Team Chabuk-Political Desk: આસામમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બિરજમાન થશે તે નક્કી થઈ ચુક્યું છે. હાલના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે રાજીનામું આપી દીધું છે અને હિમંત બિસ્વા સરમા આસામના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી જે સસ્પેન્સ હતું તે હવે પૂર્ણ થઈ ચુક્યું છે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી તેમાં હેમંત બિસ્વા સરમાના નામ પર મહોર લાગી ચુકી છે. નક્કી થઈ ગયું છે કે એક વખતના કોંગ્રેસના સૈનિક હિમંત બિસ્વા સરમા હવે આસામના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે હાલના મુખ્યમંત્રી સોનોવાલે જ હિમંત બિસ્વા સરમાનું નામ મુખ્યમંત્રી માટે આગળ ધર્યું હતું. જેના પર તમામ ભાજપના ધારાસભ્યોએ હામી ભરી દીધી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ભાજપના મહાસચિવ અરુણ સિંહ અને ભાજપ આસામના પ્રભારી બૈજયંત પાંડા પણ ઉપસ્થિત હતા.
માનવામાં આવી રહ્યું છે કે સર્વાનંદ સોનોવાલને કેન્દ્ર સરકારનામાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. આસામના મુખ્યમંત્રી બન્યા પહેલા સર્વાનંદ સોનોવાલ વર્ષ 2014 થી 2016 સુધી કેન્દ્ર સરકારમાં રમત-ગમત મંત્રી રહી ચુક્યા છે.
આજે બપોરે સર્વાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને મળીને મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આ પહેલા હિમંત બિસ્વા સરમા અને સર્વાનંદ સોનોવાલ એક જ કારમાં વિધાનસભા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આસામ વિધાનસભાની ચૂંટણીમાં 126 બેઠકોમાંથી ભાજપને 60 બેઠક મળી છે જ્યારે એજીપીને 9 અને યુપીપીએલને 6 બેઠક મળી છે. આમ ભાજપ અને સાથી પક્ષો બહુમતિમાં છે.
હિમંત બિસ્વા સરમાનો જીતમાં મહત્વનું યોગદાન
આસામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતમાં હિમંત સરમાનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેઓ અત્યાર સુધી સોનોવાલ સરકારમાં નાણા અને સ્વાસ્થ્ય મંત્રી હતા. પરંતુ સોનોવાલ સરકારના તમામ નિર્ણયોમાં હિમંત બિસ્વા સરમાના સૂચનો ધ્યાને લેવાતા હતા. તેઓ અસસમાં ભાજપ અને ભાજપ સરકાર બન્નેનો મજબૂત ચહેરો હતા. કોરોના મહામારી દરમિયાન હિમંત બિસ્વા સરમાએ કરેલા કામની પણ ખૂબ સરાહના થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વિતરણમાં પણ તેઓના કહ્યા મુજબ જ પાર્ટીએ ટિકિટ આપી હતી. પ્રચારની થીમની ગોઠવણી પણ હિમંત બિસ્વા સરમાની આસપાસ જ રાખવામાં આવી.
ભાજપની રેલીઓમાં પણ એક ગીત ચાલતું હતું, ‘આહિસે આહિસે, હિમંતો આહિસે.’ એટલે કે ‘આવશે આવશે, હિમંત આવશે.’ ચૂંટણી પ્રચાર દરમિયાન ટીટાબોર જેવા કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં પણ હિમંત બિસ્વા ભીડ ભેગી કરી લેતાં હતા અને લોકો તેઓને સાંભળવા ભેગા થતા હતા. તેઓ સતત પાંચ વખત પોતાની બેઠક જાલુકબરીથી જીત્યા છે.
કોણ છે હિમંત બિસ્વા સરમા
આસામમાં વિદ્યાર્થી સંગઠનની રાજનીતિથી શરૂઆત કરનાર હિમંત બિસ્વા સરમા એક સમયે કોંગ્રેસના વિરોધી હતી. પછી તેઓ કોંગ્રેસમાં સામેલ થયા. તેમના રાજનીતિક ગુરુ તરુણ ગોગોઈ સાથે તેઓને વાંધો પડ્યો. એવું કહેવામાં આવે છે કે તરુણ ગોગોઈ તેમના પુત્ર ગૌરવ ગોગોઈને આગળ વધારી રહ્યા હતા અને આ વાત હિમંત બિસ્વા સરમાને પસંદ ન આવી. તરુણ ગોગોઈને 2011ની ચૂંટણી જીતાડવામાં બિસ્વાએ મોટી ભૂમિકા ભજવી હતી અને વર્ષ 2015માં જ્યારે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે કોંગ્રેસને હરાવવામાં અને ભાજપને જીતાડવામાં પણ તેઓની મહત્વની ભૂમિકા હતી. હિમંત બિસ્વા સરમાને આસામના ચાણક્ય પણ કહેવામાં આવે છે.
15 મે 2001ના રોજ તેમની રાજકીય સફર શરૂ થઈ. એક વાર આગળ વધ્યા પછી તેમણે પાછું વળીને નથી જોયું. 2001માં આસામની જાલુકબરી બેઠક પરથી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા.2006માં બીજી વખત અને 2011 ત્રીજી વખત ચૂંટણી જીત્યા. 2016 અને 2021માં ભાજપની ટિકિટ પર જાલુકબરીથી ચોથી અને પાંચમી વખત જીત નોંધાવી.
પ્રથમ વખત ચૂંટણી જીતતાની સાથે જ તેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ આસામ સરકારમાં કેબિનેટ તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે. કૃષિ, આયોજન અને વિકાસ, નાણા, આરોગ્ય જેવા મંત્રાલય સંભાળવાનો તેમની પાસે અનુભવ છે. આ ઉપરાંત તેઓ આસામ હોકી એસોસિએશન, આસામ બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ અને આસામ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ રહી ચુક્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત