Homeવિશેષ100 કરોડ: અદાર પૂનાવાલાના પિતા સાયરસ પૂનાવાલાને એક ઘોડાએ વેક્સિન કંપની સ્થાપવાનો...

100 કરોડ: અદાર પૂનાવાલાના પિતા સાયરસ પૂનાવાલાને એક ઘોડાએ વેક્સિન કંપની સ્થાપવાનો આઈડિયા આપ્યો હતો

Team Chabuk-Special Desk: વર્ષ 2019ના અંતિમ મહિનાઓમાં જ્યારે ચીનમાં કોરોના વાઈરસ નામનો દૈત્ય માથું ઊંચકી રહ્યો હતો ત્યારે કોઈને ભનક સુદ્ધાં નહોતી કે ડ્રેગનની આ પૂંછડી અહીં સુધી લાંબી થઈ જશે અને પછી તો આખી અવનીને તેના ડ્રેગન ભરડામાં લઈ લેશે. 2020માં વાઈરસનું સ્વરૂપ રૌદ્ર બન્યું. એક એવી હુતાશન, જેની ઝપેટમાંથી ભાગ્યે જ કોઈ દેશ બચી શક્યો. યુરોપમાં પ્લેગની માફક જ કહેર વર્તાવ્યો અને ભારતમાં બીજી લહેરમાં એ પોતાની ચરમ તાકાત પર રહ્યો. લોકો પ્રતીક્ષા કરી રહ્યા હતા. ઈશ્વરની નહીં પણ વેક્સિનની. વેક્સિન આવી. એકના વિનાની બે વેક્સિન આવી. એકનું નામ કોવિશીલ્ડ અને બીજી વેક્સિનનું નામ કોવેક્સિન.

ભારત વિશ્વમાં સૌથી વધારે રસીનું ઉત્પાદન કરતો દેશ હોય અને એમાં જો કોઈનું નામ ગર્વભેર લેવાનું હોય, તો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનું જ લેવું પડે. હાલ અદાર પૂનાવાલા પરિવારની સાથે લંડનમાં છે. વેક્સિન માટે જેની કંપનીએ રાત દિવસ ઉજાગરો વેઠી કોરોના મારક જડીબુટ્ટી બનાવી એને જ ધમકીઓ મળી. આખરે આ પરિવાર આવ્યો ક્યાંથી?

19મી સદીમાં જ્યારે બ્રિટિશ રાજનો પરચમ આકાશી ઉંચાઈએ લહેરાઈ રહ્યો હતો ત્યારે પૂનાવાલા પરિવાર પુણેમાં આવી વસ્યો હતો. એ સમયે કેટલાય પારસી પરિવારો ભારતને પોતાની ભોમકા બનાવી દૂધમાં સાંકળ ભળે એમ ભળી ગયાં હતાં. જે શહેરમાં કોઈ પારસી પરિવાર વસવાટ કરવા આવ્યો તે શહેરોના કે કેટલાય સ્થળોના નામ પણ તેમના પરિવારના નામ પરથી જ પડી ગયા. ઉદાહરણ તરીકે અદાર પૂનાવાલાની અટક છે પૂનાવાલા.

સ્વતંત્રતાની પહેલા પૂનાવાલા પરિવાર કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પણ તેમની ઓળખ ઘોડાના વેપારથી થાય છે. દારા સોલી પૂનાવાલાએ ઘોડાઓનો વેપાર શરૂ કર્યો હતો. કેટલાય ઉંચી જાતના ખડતલ ઘોડા અને ઘોડીઓને તેમણે રેસ માટે તૈયાર કર્યા હતા. ઘોડાઓના વેપારથી જ પૂનાવાલા પરિવારના સંબંધો દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ સાથે જોડાયા અને મજબૂત થયા. જ્યારે સાયરસના પિતાએ તેને ઘોડાના વેપારને આગળ વધારવાનું કહ્યું, તો તેનું ધ્યાન વેક્સિન પર ગયું. તેમણે આ ધંધામાં જોખમ ખેડવાનું મન બનાવી લીધું હતું. આ ક્ષેત્ર એવું હતું કે તેમાં ભવિષ્યમાં મોટા માણસ બનીશું તેની કોઈ જાતની ગેરન્ટી નહોતી. સમય એવો કે ભારત ખૂબ જ મર્યાદિત સ્તર પર વેક્સિનનું ઉત્પાદન કરતું હતું. ભૂતકાળમાં વેક્સિનથી જ લોકો ઉભી પૂંછડીએ ભાગતા હતા. કોરોનામાં તેનું એક ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા છીએ. વેક્સિનનું ઉત્પાદન થતું અને તેમાં સરકારની ભૂમિકા મહત્વની રહેતી હતી.

વિચાર કેવી રીતે આવ્યો? એ સમયે મુંબઈમાં હાફકિન ઈન્સ્ટિટ્યૂટને પૂનાવાલાની ઘોડાઓની કંપનીમાંથી, જે વૃદ્ધ થઈ ગયા હોય એ ઘોડા આપવામાં આવતા હતા, આ ઘોડાઓનો ઉપયોગ સર્પદંશ અને ટિટનેસની વેક્સિન બનાવવા માટે થતો હતો. સાયરસે આ વિષય પર વિચાર્યું. પોતાના ઘોડાઓનો ઉપયોગ બીજાઓને કરવા દેવો એના કરતા પોતે જ કરીએ તો કેવું રહે? તેઓ આ ક્ષેત્રમાં યા હોમ કરી કૂદી પડ્યા, ફતેહનું ત્યારે કંઈ વિચાર્યું નહોતું, 1966માં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી નાખી.

અહીંથી સીરમ ઈન્સ્ટિટ્યૂટે કેટલીય જીવલેણ બીમારીઓ સામે લડવા વેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું. 1971માં કંપનીએ ખસરા અને કંઠમાલા રોગની વેક્સિન બનાવી, જે ઘણી અસરકારક રહી. તુરંત જ આંતરાષ્ટ્રીય સ્તર પર પોલિયો કાર્યક્રમની શરૂઆત થઈ. સીરમે તેને એક મોટા અવસરની રીતે જોતા યૂરોપ અને અમેરિકાની ટેકનિકને ઘર આંગણે લાવતા ઉત્પાદનમાં વૃદ્ધિ કરી. તેણે કિંમત પણ ઓછી રાખી. પાંચ લાખ રૂપિયાથી સાયરસે સીરમ ઈન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી હતી. ફોર્બ્સની સૂચિ પ્રમાણે દુનિયાના 165માં નંબરના અને ભારતના છઠ્ઠા નંબરના અમીર વ્યક્તિ એટલે પૂનાવાલા.

બીજી બાજુ અદાર પૂનાવાલા ઈંગ્લેન્ડથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યા અને 2001માં પિતાની કંપની સાથે જોડાઈ ગયા. શરુઆતમાં સેલ્સ વિભાગમાં કામ કરતા હતા. વર્ષ 2011માં સીરમ સમૂહના સીઈઓ બન્યા અને વર્તમાન સમયે કંપનીના સ્થાપક પિતા સાયરસ કરતા તેમના કારણે કંપની વધારે ઓળખાય છે. તેમણે કંપનીને સિમિત ન રાખતા તેનો વિકાસ કર્યો. 2012માં ડચ સરકારી વેક્સિન નિર્માતા કંપનીનું અધિગ્રહણ કર્યું. જે પછી સીરમ ઈન્સ્ટિટ્યૂટ દુનિયાભરમાં સૌથી વધારે વેક્સિન બનાવનારી કંપની બની ગઈ. 2001માં જ્યારે અદાર પૂનાવાલાએ કંપની સાથે હાથ મિલાવ્યા ત્યારે કંપની 35 દેશોમાં વેક્સિનની નિકાસ કરતી હતી. આજે દેશનો આંકડો વધીને 165 સુધી પહોંચ્યો છે. તોખારની તેજી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments