Team Chabuk-Entertainment Desk: હિંદી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું છે. તેમની તબિયત છેલ્લા કેટલાય સમયથી નાદુરુસ્ત હતી અને શ્વાસ સંબંધિત સમસ્યા રહેતી હતી. જેથી તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં 98 વર્ષીય દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારની સાથે તેમની પત્ની સાયરાબાનો અંતિમ શ્વાસ સુધી રહ્યા હતા.
દિલીપ કુમારના નિધનની ખબરથી હિદી ફિલ્મ ઉદ્યોગ જગતમાં શોકની લહેરખી પસાર થઈ ગઈ છે. સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દિલીપ કુમારને શ્વાસમાં તકલીફ હોવાના કારણે 6 જૂનનાં રોજ હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એ સમયે તેમના ફેફસાની બહાર તરલ પદાર્થ એકઠો થઈ ગયો હતો. જેને ડોક્ટરોએ સફળતાપૂર્વક કાઢી નાખ્યો હતો અને પાંચ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
ગત વર્ષે જ દિલીપ કુમારના બે નાના ભાઈ અસલમ ખાન ઉંમર વર્ષ 88 અને એહસાન ખાન ઉંમર વર્ષ 90નું કોરોના વાઈરસના કારણે નિધન થયું હતું. આ કારણે તેમણે પોતાનો જન્મદિન અને લગ્નની વર્ષગાઠ પણ ઉજવી નહોતી. સાયરાબાનોએ આ વિશે જણાવ્યું હતું કે તેમના બંને ભાઈઓનાં નિધનની ખબર દિલીપ કુમારને આપવામાં નહોતી આવી.
ટ્રેજડી કિંગ તરીકે ઓળખાતા અભિનયના બેતાજ બાદશાહ અને હિન્દી સિનેમાનાં પર્યાય સમાન દિલીપ કુમારનો જન્મ 1 ડિસેમ્બર 1922નાં રોજ ભાગલા પહેલા હાલનાં પાકિસ્તાનમાં થયો હતો. તેમનું પ્રથમ નામ યુસૂફ ખાન હતું. તેમને પડદા પર દિલીપ કુમારના નામે લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. તેમનો શરૂઆતનો અભ્યાસ નાસિકમાં થયો હતો. બાદમાં તેમણે ફિલ્મોમાં અભિનયનો નિર્ણય લીધો. 1944માં આવેલી ફિલ્મ જ્વારભાટાથી તેમણે હિન્દી સિનેમામાં ડગ મૂક્યું.
શરૂઆતમાં તેમની ફિલ્મો ચાલી નહોતી પણ બાદમાં નૂરજહાંની સાથે તેમની હિટ જોડી ફિટ બેસી ગઈ હતી. જુગનૂ દિલીપ કુમારની પ્રથમ હિટ ફિલ્મ. એ પછી દિલીપ કુમારે સતત હિટ ફિલ્મો આપી, તેમની ફિલ્મ મુઘલે આઝમ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી. ઓગસ્ટ 1960માં રિલીઝ થયેલી એ ફિલ્મ પોતાના સમયની સૌથી મોંઘી ફિલ્મ હતી.
દિલીપ કુમારને તેમના ફિલ્મી કરિયરમાં આઠ ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે એવોર્ડ જીતવા બદલ દિલીપ કુમારનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. 1991માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો. 2000થી 2006 સુધી રાજ્યસભાના સદસ્ય રહ્યા. 1998માં તેઓ પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત