબન કરવું પડે છે.’ આ ઐતિહાસિક ક્વોટેશન છે, પણ ચર્ચામાં ઈ.એલ.જેમ્સની શૃંગારિક નવલકથા ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે બાદ આવ્યું.

આ પ્રકારની ફિલ્મોમાં રહસ્ય તો આપણને છેલ્લે સુધી પડીકે બાંધી રાખવા માટે હોય છે. તેની મુખ્ય થીમ તો શૃંગાર જ છે. એ રોમેન્ટીક તો બિલકુલ નથી લાગી રહી. ફેસબુકના મહાન ફિલ્મ ક્રિટિકો તો એમ પણ કહેશે કે, ફિલ્મમાં મુખ્ય કલાકારનું પાત્ર પથારીએ ભજવ્યું છે. એ કેટલા બધા હાવભાવ પ્રગટ કરે છે. કોઈ વખત પથારીમાં કોઈ નથી. કોઈ વખત એ ચીમળાય ગયેલી છે. કોઈ વખત એ આમંત્રિત કરી રહી છે. કોઈ વખત નવવધૂની માફક શણગાર સજી બેઠી છે. કેટલા બધા શેડ્સ છે પથારીના. આ ફિલ્મ જો કોઈ લલિત નિબંધકાર જુએ તો પુરુસ્કાર વિજેતા નિબંધ લખી શકે! બોધપ્રધાન વાત એ કે, નિબંધકારને લખવા સિવાયની પ્રવૃત્તિ પણ આવડવી જોઈએ!

જો તમે શોધકર્તા હો તો ખ્યાલ આવી જશે કે દિનેશ પંડિત નામનો કોઈ લેખક આ દુનિયામાં વસવાટ કરતો નથી. આ નામ તમારા ફિલ્મ જોવામાં અડચણરૂપ નહીં આવે. અભિનેત્રીએ આ અંગેની કેટલી બધી પોસ્ટ ફેસબુક પર કરી દીધી છે. તમારા પ્રકાશક કે વિક્રેતા પાસેથી દિનેશ પંડિતના પુસ્તકો ન માગતા. આ લેખકના કારણે સ્મરણ આવી જાય છે કે ગુજરાતી ભાષામાં પણ લોકપ્રિય નવલકથાકારો અને વાર્તાકારોના કારણે જ પૈસા મળી રહ્યા છે. મર્ડર, મિસ્ટ્રી, સસ્પેન્સ, થ્રીલરની કૃતિઓ ખૂબ વેચાઈ અને વેચાઈ નહીં તો વંચાય તો ખરી જ, એવું દિનેશ પંડિત નામનો કાલ્પનિક લેખક આપણા ભેજામાં ઠસાવવા માગે છે. આપણી ગુજરાતી ભાષાને ઉજળું કરવાનું કામ કેટલાક એન્જિનિયરોએ બખૂબી કર્યું છે. ફિલ્મમાં પણ જોશો કે એન્જિનિયરને કેવી રીતે દિનેશ પંડિતનો ચસ્કો લાગી જાય છે. ફિલ્મ હજુ લાંબી બનાવી હોત તો કદાચ એ એન્જિનિયર બીજો દિનેશ પંડિત પણ બની જાત. જો ગુજરાતી ભાષામાં શક્ય છે તો દેશની તમામ ભાષાઓમાં શક્ય જ છે.

નાયિકા પોલીસ ઈન્સ્પેક્ટરની સમક્ષ એટલી વખત દિનેશ પંડિતનું નામ બોલે છે કે પોલીસને આને છોડી દિનેશ પંડિતને રિમાન્ડમાં લેવાનું મન થઈ આવે છે. ગદ્યકારો અને પદ્યકારો, જેમને વાંચવાનો રસ ન હોય તેમનું જીવન આ રીતે કંટાળાજનક બનાવતા હોય છે. હવે કવિઓ જેલમાં નથી જતાં તેની પાછળનું કારણ દિનેશ પંડિત જેવા લેખકો હોય શકે. નાયિકાને તો દિનેશ પંડિતના એક એક ક્વોટ યાદ છે. ખરેખર એ સાચી ભાવક છે. આ ફિલ્મ એક જ વખત જોઈ શકાય, કારણ કે સસ્પેન્સ જાણી લીધા પછી તમારે શું કામે જોવું જોઈએ? અન્યોના મનોરંજનમાં ભંગ પાડવા? હા, તો જોઈ શકાય. છેલ્લે છેલ્લે તો બસ એટલું જ કે હસીન દિલરુબાની વાર્તા ઉઠાંતરી કરેલી છે. જે શોધવાનું કાર્ય હું તમને સોંપુ છું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments