Homeસાહિત્યએક વખત ગુજરાતના ‘‘ઓનલાઈન કુમાર લેખકો’’ ને કુમાર મેગેઝિન વંચાવો

એક વખત ગુજરાતના ‘‘ઓનલાઈન કુમાર લેખકો’’ ને કુમાર મેગેઝિન વંચાવો

The Chabuk-Editors View : આજે જમાનો બદલાયો છે. મેગેઝિનો ના વળતા પાણી થવા લાગ્યા છે. સારા સામાયિકો પણ ચાલી નથી રહ્યા. શબ્દસૃષ્ટી અને પરબના ગ્રાહકો કેટલા ? સફારીના ગ્રાહકો કેટલા ? આમનાં તો હજુય હશે પણ કુમાર મેગેઝિનના ગ્રાહકો કેટલા ? આ સવાલ હકીકતે ચિંતાનો વિષય છે. કુમાર મેગેઝિને વર્ષો સુધી સંસ્કારરૂપી સાહિત્ય આપ્યું. તેમની પાસે એડિટર છે અને હતો. આજે ધીરુભાઈ પરીખ તેના તંત્રી પદે છે. કોઈ દિવસ કુમાર મેગેઝિને સાહિત્ય સાથે બાંધછોડ નથી કરી. ચીલાચાલુ વિષયો તેણે નથી છાપ્યા.

નવ લખવૈયાઓ પ્રતિલીપી અને માતૃભારતીની ઓનલાઈ એપ્લિકેશનમાં પોતાની રચનાઓ મુકે છે. દોઢડાહ્યા થઈ ‘મને તો આટલાએ વાંચ્યા’ તેવી પોતાની જ આત્મપ્રશસ્તિ કર્યા કરે છે. શું તંત્રીની નજર નીચેથી તેમનું લખાણ પસાર થયું ? કોઈ સુધારા વધારા કરવાનું એમને કોઈએ સૂચવ્યું ? એમની કૃતિ રદ થઈ ? એ તંત્રી વિનાનો રથ છે. તેનો કોઈ સારથી નથી. કુમારના સારથી બચુભાઈ હતા. જેવી તેવી કૃતિઓ તો ચલાવી પણ ન લે, છતાં વાંચે બધાને. વાંચ્યા પછી એ નિષ્કર્ષ પર આવે કે આ કૃતિ છાપીશું તો કોઈને સારું જાણવા મળશે, માહિતી મળશે, શિખવા મળશે કે નહીં ?

આજે ઓનલાઈન લખાણ મૂકવાની એપ્લિકેશનોમાં આવો કોઈ અવકાશ જ રહેતો નથી. 18 વર્ષની પાકટ વય પહેલા જ નવલકથાઓ ઢસડી નાખવામાં આવે છે. અભ્યાસ વિના તૈયાર થયેલા એ કચરામાં કોઈ પ્રકારની ભલીવારી હોતી નથી. લખાણ સાથે મૈથૂન કરનારાઓનો રાફડો ફાટ્યો છે.

આજે કુમારના બચુભાઈ રાવતનો જન્મદિવસ છે. કેટલી મોટી પ્રતિભા રહ્યા. એમની આંખ નીચેથી જ્યારે કોઈ વાર્તા પસાર થતી અને છપાતી ત્યારે એ અનુભવી લેખકની આત્માને શાંતિ મળતી કે હવે હું લેખક થયો. એ જમાનો એવો હતો કે કુમાર મેગેઝિનમાં તમારું લખાણ છપાઈ છે તો તમને લેખક તરીકેનું સર્ટિફિકેટ મળી ગયું. સૌનાં પ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીની મકાનના ભૂત પણ અહીં જ છપાણી હતી.

આજના લેખકડાઓની કૃતિમાંથી ભૂલ કાઢવામાં આવે તો તમારા પર બે ચાર શબ્દો લખી સોશિયલ મીડિયા પર મૂકી દે છે. વિદ્યાર્થીને કંઈ ન આવડતું તો શિક્ષક સોટી શિક્ષા કરતા હતા. સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ. એ સોટી શિક્ષા હવે નથી કરાતી, નહીં તો શિક્ષક સીસીટીવીમાં કેદ થઈ જાય છે અને બાળકના વાલીઓ ધસી આવી, શિક્ષક તો જાણે હરાયું ઢોર હોય એમ પીટાઈ કરી નાખે છે. આવું જ હવે લેખન સાથે થયું છે. કોઈને આંગળી ચીંધી દોષ બતાવો તો તેનું વેર સોશિયલ મીડિયા પર શબ્દો લખી લેવામાં આવે છે.

કુમાર મેગેઝિનની ઓફિસ એ ખૂબ જ શાંત જગ્યા છે. અમદાવાદ જેવું મહાકાય શહેર હોવા છતાં કુમાર મેગેઝિનની ઓફિસની આસપાસનું સવારનું વાતાવરણ કોઈ ગામડાની યાદ અપાવી જાય છે. અમદાવાદ નગર મધ્યે પ્રાત:કાળે ધબકતું એ ગામડું છે. તેની નજીક જઈ આજુબાજુ નજર કરો તો જાણે ટાઈમ ટ્રાવેલ કરી બચુભાઈના યુગમાં તો નથી આવી ગયાને એવું લાગ્યા વિના ન રહે. થોડા આગળ જાવ તો પોળનાં મંદિરોમાં પુજારી ઘંટી વગાડતો હોય. તેની અગરબત્તીની સુગંધ ધ્રાણેન્દ્રિયોમાં પ્રવેશે ત્યારે આંખ મીંચ્યા વિના નથી રહી શકાતું.

કુમારે છેલ્લે સુધી સાહિત્યની સેવા કરી છે અને જ્યાં સુધી કુમારનું નામ છે ત્યાં સુધી એ કરતું રહેશે. હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે એક વખત ગુજરાતના ‘‘ઓનલાઈન કુમાર લેખકો’’ ને કુમાર મેગેઝિન વંચાવો. નવા નહીં તો જૂના ક્લાસિક અંકો પણ તમને મળી જ જશે. ચેખવની વાર્તા શરતમાં જે રીતે નાયક ઓરડામાં કેદ થઈ જાય છે, તેવી સજા કે શરત તેમની સાથે મારી, તેમને ઓરડાગમન કરાવી કુમાર મેગેઝિન વાંચવા આપો. એ બહાર આવશે, તો ગયો હતો તેના કરતા તેનામાં કંઈક અલગ હશે. સામ્યવાદી રશિયનોની વાર્તાનો આ રીતે પણ ઉપયોગ કરી શકાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments