Homeસાહિત્યકુમાર સામાયિક શરૂ કેવી રીતે થયું ?

કુમાર સામાયિક શરૂ કેવી રીતે થયું ?

Team Chabuk-Literature Desk : એ વખતે સાહિત્યને લઈ એટલો મોટો માહોલો જામ્યો નહોતો. ઉહાપોહ થતો નહોતો. સાક્ષરોની સંખ્યા ઓછી હતી. સાહિત્ય અને કળાની સેવા કરનારાઓ અને તેના પર જ નભનારાઓ આંગળીના વેઢે ગણો એટલા જ હતા. 1919નો અંત ભાગ ચાલતો હતો. સ્વામી શ્રી અખંડાનંદજી કંટાળાના કારણે એમનું સસ્તુ સાહિત્યવર્ધક ત્યજવાનું વિચારી રહ્યા હતા. આ વાત એમણે ચંદુભાઈને કરી. પહેલા તો ચંદુભાઈ દુર્વાસા બની રોષે ભરાયા અને આવો વિચાર જ મનમાંથી સંકેલી લેવાની વાત ઉચ્ચારી, છતાં અખંડાનંદજી પોતાની વાત પર હિમાલયની જેમ અડગ હતા. આખરે તેમની વચ્ચેની વાતચીતમાં વચ્ચેનો એવો રસ્તો નીકળ્યો કે સ્વામીજી કોઈ કાર્યકર ચંદુભાઈને આપશે.

ખાસ્સો વિચાર-વિમર્શ કર્યા પછી ઘડિયાળનો કાંટો બચુભાઈ ઉપર જ આવીને રોકાઈ જતો હતો. એ વખતે બચુભાઈ ગોંડલમાં શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા હતાં. બચુભાઈને પણ અંદરખાનેથી ગોંડલની ભૂમિ છોડી અમદાવાદ નગરીમાં વસવાની ઈચ્છા હતી. સાહિત્યમાં જોડાવું હતું. પત્રકારત્વ કરવું હતું. આ તો સામેથી માગુ આવ્યું. હરખાઈને તેમણે 1919ની સાલમાં જ શિક્ષણકાર્ય છોડી દીધું અને હોંશે હોંશે સસ્તુ સાહિત્યવર્ધકમાં જોડાઈ ગયા.

એમણે સસ્તુ સાહિત્યવર્ધકની ઓફિસની જે કલ્પના કરેલી એ સાચી ન ઠરી, કારણ કે ત્યાં બે વ્યક્તિઓ સિવાય બધાને છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા. એક મેનેજર જેનું નામ વેણીશંકર પઢિયાર અને બીજા પટાવાળા સખારામભાઈ.

ત્યાં રોજમેળ અને હિસાબના કામ પણ કરવા પડતા હતા. બચુભાઈના દાદા હિસાબમાં પાવરઘા હતા. જેથી તેમને આ કામ પણ આવડતું હતું. ઘસાઈએ તો ઉજળા થઈએ એ રીતે બચુભાઈ પણ ઘસાઈ ગયા.

રવિશંકર રાવળ સાથે તો આ પહેલા જ બચુભાઈની મુલાકાત થઈ ગઈ હતી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ થયેલો અને ગોંડલમાં તેમની સાથે ચર્ચા પણ થયેલી. એ પછી એક દિવસ રવિશંકર રાવળ સસ્તુ સાહિત્યવર્ધકની ઓફિસે આવી ચડ્યા. બચુભાઈને એમના આવતા નવાઈ લાગી, કારણ કે તેઓ તો મુંબઈમાં રહેતા હતા. જોકે બાદમાં રવિશંકર રાવળે જ આખી વાત સામે રાખી દીધી કે હવે હું મુંબઈ છોડી અમદાવાદમાં સ્થાયી થયો છું. જેથી આપને જ્યારે મન પડે ત્યારે ઘરે આવી જવું.

રવિશંકર રાવળના અમદાવાદ આગમનથી બચુભાઈમાં સ્ફુર્તિનો સંચાર થયો. જ્યારે સાહિત્ય અને કળાની વાતો કરનારાને તેના જેવો જ બીજો મળી જાય તો કેવો થાય ? બસ એવો જ.

વાત વાતમાં એક વખત બચુભાઈએ રવિશંકર રાવળને એમણે પોતે તૈયાર કરેલો જ્ઞાનાંજલિનો અંક બતાવ્યો. આ અંકમાં ગોંડલની ભૂમિના ધૂમકેતુ, દેશળજી પરમાર સહિતના લેખકોની રચનાઓ છપાઈ હતી. રવિશંકર રાવળ તેનાથી પ્રભાવિત થયા.

બીજી બાજુ મુંબઈમાં હાજી મહમ્મદ જે વીસમી સદી સામાયિક ચલાવતાં હતાં તેમની સ્થિતિ કથળતી ગઈ. એમની તબિયત સારી નહોતી રહેતી. ઉપરથી વારંવાર રવિશંકર રાવળને તેમના પત્ર આવતા હતા. એ કાગળમાં લખેલું હોય.

‘‘વીસમી સદીના સંચાલન અને સંપાદનમાં મદદરૂપ થાય એવો કોઈ ભરોસાપાત્ર માણસ મળી જાય તો એની સહાયથી હું વીસમી સદીને તેમજ મારી જાતને બચાવી લઉં.’’

હાજીજીના આ વાક્યથી સામાયિકોની સ્થિતિ એ વખતે પણ ગરીબડા જેવી હતી તેવું પ્રતિપાદિત થાય છે. રવિશંકર રાવળે બચુભાઈની સાથે મુંબઈ જવાની તૈયારી કરી. મુંબઈની તૈયારીમાં તેમણે બચુભાઈનો જ્ઞાનાંજલિનો જૂનો અંક પણ પોતાની સાથે લઈ લીધો.

વીસમી સદી માસિક અંગ્રેજીની ઢબે ચાલતું હતું તેવું બચુભાઈએ નોંધ્યું છે. એમનું એ મનગમતું સામાયિક હતું. સાહિત્યકારો અને સાચા સાહિત્યપ્રેમીઓને જે સામાયિક ગમતું હોય તેની શું ખરાબ સ્થિતિ જ થઈ જાય છે ?

રવિશંકર રાવળ સાથેની મૈત્રી અને વીસમી સદી પ્રત્યેના ઉત્કટ પ્રેમને લઈ બચુભાઈએ નક્કી કરી લીધું કે આ સામાયિક સાથે તાંતણો જોડી લેવો. એક મહિનાના નોટીસ પિરિયડ સાથે એમણે સસ્તુ સાહિત્યવર્ધક છોડી દીધું અને રવિશંકર રાવળની સાથે જોડાઈ ગયા. 22મી જાન્યુઆરી 1921માં હાજી મહમ્મદનું અવસાન થઈ ગયું. એ સાચા હતા કે, હું લાંબુ નહીં ખેંચી શકું. કદાચ બચુભાઈના હાથમાં સામાયિક ગયું એટલે એમનો જીવ નિરાંતે ગયો.

એમનું અવસાન થતાંની સાથે જ વીસમી સદી તો બંધ થઈ ગયું. આ બાજુ સસ્તુ સાહિત્યવર્ધકમાંથી છૂટ્ટા થયા અને આ બાજુ હાજીજીનું અવસાન એટલે બચુભાઈ રસ્તે આવી ગયા, પણ રવિશંકર કોઈને રસ્તે આવવા દે એવા નહોતા. એમણે જવાબદારી સંભાળી લીધી. રવિશંકરજીએ 60 રૂપિયા મહિને આપી બચુભાઈને પહેલા હાજીજીના માનમાં એક સ્મારકગ્રંથ પ્રકાશિત કરવાનું કામ સોંપ્યું. જેમાં એ વખતના મુનશીથી લઈને એકથી એક ચડીયાતા લેખકોના લેખ હતા.

આ સમયમાં નવજીવન જપ્ત કરવામાં આવ્યું. નવજીવન એ વર્ષે જ ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા આ તમામના લેખોને પુસ્તકનું સ્વરૂપ આપવાનું નક્કી કરી રહ્યું હતું. આ પ્રવૃતિમાં જુગતરામજી સંકળાયેલા હતા. જેઓ વીસમી સદીમાં પણ હતા. રવિશંકર રાવળે ત્યાં બચુભાઈની વાત કરી. સવેતન બચુભાઈ ત્યાં જોડાઈ ગયા.

ઈંગ્લેન્ડમાં એ વખતે ‘માય મેગેઝિન’ ચાલે. ખૂબ જ લોકપ્રિય. એ કિશોરો માટેનું માસિક હતું. રવિશંકર રાવળની ખૂબ ઈચ્છા કે આ પ્રકારનું કિશોરો માટેનું કોઈ માસિક આપણા ગુજરાતમાંથી પણ નીકળે. જોકે એ થઈ નહોતું રહ્યું. એમને જેવું નામ જોઈએ એવું નામ નહોતું મળી રહ્યું.

આ અરસામાં રવિભાઈના મિત્ર મસ્તરામ પંડ્યાના કિશોરો અનંત અને ઉપેન્દ્ર ‘કુમાર’ નામનું હસ્તલિખિત ગૃહ માસિક ચલાવતા હતા. આ કુમાર નામ રવિશંકરભાઈને ખૂબ ગમી ગયું. આખરે 1924માં કુમારો-કિશોરો માટેનું માસિક ‘કુમાર’ શરૂ થયું.

એ વખતે કુમાર નવજીવન પ્રેસમાં જ છપાતું. બચુભાઈ તેની કલાત્મક ડિઝાઈન કરવાનો ખાસ આગ્રહ રાખતા હતા, જે એ વખતે લોકોને ગમતું નહીં. જેથી કુમાર પ્રિન્ટરી કરીને અલગ છાપખાનું શરૂ કરવામાં આવ્યું.

કુમાર તો શરૂ થયું પણ હવે બે અલગ અલગ મત પ્રવર્તતા હતા. એક તો એ કે રવિશંકર ઈચ્છતા હતા કે કુમાર મેગેઝિન કિશોરોને સર્વોતોમુખી જ્ઞાન આપે એ ઢબનું હોવું જોઈએ. બીજી બાજુ બચુભાઈ સાહિત્ય તરફ ઢળી જતા હતા. છેલ્લે બેઉંએ પોત પોતાના વિચારનો એકાકાર કર્યો અને ગુજરાતને ‘કુમાર’ મળ્યું અને સાથે જ બચુભાઈ મળ્યા.

આ લેખમાંથી જે પણ માહિતી લીધેલી છે એ કવિ રાજેન્દ્ર શાહે કુમાર મેગેઝિનના તંત્રી બચુભાઈનું ઈન્ટરવ્યુ લીધેલું તેમાંથી અલગ તારવેલી છે. ચાબુક અહીંથી અટકી નહીં જાય. બચુભાઈએ તેમાં પ્રથમ તંત્રી લેખ કેવો હતો તેની વાત કરેલી. એ તંત્રી લેખ વિશે અહીં મૂકીશું અને પતાવશું.

‘‘પહેલા જ અંકની તંત્રીનોંધમાં લખ્યું હતું તે પ્રમાણે જગતના દીપોત્સવમાં દેશદેશના માનવો આત્મકલાની જ્યોતિ આગળ ધરતા હોય તે વખતે ગુજરાતના કુમારો અંધકારમાં શૂન્યમુખ થઈ ઊભા ન રહે તેવા તેમને ઘડવાના અમારા મનોરથ હતા. વિવિધ જ્ઞાન, ચારિત્ર્યઘડતર, સંસ્કાર, સાહિત્ય, કલા, ગુજરાત અને ભારતની અસ્મિતાનું ગૌરવ વગેરે ગુજરાતના કુમારોમાં સીંચી તેમની આત્મજ્યોતિઓ સચેત રાખવાની મારી અભિલાષા હતી. આપણું પ્રાચીન ગૌરવ, ઋષિવરોનાં દર્શનો, આપણી સંસ્કૃતિનો પ્રભાવ, સંતોની પ્રાણપોષિત પ્રસાદીઓ, કલાની રસભરી કૃતિઓ, કુદરતની ભવ્ય લીલા, વિશ્વની ચમત્કૃતિઓ, નવી દુનિયાની વૈજ્ઞાનિક અજાયબીઓ અને હુન્નર ઉદ્યોગોના નુસખાઓ તથા વિનોદની વાતો સુદ્ધાં સુંદર નિર્દોષ સ્વરૂપમાં રજૂ કરવાનો અમારો સંકલ્પ હતો.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments