ઝાલાવાડી જલજીરા : 1969માં ખ્વાજા અહેમદ અબ્બાસે સાત હિન્દુસ્તાની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ બનાવ્યા પછી પણ અમિતાભ પાસે કશું કામ નહોતું રહેતું. ખ્વાજાએ નક્કી કર્યું કે હ્રષિકેશ મુકરજી પાસે અમિતાભને લઈ જાઉં. જેથી તેની ઓળખાણ થાય અને તેની પાસે તો આનંદ ફિલ્મ પણ છે. જે બનાવવાનું તેઓ વિચારી રહ્યા છે.
બાંદ્રાની પાસે હ્રષિકેશ મુકરજીનું ઘર હતું. તેમનો પગ છેલ્લા કેટલાય સમયથી કામ નહોતો કરી રહ્યો. પહેલાથી જ હ્રષિકેશજીને સૂચિત કરી દેવામાં આવ્યું હતું કે અબ્બાસ અમિતાભને લઈ આવી રહ્યા છે. એમણે મળવા માટે બપોરનો સમય પણ આપી દીધો હતો.
વાત સાત કૂતરાની હતી, પણ હતા તો છ. એવો સવાલ પૂછ્યો તો હ્રષિકેશ મુખકરજી હસીને બોલ્યા, ‘તમે મને ગણવાનું ભૂલી ગયા.’
તેમના નિવાસસ્થાને પહોંચ્યા કે કૂતરાંઓ ભસવા લાગ્યા. અમિતાભ બચ્ચન તો કૂતરાઓને જોઈ ડરી ગયો. ત્યારે એ મેગાસ્ટાર નહોતો. અંતર્મુખી પ્રતિભા હતા. હ્રષિકેશ તેમને જોઈ ગયા અને બોલ્યા, ‘કંઈ નહીં કરે આવતા રહો. સાત કૂતરા છે.’
હ્રષિકેશ મુકરજી એ દિવસોમાં પથારીવશ થઈ ગયા હતા. ચાલી નહોતા શકતા. વાંચવાનો શોખ પૂરો કરતા હતા. નજીકમાં જ કેટલાક પુસ્તકો પડ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તકો. અબ્બાસ અને અમિતાભ તેમના ખાટલા પર પડેલા એ પુસ્તકોને જોવા લાગ્યા. હ્રષિકેશે તેમનું ધ્યાન ભંગ કરતા કહ્યું, ‘અત્યારે તો મને પગમાં તકલીફ છે. કંઈ કામ કરી શકતો નથી. પણ હા વાંચતો રહું છું. એક વસવસો જીવનમાં કાયમ રહ્યા કરે છે કે કેટ કેટલું વાંચવાનું રહી ગયું છે.’
હ્રષિકેશજીએ પોતાના ખાટલા પાસે રહેલા કૂતરાને ધમકાવ્યો અને હડસેલી દીધો. તેનું નામ તેમણે ચોકલેટ રાખ્યું હતું. મહેમાનોને બેસાડ્યા અને વાતચીત શરૂ કરી.
આ વાતને યાદ કરતા હ્રષિકેશ મુકરજીએ અમિતાભને જોઈ શું કહ્યું તે સૌમ્ય બંધોપાધ્યાયના પુસ્તકમાં કંઈક આ રીતે લખેલું છે, ‘અમિતને મેં સૌથી પહેલા આ ઘરમાં આ રૂમમાં જોયો હતો. તે સમયે પણ હું અચાનક જ બીમાર થઈ ગયો હતો. ત્યારે હું આનંદનું માળખું ઘડી રહ્યો હતો. એ દરમ્યાન એક દિવસ અબ્બાસસાહેબ આવી ચડ્યા. એમની સાથે એક દૂબળો પાતળો, પાણીદાર આંખોવાળો અને શાંત પ્રકૃતિનો યુવક હતો. અબ્બાસસાહેબે એનો પરિચય કરાવતા કહ્યું, ‘આનું નામ અમિતાભ છે.’
અબ્બાસજીએ હ્રષિકેશજીને છોકરાનું નામ જણાવતા કહ્યું, ‘આનું નામ અમિતાભ છે. તેના પિતા હરિવંશરાય બચ્ચન મશહૂર કવિ છે. અત્યારે કામ શોધી રહ્યો છે. આપની પાસે કોઈ ફિલ્મ હોય તો આપો.’
હ્રષિકેશજી અમિતાભ બચ્ચનને એકીટશે તાકતા રહ્યા. દૂબળો-પાતળો. એ સમયે તેનો ચહેરો આજ જેટલો ભરાવદાર નહોતો. પાતળી લાકડી જેવો હતો. તેની આંખોમાંથી વેદના દેખાતી હતી. એનો અવાજ વજનદાર હતો. જાણે નાભીમાંથી ન આવતો હોય. એ રીતે ઘૂંટાયેલો. હ્રષિકેશજીને થઈ ગયું કે આનંદમાં જે ડોક્ટરનું પાત્ર છે તે આ વ્યક્તિ માટે બંધબેસે છે.
રાજ કપૂર અને તેમના સંબંધોને લઈને તેમણે 1960માં આ વાર્તા રચવાની શરૂઆત કરી દીધી હતી. અનાડી ફિલ્મ પર તેમણે કામ આટોપી દીધું હતું.
રાજ કપૂર સાથે તેમને ગાઢ મિત્રતા હતા. તેઓ બીમાર પડી ગયા. હ્રષિકેશને સતત ડર લાગતો હતો કે એમને કશું થઈ ગયું તો, બસ આ વિચારોમાંથી જ આનંદનું બીજ પાંગર્યું. તેઓ મૂળ તો રાજ કપૂરને જ રાજેશ ખન્ના એ પ્લે કરેલા રોલ માટે લેવા માગતા હતા, પણ આ અભિનેતાને લીધા પછી ફિલ્મમાં જે ઘટના છે તે તેમના અંગત જીવનમાં સાચેક બની ગઈ તો. હ્રષિકેશ મુકરજી તેમને ગુમાવવા નહોતા માગતા એટલે તેમણે બીજા અભિનેતાઓની સાથે વાતચીત કરવાનો આરંભ કર્યો
એ સમયે હીરો રોમાન્સ કરતા હતા. ફિલ્મની પટકથામાં તો કોઈ જગ્યાએ રોમાન્સ હતો જ નહીં. રાજેન્દ્ર કુમારથી લઈને જેમીની.કે.એસ.વાસ સુધીના અભિનેતાઓએ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. દરેક અભિનેતા એક જ વાતનું રટણ કરતાં કહેતો હતો કે, કોમર્શિયલ ફિલ્મ બનાવો તો અમે તમારી સાથે છીએ.
પ્રોડ્યુસર્સે પણ હાથ ઊંચા કરી લીધા હતા. છેલ્લે એન.સી.સીપ્પી સાથે મળીનેં તેમણે ફિલ્મ કંપનીનું નિર્માણ કર્યું અને આનંદ પર ધ્યાન આપ્યું.
આ ભૂમિકા પહેલા કિશોર કુમાર કરવાના હતા. એ દિવસે કિશોર કુમાર કોઈ બંગાળી સાથે ઝઘડો કરીને આવ્યા હતા. એમણે પોતાના ચોકીદારને કહી દીધું કે કોઈ બંગાળી આવે તો તેને ઘરમાં ઘુસવા ન દેતો. જોગ-સંજોગ કિશોર કુમાર અંદર ગયા અને થોડી મિનિટો પછી હ્રષિકેશ મુકરજી આવ્યા. જે બંગાળી હતા. ચોકીદારે સાહેબની આજ્ઞાનું પાલન કર્યું અને આનંદની પટકથા સંભળાવવા આવેલા હ્રષિકેશ મુકરજીને ના પાડી દીધી.
આનંદ રિલીઝ થયા પછી આ વાત હ્રષિકેશ મુકરજીએ કિશોર કુમારને કહી તો કિશોર કુમારે પેલા ચોકીદારને નોકરી પરથી કાઢી મૂક્યો.
એક દિવસ ગુલઝાર, સલીમ-જાવેદ અને રાજેશ ખન્ના હળવાશની પળોમાં ફિલ્મો વિશેની ચર્ચા કરી રહ્યા હતા. ગુલઝારે આનંદની પટકથા ફિલ્મોની વાતો વચ્ચે જ કહી દીધી અને રાજેશ ખન્નાએ તે મંડળીમાંથી ચાલતી પકડી અને પહોંચી ગયા હ્રષિકેશ મુકરજી પાસે. કોમર્શિયલ ફિલ્મો કરતાં રાજેશને આ પ્રોજેક્ટમાં રસ પડશે તેવું હ્રષિકેશજીને બિલકુલ નહોતું લાગતું. રાજેશ ગળગળા થઈ ગયા અને હ્રષિકેશે તેમની સાથે ફિલ્મ કરવાની હા પાડી દીધી.
રાજેશ ખન્ના ફાઈનલ થઈ ગયા હતા. હવે બસ ડોક્ટરને શોધવાનો હતો. અબ્બાસ અમિતાભને લાવ્યા અને હ્રષિકેશને લાગી ગયું કે ડોક્ટર તો આના સિવાય કોઈને ન બનાવાય. જોકે તેમણે પાક્કુ મન નહોતું બનાવી લીધું. સાત હિન્દુસ્તાની ફિલ્મ જોઈ હતી. જે તેમને પ્રભાવિત ન કરી શકી. મુલાકાતો થતી રહી. પટકથા મુજબ ડોક્ટરનો અંતર્મુખી સ્વભાવ અને અમિતાભનો સ્વભાવ એક સરખો હતો. હવે હ્રષિકેશને બીજી વખત લાગ્યું કે ડોક્ટર આને બનાવવો જોઈએ.
હ્રષિકેશજીને પહેલાથી ખબર હતી કે ફિલ્મના અંતમાં તમામ વાહવાહી આનંદનું પાત્ર લઈ જવાનો છે. બાબુમોશાયના હાથમાં કંઈ નહીં આવે. દરેક અભિનેતા ઈચ્છતો હોય છે કે તેનું પાત્ર જે દર્શકો મનભરીને માણતા હોય તેનું ક્લાઈમેક્સમાં અવસાન થઈ જાય. અવસાન થવાથી પાત્ર અમર થઈ જાય છે અને લોકોને યાદ રહી જાય છે. રાજેશની સામે અમિતાભ એટલે પણ ફિક્કો પડવાનો હતો કારણ કે રાજેશ એક સુપરસ્ટાર હતા જ્યારે સામેની બાજુ અમિતાભ બચ્ચન તો નવા સવા કલાકાર કહેવાય. અમિતાભને પણ આ વાતની ખબર હતી કે તેઓ રાજેશ સામે તસુભાર પણ નહીં ચાલે. ફિલ્મનું તો શીર્ષક પણ રાજેશના કેરેક્ટરના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. આનંદ.
અમિતાભ આ બધા કારણોને લઈ ફિલ્મના સેટ પર આવતા અને ઉદાસ થઈ જતા કારણ કે આ ફિલ્મ પણ ન ચાલી તો શું થશે ?
એક વખત સાઉન્ડ રેકોર્ડિસ્ટ મંગેશ દેસાઈ અમિતાભને ઉદાસ જોઈ ઠપકો આપવા લાગ્યા. એમણે કહ્યું, ‘આ શાનું ગાંડપણ છે ? તું આવું મૂરખ જેવું વર્તન શા માટે કરી રહ્યો છે ? ફિલ્મ કોને કહેવાય કે હજુ તું બરાબર જાણતો નથી. તું એક વાર ફિલ્મ પૂર્ણ થઈ જવા દે. એને બરાબર જોઈ લે. પછી તને ખબર પડશે કે તે કેટલો મહત્વનો રોલ કર્યો છે.’
મંગેશ દેસાઈના ઠપકા પછી તે પાત્રમાં આવી ગયો અને આનંદની સાથે બાબુમોશાય પણ પોપ્યુલર થઈ ગયા. હ્રષિકેશ મુકરજીએ અભિમાન ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, બીજી વખત આવી સ્થિતિ અભિમાન ફિલ્મમાં બની હતી. તે મોઢું ચડાવી મારી સામે આવ્યો અને બોલવા લાગ્યો કે મને આ ફિલ્મનું એક પણ ગીત પસંદ નથી. હ્રષિકેશે તેને સમજાવ્યો અને પછી આજે બધાને ખબર છે કે અભિમાનના ગીતો કેટલા સુપરહિટ છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર