Team Chabuk : વક્રોલક નામના નગરમાં સૂર્યપ્રભ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની કોઈ સંતાન નહોતી. તેની બાજુના જ નગરમાં ધનપાલ નામનો સાહુકાર રહેતો હતો. તેની પત્નીનું નામ હિરણ્યવતી હતું અને તેને ધનવતી નામની પુત્રી હતી. ધનવતી મોટી થઈ તો તેના પિતા ધનપાલનું નિધન થઈ ગયું.
પતિ ધનપાલનું નિધન થતા તેની પત્ની હિરણ્યવતી પોતાની પુત્રીને લઈને રાતના સમયે નગર છોડી ચાલી નીકળી. રસ્તામાં તેને કોઈ ચોર ફાંસીએ લટકતો મળ્યો. એ મૃત્યુ પામ્યો નહોતો. ગળામાં જીવ ખાબોચિયાંના વધેલા પાણીની જેમ અટવાયેલો પડ્યો હતો. તેણે હિરણ્યવતીને આવતી જોઈ કહ્યું, ‘હું તને એક હજાર સુવર્ણમુદ્રાઓ આપીશ. તું તારી છોકરીના લગ્ન મારી સાથે કરી દે.’
હિરણ્યવતીએ કહ્યું, ‘તું તો મૃત્યુ પામવાનો છો. તારી સાથે મારી પુત્રીના વિવાહ કરીને હું શું કરું ?’ તેણે મોઢું કટાણું કર્યું.
ચોરે પોતાનો પક્ષ રાખતા કહ્યું, ‘મારો કોઈ પુત્ર નથી અને જેનો પુત્ર ન હોય તેને સ્વર્ગલોકમાં સ્થાન નથી મળતું. અહીંનો રાજા લોભી છે. જો તું તારી પુત્રીના વિવાહ મારી સાથે કરાવી દે તો હું તને એક હજાર સુવર્ણમુદ્રાઓ આપું અને પછી મૃત્યુ પામું તો મારો આત્મા સ્વર્ગલોકમાં જશે.’
હિરણ્યવતી સોનાની મુદ્રાઓના લોભમાં આવી ગઈ અને તેણે પુત્રીના વિવાહ એ ચોર સાથે કરી દીધા. ચોરની આજુબાજુ આટા મારી વિધિ પૂર્ણ કરી. લગ્ન પૂર્ણ થતા જ ચોરે કહ્યું, ‘આ વડલાના ઝાડની નીચે સુવર્ણમુદ્રાઓ છે. એ તું લઈ લેજે અને પછી મને મારી નાખજે એટલે મારા પ્રાણ સ્વર્ગલોકમાં જાય. મારા ક્રિયા કર્મ કરીને તમે બેઉં મા-દીકરી તમારા રસ્તે ચાલ્યા જજો.’ ચોર આનાથી વધારે ન બોલી શક્યો. તેનું ગળું રૂંધાવા લાગ્યું અને તે ભગવાનને પ્યારો થઈ ગયો. માતા અને દીકરીએ તેના પ્રાણ પણ ન લેવા પડે એટલો તે અધમુઓ થઈ ગયો હતો.
હિરણ્યવતીએ વડલાના ઝાડની નીચેની જમીન ખોદી અને સુવર્ણમુદ્રાઓ કાઢી લીધી. ચોરના ક્રિયા કર્મ કરી નાખ્યા અને નગર તરફ ડગ માંડ્યા.
એ જ નગરમાં વસુદત્ત નામનો એક ગુરૂ રહેતો હતો. જેનો મનસ્વામી નામનો શિષ્ય હતો. એ શિષ્ય એક વેશ્યાને પ્રેમ કરતો હતો. વેશ્યા તેની પાસેથી પાંનસો સુવર્ણમુદ્રાઓ માગતી હતી. એ તો ક્યાંથી લાવીને દેત. ધનવતી તેની મા સાથે ત્યાંથી નીકળી. એ ધનવતીએ મનસ્વામીને જોયો અને તેની સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમનો પ્રસ્તાવ લઈ ધનવતીએ એક દાસીને મનસ્વામી પાસે મોકલ્યો. મનસ્વામીએ દાસીની વાત સાંભળી કહ્યું, ‘જો મને પાંનસો સુવર્ણમુદ્રાઓ આપવામાં આવે તો હું ધનવતી સાથે એક રાત વીતાવું.’
હિરણ્યવતી માની ગઈ. માની એટલા માટે ગઈ કે બ્રાહ્મણ તો કોઈ રાજકુમાર જેવો દેખાવડો હતો. તેણે મનસ્વામીને પાંનસો સુવર્ણમુદ્રાઓ આપી દીધી. બંનેએ પ્રેમથી રાત વિતાવી અને છૂટા પડ્યા. એ રાતના ફળ સ્વરૂપે ધનવતીને ત્યાં એક પુત્ર અવતર્યો. એ રાતે જ શિવજીએ તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ‘તું આ બાળકને હજાર સુવર્ણમુદ્રાઓ સાથે રાજાના મહેલના દરવાજા પર રાખી આવ.’
એ સ્વપ્ન મુજબ જ માતા અને પુત્રી ચાલ્યા. બીજી બાજુ શિવજીએ રાજાને સપનામાં દર્શન આપીને કહ્યું, ‘તારા મહેલના દ્વારા પર કોઈએ પૈસા સાથે એક પુત્રને તરછોડી દીધો છે. તેને ઉઠાવી લે.’
રાજાએ પોતાના નોકરોને મોકલી બાળક અને સુવર્ણમુદ્રાઓ ઉઠાવી લીધી. બાળકનું નામ તેણે ચંદ્રપ્રભ રાખ્યું. જ્યારે તે છોકરો મોટો થયો તો તેને રાજગાદી સોંપીને રાજા કાશી ચાલ્યો ગયો અને થોડા સમય પછી મૃત્યુ પામ્યો.
પિતાના મૃત્યુ બાદ ચંદ્રપ્રભે તીર્થયાત્રા કરી. ઘુમતો ઘુમતો પિતાની અસ્થીઓ સાથે ગયામાં પહોંચ્યો. પિંડદાન કરવા ગયો તો નદીમાંથી ત્રણ હાથ પિંડ લેવા માટે નીકળ્યા.
ચંદ્રપ્રભે આશ્ચર્યચકિત્ત થઈને બ્રાહ્મણને પૂછ્યું, ‘હું આમાંથી પિંડ કોના હાથમાં આપું ?’
લોઢાના ખીલાવાળો ચોરનો હાથ હતો, પવિત્ર હાથ બ્રાહ્મણનો હતો અને વીંટીવાળો હાથ રાજાનો હતો.
ચંદ્રપ્રભ દ્રિધામાં હતો. તેણે ફરી બ્રાહ્મણને પૂછ્યું, ‘તમે નક્કી કરો કે હું કોને આપું?’
વેતાલ આટલું કહીને ચૂપ થઈ ગયો, ‘બોલ રાજન્ તુ બતાવ કે કોને પિંડ આપવું જોઈએ? નક્કી કર ચંદ્રપ્રભ પિંડ કોના હાથમાં આપે ?’
રાજાએ કહ્યું, ‘ચોરને, કારણ કે તે એનો જ પુત્ર છે. મનસ્વામી તેનો પિતા એટલા માટે નથી, કારણ કે તે તો રાત માટે ખરીદેલો હતો. રાજા પણ તેનો પિતા ન થઈ શકે, કારણ કે બાળકનું પાલન પોષણ કરવા માટે તેને ધન મળી ચૂક્યું હતું. એટલે ચોર જ પિંડનો અધિકારી છે.’
‘માની ગયો રાજા. માની ગયો. હું માની ગયો કે બુદ્ધિ અને ન્યાયમાં તારો મુકાબલો કોઈ ન કરી શકે, પણ ભૂલકણો તો તું છો જ. તું બોલ્યો અને હવે હું નીકળું છું.’ વેતાલ સિદ્ધવડ પર લટકી ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત