ઝાલાવાડી જલજીરા : દિલીપ કુમાર. હિન્દી સિનેમાનાં તેમને પહેલા અભિનેતા કહેવામાં આવે છે. તેમની અભિનય પ્રતિભાથી અંજાઈ જઈને કંઈ કેટલાય એક્ટરોએ તેમની માફક અભિનય કરવાનો પ્રયત્ન કર્યો. હાલના વરિષ્ઠ એક્ટરોના ઈન્ટરવ્યૂ જુઓ, તો તેમાં પણ દિલીપ કુમારને જોઈ અભિનય શીખ્યા કે ફિલ્મ લાઈનમાં આવ્યા તેવું બોલતા કંઈ કેટલાય કલાકારો સંભળાશે.
ઈન્ડસ્ટ્રીમાં જેટલી ચર્ચા ફિલ્મોની અને ફિલ્મો કેટલી ખરાબ છે તે વાતની થાય છે તેટલી ચર્ચા કલાકારોની આત્મકથાની નથી થતી. દિલીપ કુમારની સબસ્ટેન્સ એન્ડ ધ શેડો નામની આત્મકથા છે. એ આત્મકથામાં 307 પેજ દિલીપ કુમારના જીવન અને તેમની ફિલ્મી કારકિર્દીના છે. બાકીના પાનાં અન્ય કલાકારો દ્વારા તેમની કરવામાં આવેલી પ્રશંસાના છે.
દિલીપ કુમારની અભિનય ઊંચાઈ કેટલી તે આ પુસ્તકમાં વિભિન્ન કલાકારો દ્વારા લખવામાં આવેલા તેમના વિશેના પ્રશસ્તિ અને માનવાચક શબ્દોથી જ ખ્યાલ આવે.
22 વર્ષની ઉંમર હતી દિલીપ કુમારની જ્યારે તેમને 1944ની જ્વારભાટા ફિલ્મ માટે દેવિકા રાનીએ પસંદ કર્યા હતા. યુસુફ ખાનમાંથી દિલીપ કુમાર નામ આપ્યું હતું. ફિલ્મમાં નહોતા આવ્યા ત્યારે ફ્રૂટ વેચવાનો ધંધો કરતા હતા. હવે કેટલાક અભિનેતા સાથેના તેમના સંસ્મરણો જોઈએ.
અમિતાભ બચ્ચન બોમ્બે આવ્યા હતા. મુંબઈ ત્યારે બોમ્બેના નામે ઓળખાતું હતું. તેમનો એક મિત્ર તેમને રેસ્ટોરન્ટમાં લઈ ગયો. અહીં અમિતાભ આજુબાજુ નજર કરતા હતા ત્યાં તેમનું ધ્યાન દિલીપ કુમાર પર પડ્યું. એ એકલા બેઠા હતા. તેમને જોઈ ઘાંઘા થઈ ગયેલા અમિતાભ બચ્ચન દોડીને સ્ટેશનરીની દુકાને ગયા અને ખિસ્સામાંથી પૈસા કાઢી એક પેન અને સરસ મજાની બુક લીધી જેમાં દિલીપ કુમાર પોતાનો મસ્તમજાનો ઓટોગ્રાફ આપી શકે. અમિતાભ બચ્ચન પાછા ફર્યા અને જોયું તો દિલીપ કુમાર કેટલા બધા લોકોથી ઘેરાઈ ગયા હતા. તેમની સાથે વાત કરતા હતા ત્યારે અમિતાભને લાગ્યું કે આ લોકો તો મારાથી પણ વધારે દિલીપ સાહેબને જાણે છે. આવી સ્થિતિમાં મારે તેમની વચ્ચે જઈ ઓટોગ્રાફ ન માંગવો જોઈએ. અમિતાભ ફરી પોતાના ટેબલ પર ગયા અને બેસી ગયા.
મહેશ ભટ્ટે આત્મકથામાં લખ્યું છે કે, હું એમને યાદ કરવા માટે ક્યાંથી શરૂઆત કરું. હું 6 વર્ષનો હતો અને દેવદાસ ફિલ્મ લાગી હતી. જે રીતે તેમણે દેવદાસને પડદા પર જીવંત કર્યો હતો અને ટ્રેજડી લાવ્યા હતા. હું એમના પ્રેમમાં પડી ગયો હતો.
1952ની સાલમાં ધર્મેન્દ્ર પંજાબના લુધિયાણામાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. એ બોમ્બે ગયા. તેમના મનમાં અભિનેતા બનવાની કોઈ ઈચ્છા નહોતી. દિલીપ કુમારની શહીદ ફિલ્મમાં એક્ટિંગ જોઈ એ બસ એક વખત એમને મળવા માગતા હતા.
બોમ્બેમાં ઉતરીને ધર્મેન્દ્ર તેમના નિવાસસ્થાને પહોંચી ગયા. તેમને એમ હતું કે ગેટ પર કોઈ રોકશે તેની જગ્યાએ ગેટ પર તેમને કોઈએ રોક્યા નહીં તો તે ઘરની અંદર દાખલ થઈ ગયા. ત્યાંથી ઘરમાં સીડી જતી હતી. સીડી પર ચડવા લાગ્યા. હજુ તેમને કોઈએ પણ રોક્યા નહીં કે ભાઈ તું કોણ છો ? અને દિલીપ કુમારના ઘરમાં આવી રીતે કેમ ઘુસી આવ્યો ?
ધર્મેન્દ્ર બધા રૂમમાં જોતા હતા અને એકાએક તેઓ એક રૂમ પાસે અટકી ગયા. જ્યાં દિલીપ કુમાર ઊંઘતા હતા. ધર્મેન્દ્ર તેમના પ્રેમમાં પડી ગયા. કેટલો સુંદર ચહેરો ? કેટલી સુંદર આંખો ? ધર્મેન્દ્ર મનમાં બોલી ગયા, આ તો દિલીપ કુમાર છે. મારા આદર્શ.
દિલીપ કુમાર ઉઠી ગયા અને કોઈ અજાણ્યા વ્યક્તિને જોઈ તેમણે નોકરને બૂમ પાડી. ધર્મેન્દ્ર આ અવાજ સાંભળીને ભાગ્યા. તુરંત ઘરમાંથી બહાર નીકળી ગયા અને પાછળ જોતા હતા કે કોઈ તેમનો પીછો તો નહોતું કરતું ને ? ધર્મેન્દ્ર એક દુકાને ગયા અને લસ્સીનો ઓર્ડર આપ્યો. લસ્સી પીતા પીતા તેઓ વિચારતા હતા કે, મેં એક સુપરસ્ટારની લાઈફમાં ખલેલ પહોંચાડી. તેમના માટે આ બિલકુલ પંજાબના મકાન જેવું હતું. પંજાબમાં દરેકના ઘર ખુલ્લા હોય છે. તમે અંદર પ્રવેશ કરી શકો છો. આ ધર્મેન્દ્રના જમાનાની વાત છે. આજે એવું હશે કે નહીં ખબર નથી. ધર્મેન્દ્રને વિચાર આવી ગયો કે આ ખૂબ મોટું રિસ્ક હતું. પણ લાલા રિસ્ક હૈ તો ઈસ્ક હૈ….
કમલ હસન આ અભિનેતાને યાદ કરે છે અને કહે છે કે, મારા જીવનમાં બે અભિનેતા છે. જેમને જોઈ જોઈને હું અભિનયમાં ઘણું શીખ્યો. શિવાજી ગણેશન અને દિલીપ કુમાર. 1985માં રિલીઝ થયેલી કમલ હસનની ફિલ્મ સાગર. સાગરમાં તેઓ કામ કરતા હતા અને રમેશ સિપ્પીએ એમને કહ્યું કે, ‘તે દિલીપ કુમારની ગંગા જમુના ફિલ્મ જોઈ છે?’
કમલ હસને કહ્યું, ‘મેં એમની દરેક ફિલ્મ જોઈ છે, પણ ગંગા-જમુના નથી જોઈ.’
રમેશ સિપ્પી ઉછળી પડ્યા અને બોલ્યા, ‘અરે તો તું આ ફિલ્મમાં કામ જ નહીં કરી શકે. જા અને ગંગા-જમુના પહેલા જો એટલે તને ખબર પડે કે કોઈ રોલ કેવી રીતે પ્લે કરવો જોઈએ.’
અનિલ કપૂરનો શક્તિમાં નાનો અમથો રોલ હતો. દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન જેવા ઈન્ડસ્ટ્રીના કસાયેલા કલાકારો હતા. અનિલ કપૂર નર્વસ હતા અને ખૂશ પણ હતા કે જેને જોઈ તે ફિલ્મોમાં એક્ટિંગ કરતા આવ્યા એ દિલીપ સાહેબ સામે હતા. થોડા સમય પછી ક્રૂ ભેગું થઈ ગયું ત્યારે તેમને ખબર પડી કે, મેં મારો પહેલો શોટ આપી દીધો છે. એમને ખબર પણ ન રહી.
આમિર ખાનના શબ્દો છે કે, ‘મેં ફિલ્મો જોવાની શરૂઆત કરી. હું તેમનું નિરીક્ષણ કરતો હતો. હું થોડો મોટો થયો અને ફરી મેં તેમની અભિનયકળાનું અવલોકન કર્યું ત્યારે મને સમજાયું કે આ માણસે હિન્દી સિનેમામાં કેટલું મોટું અને ઐતિહાસિક યોગદાન આપ્યું છે.’
આમિર ખાન તેમની અભિનય પ્રતિભામાંથી શીખ્યા પછી કહે છે કે, ‘‘રાજ કપૂરે ચાર્લી ચેપ્લિનને ફોલો કર્યા, દેવ આનંદે ગ્રેગરી પેકને ફોલો કર્યા અને દિલીપ સાહેબે ખૂદને ફોલો કર્યા. જ્યારે મેં મારી પહેલી ફિલ્મમાં કેમેરાનો સામનો કર્યો ત્યારે ખબર પડી કે આ જોઈએ એટલું તો સરળ નથી. તમારે ખૂદને ભૂલી જવાનું છે અને એક બીજા કાલ્પનિક પાત્રને જીવંત કરવાનો છે. જે તમારા જેવો લાગતો જ નથી. જાતને મનાવવી એ ખૂબ અઘરી છે.’’
સલમાન ખાનના પિતા સલીમ ખાને એક કિસ્સો કહેલો કે, કોહિનૂર ફિલ્મમાં દિલીપ કુમારને એક સિક્વન્સમાં સિતાર વગાડવાનું હતું. એમણે મહિનાઓ સુધી તેની પ્રેક્ટિસ કરેલી. એ જે ભાષાની ફિલ્મ કરે એ ભાષા પણ શીખતા. કેટલી ભાષાઓ તેમને આવડે છે? ઉર્દુ, હિન્દી, અંગ્રેજી, બંગાળી, પશ્તુ અને મરાઠી પણ.
1954ની સાલમાં બિમલ રોય જ્યારે દિલીપ કુમારની પાસે આવ્યા અને કહ્યું કે, ‘મારે દેવદાસ બનાવવી છે.’ તો દિલીપ કુમાર મૂંઝાઈ ગયેલા, કારણ કે ન તો તેમણે આ પહેલા બનેલી સાઈગલની દેવદાસ જોઈ હતી. ન તો તેમણે શરતચંદ્ર ચટોપાધ્યાયની નવલકથા વાંચી હતી. બિમલદાએ દિલીપ કુમારને કહ્યું, ‘તું ફક્ત નવલકથા વાંચ પછી પટકથા સાથે હું તને સમજાવું.’ આ ચાબુકનો મત છે કે, દિલીપ કુમારથી ચડીયાતો દેવદાસનો રોલ પ્લે કરનારો કદાચ આ પૃથ્વી પર પેદા નહીં થાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત