Homeસાહિત્ય‘વ્યંગ એ શું છે ?’ : હરિશંકર પરસાઈ

‘વ્યંગ એ શું છે ?’ : હરિશંકર પરસાઈ

લેખક – હરિશંકર પરસાઈ
પ્રકાર – નિબંધ
અનુવાદ – Team Chabuk

હું હાસ્ય-વ્યંગનો લેખક માનવામાં આવું છું. વ્યંગને લઈને જેટલો ભ્રમ હિન્દી ભાષામાં પ્રવર્તી રહ્યો છે એટલો કદાચ કોઈ બીજી ભાષા કે વિદ્યામાં નથી પ્રવર્તી રહ્યો. સમીક્ષકોએ સતત તેની ઉપેક્ષા કરી છે. હજુ સુધી તો વ્યંગ એ સમીક્ષા માટેની ભાષા બની જ નથી. ‘મજા આવી ગઈ.’ થી લઈને ‘ભુક્કા બોલાવી નાખ્યા.’ જેવા કેટલાક ફકરાઓ તેની ઉપર ચોંટાડીને વિવેચનની ઈતિશ્રી સમજી લેવામાં આવે છે. સમજાવી દેવામાં આવે છે. હંમેશાં હાસ્ય, વિનોદ ને અલગ કરીને જોવામાં નથી આવતું. મારી જ કોઈ રચના વાંચીને પ્રબુદ્ધ વાચક કહી દે છે ખૂબ જ મજા આવી. જ્યારે મેં તે રચના કોઈ અન્ય કારણોસર લખી હતી.

મનુષ્ય ક્યારે હસે છે ? એ સંબંધમાં ખૂબ જ રસપ્રદ અને વિભિન્ન ધારણાઓ છે. એક વિચાર એ છે કે જ્યારે માણસ હસે છે ત્યારે તેના મનમાં કોઈ પ્રકારનો મેલ નથી હોતો. હસવાના ક્ષણભર પહેલા તેના મનમાં મેલ હોઈ શકે છે અને હાસ્યની ક્ષણ બાદ પણ. જોકે જે સમયે તે હસે છે એ ક્ષણે તેના મનમાં કોઈ પણ પ્રકારનો મેલ નથી હોતો. પછી જેનું પેટ સારું હોય તે સારી રીતે હસી શકે છે. કબજિયાતનો દર્દી ખૂબ મુશ્કેલીથી હસી શકે છે. એ પછી મનુષ્યને નિરાંતની અનુભૂતિ થાય છે ત્યારે એ હસે છે. નિરાંત વિનાનું હાસ્ય ખિન્ન થઈ જાય છે. જેવી રીતે પંડિત નહેરૂનું છેલ્લા વર્ષોમાં થઈ ગયું હતું.

માણસ હસે છે શું કામે ? પરંપરાથી દરેક સમાજની કેટલીક સંગતિઓ હોય છે, સામંજસ્ય હોય છે, અનુપાત હોય છે. એ વ્યક્તિ અને સમાજ બંનેના હોય છે. આ સંગતિમાં જ્યારે ઉથલપાથલ મચે છે ત્યારે ચેતનામાં ચમક પેદા થાય છે. આ ચમકથી હાસ્ય પણ આવી શકે અને ચેતનામાં હલચલ પણ પેદા થઈ શકે. શરીરમાં કેટલું મોટું નાક હોય તેનો અનુપાત મનુષ્યના મનમાં બનેલો છે. પણ જો કોઈની ખૂબ જ મોટી નાક હોય તો લોકો કહે છે – ‘અરે આ તો નાકની જગ્યાએ બટેટુવડુ રાખ્યું છે.’ અને જોર જોરથી હસવા લાગે છે. સાઈકલ પર એક માણસ બેસે છે તો એ સંગતિ છે. બે લોકોને પણ ખમી લેવાય. પણ એક જ સાઈકલ પર ત્રણ-ત્રણ અસવાર હોય અને તે ધડાંગ દેખાના પડી જાય, તો તેમની ઈજા પ્રત્યે સહાનુભૂતિ નહીં હોય, તેની જગ્યાએ લોકો હસવા માંડશે – ‘બરાબર પડ્યા.’

અમારે અહીં ભૂરી આંખવાળાઓને ખરાબ માનવામાં આવે છે. ભૂરી આંખવાળાઓ પર લોકો હસે છે. પણ એ જ ભૂરી આંખ પશ્ચિમના દેશોમાં સારી માનવામાં આવે છે. સામાન્ય રીતે પાતળા હોઠ સુંદર માનવામાં આવે છે પણ હબસી લોકોમાં સારા, માંસલ અને ઝાડા હોઠ સારા માનવામાં આવે છે. ભારતમાં જો કોઈના હબસી જેવા ઝાડા હોઠ હોય તો લોકો હસશે. હસશે એટલા માટે કે ચહેરો બગડી જાય છે.

લોકો કોઈ પણ વાત પર હસે છે. સામાન્ય એવી વાત ઉપર પણ જોર જોરથી હસે છે. માણસ જો ઘોડાની જેમ હણહણે તો તેના પર પણ હસી નાખે છે. દિવાળી ઉપર કૂતરાની પૂંછડીમાં ફટાકડાની જોડી બાંધીને તેમાં આગ લગાવી દે છે. બિચારો કૂતરો તો મૃત્યુના ડરથી ભાગે છે અને જોર જોરથી હાઉં… હાઉં… કરે છે, પણ લોકો હસતા રહે છે.

પણ વ્યંગમાં જરૂરી નથી કે હાસ્ય આવે જ. માર્ક ટ્વેને લખ્યું છે કે, ‘જો કોઈ ભૂખ્યા કૂતરાને રોટલી ખવડાવે તો એ એને કરડશે નહીં. માણસ અને કૂતરામાં આ જ ખાસ ફર્ક છે.’ એ કથનમાં હાસ્ય નથી આવતું, પણ વ્યંગનો એ તીક્ષ્ણ પ્રહાર તમારી ચેતના પર એવો કરે છે કે વાચક તો આશ્ચર્યચકિત થઈ જાય છે. ગૂઢ વિચારમાં સરી પડે છે.

વ્યંગની સાથે હાસ્ય પણ આવે છે. પણ એ બીજા પ્રકારનું હોય છે. મારી એક લઘુકથા છે. સંસદમાં સદસ્યએ કહ્યું.

સંસદમાં એક સભ્યએ કહ્યું કે કોઈ જગ્યાએ પોલીસની ગોળીથી અગિયાર માણસો મરી ગયા. ગૃહમંત્રી આનો જવાબ આપે. ગૃહમંત્રી ખૂબ જ શાંતિથી ઉઠ્યા. – જેમને રોજ ગોલી ચલાવવી જ છે તેઓ ક્યાં સુધી અશાન્ત રહેશે. જનતાના પૈસાથી જે સામાન બને છે તે જનતાના જ કામે આવવો જોઈએ.

હવે લોકશાહીમાં આ વાત સુ-સંગત છે. પણ તે કેટલી મોટી સમસ્યા સર્જે છે અને સંસદીય પ્રણાલી પર પ્રહાર કરે છે. આ લઘુકથાથી હાસ્ય જરૂર પ્રેરાય છે પણ તે અલગ પ્રકારનું છે. તે વિચારવા મજબૂર કરે છે.

વ્યંગ લેખન એક ગંભીર કાર્ય છે. કમ સે કમ મારા માટે. સવાલ એ છે કે કોઈ લેખક પોતાના યુગની વિસંગતિઓને કેટલી ઊંડાણપૂર્વક શોધે છે. તે વિસંગતિની વ્યાપકતા શું છે અને તે જીવનમાં કેટલું મહત્વ રાખે છે. માત્ર વ્યક્તિની ઉપરની વિસંગતિ-તેના શરીરની રચના, વ્યવહારની, વાત કરવાની આવડત એક વસ્તુ છે. અને વ્યક્તિ તથા સમાજની અંદર રહેલા વિસંગતિઓને ખોજવું. તેમને અર્થ આપવો અને તેમને સશક્ત વિરોધાભાસથી પૃથક કરીને જીવન સાથે મુલાકાત કરવી એ બીજી વાત છે. સાચો વ્યંગ એ જીવનની સમીક્ષા હોય છે. એ મનુષ્યને વિચારવા માટે બાધિત કરે છે. પોતાની સાથે મુલાકાત કરે છે. ચેતનામાં હલચલ પેદા કરી દે છે અને જીવનમાં પ્રસરેલા મિથ્યાપચાર, પાખંડ, અસામંજસ્ય અને અન્યાય માટે તેને તૈયાર કરે છે.

જોનાથન સ્વિફ્ટનું કહેવું છે કે, ‘માણસનું અપમાન કરી ને તેને નીચું જોવડાવવા માટે લખું છું.’ બીજી બાજુ માર્ક ટ્વેન કહે છે, ‘હું પાયાના સ્તરે તો એક શિક્ષક છું. મારો વિચાર છે કે, કોઈ પણ સાચો વ્યંગ લેખક માણસજાતને નીચો દેખાડવા નથી માગતો. વ્યંગ એ માનવ સહાનુભૂતિથી પેદા થાય છે. એ માણસને અતિ શ્રેષ્ઠ માણસ બનાવે છે. એ તેને કહે છે, તું વધારે સાચો છો. ન્યાયી મનુષ્ય બન. જો મનુષ્ય પ્રત્યે વ્યંગકારને આશા નથી, જો તે જીવન પ્રત્યે ચિંતિત નથી, તો એ શું કામે રડે છે ? તેની નબળાઈઓ પર. જે એમ કહે છે કે વ્યંગ લેખક નિર્મમ, કઠોર અને મનુષ્ય વિરોધી હોય છે. તેને ખરાબમાં ખરાબ જ દેખાય છે. તો હું કઉં છું કે ડોક્ટર પાસે જે જાય છે તેને તે રોગ બતાવે છે. તો શું ડોક્ટર એ કઠોર છે ? અમાનવીય છે ? જો ડોક્ટર રોગની સારવાર ન કરીને સારું છે સારું છે એમ કરે રાખે તો દર્દી મરી જશે. જીવનની નબળાઈઓનું નિદાન કરવું એ કઠોર થવું નથી.’

સારા વ્યંગમાં કરુણાની અંતર્ધારા હોય છે. ચેખવમાં કદાચ એ વાત સૌથી સ્પષ્ટ છે. ચેખવની એક વાર્તા છે. બાબુનું મોત. આ વાર્તાને વાંચતા વાંચતા હાસ્ય આવે છે પણ તેનો અંત તો કરુણાથી લથબથ કરી નાખે છે. જે વાત પર ચેખવે વાર્તા ઘડી તે આ છે –

થિએટરમાં એક બાબુ નાટક જોઈ રહ્યો હતો. તેની બરાબર સામે તેનો બોસ બેઠો હતો. બોસનો સુંદર ચહેરો. બાબુને છિંક આવે છે અને તેના થોડા છાંટા એ ચહેરા પર ઊડે છે. એ ડરી જાય છે અને ઈન્ટર્વલમાં બોસ સમક્ષ ક્ષમા માગે છે. સાહેબ માફ કરી દો. ભૂલ થઈ ગઈ. મેં જાણી જોઈને આવું નથી કર્યું. હવે મજા તો એ વાતની છે કે સાહેબના ચહેરા પર છિંકનાં છાંટા ઉડ્યા જ નથી. એ જાણતો જ નથી કે બાબુ માફી કઈ વાતની માગી રહ્યો છે. એ તેને ખીજાય છે – ‘શું બક બક લગાવીને રાખી છે. ભાગ અહીંથી.’

બીજી બાજુ બાબુ સમજે છે કે સાહેબ કંઈક વધારે જ નારાજ છે. એ નાટક પૂર્ણ થતા ફરી ક્ષમા માગે છે, ‘સાહેબ મને માફ કરી દો. મને શરદી થઈ ગઈ હતી. મેં જાણી જોઈને આવું નથી કર્યું.’ સાહેબ ફરી તેના પર ગુસ્સે ભરાય છે અને તેને તગેડી મુકે છે. ત્રણ દિવસ સુધી આ ક્રમ ચાલ્યા રાખે છે.

બાબુ માફી માગે છે પણ સાહેબ નથી જાણતા કે માફી કઈ વાતની માગવાની છે. રોજ આવું થતા તે વધારે ને વધારે ગુસ્સે ભરાઈને તેને ત્યાંથી જવાનું કહે છે. આ બાજુ બાબુને એવું લાગે છે કે સાહેબને તો મોટા મોટા છાંટા ઉડ્યા હશે એટલે તેઓ નારાજ છે. બસ અહીં સુધી તો વાર્તામાં કોમિક વાતાવરણ છે. પણ જ્યારે તેનો સાહેબ તેના પટ્ટાવાળાને કહી તેને રૂમમાંથી કાઢી મૂકે છે ત્યારે તેને લાગે છે કે હવે તો નોકરી ગઈ. મારી પત્ની છે. ત્રણ બાળકો છે. તેનું પાલન પોષણ કેવી રીતે થશે ?

એ ડરમાં જ તે ઘરે જાય છે. ખુરસી પર બેસે છે અને પછી બેઠો જ રહે છે. તે મરી જાય છે.

કેવો કરુણ પ્રસંગ છે. વાર્તામાં ચેખવે કડક નોકરશાહી ઉપર પ્રહાર કર્યો છે. જેમાં સાહેબ અહંકારના કારણે બાબુને પૂછતો પણ નથી કે તું ભાઈ માફી શું કામે માગે છો ? બસ, આટલું જ પૂછી લેત તો એનો જીવ તો ન જાત.

વ્યંગ વિશે મેં થોડી વાતો અહીં કહી. એ માટે કે વ્યંગનો અર્થ સમજવામાં તમને થોડી ઘણી સહાયતા મળે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments